Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી ફરી એક વખત પોતાનો જ દેશમાં વિવાદોમાં સપડાયાઃ ભારતની ગુપ્‍તચર એજન્‍સીના ચિફ સમંતકુમાર ગોયલને મળતા ભારે ચર્ચા

કાઠમંડુઃ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી એક વખત ફરીથી પોતાના જ દેશમાં વિવાદોમાં સપડાયા છે. હકીકતમાં ઓલીએ તાજેતરતમાં જ કાઠમંડુમાં ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ચીફ સમંતકુમાર ગોયલને મળ્યા હતા.

બન્ને વચ્ચે બંધબારણે થયેલી આ બેઠક અંગેની જાણકારી ઓલીએ વધારે લોકોને આપી નહતી. જેના પર હવે ત્રણ પૂર્વ પ્રધાનમંત્રી અને ખુદ તેમની જ પાર્ટીએ આક્રામક વલણ અપનાવ્યું છે અને ઓલી પાસે જવાબ માંગ્યો છે.

પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડએ તો ઓલીના આ હરકતને બેજવાબદાર ઠેરવી છે. જણાવી દઈએ કે, પ્રચંડ હાલ નેપાળની સત્તાધીશ કૉમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ પણ છે. ઓલી પણ આજ પાર્ટીનો હિસ્સો છે. પ્રચંડ ઉપરાંત પૂર્વ PM ઝાલાનાથ ખનલ, માધવ કુમાર નેપા અને પૂર્વ ડેપ્યુટી PM ભીમ બહાદુર રાવલે અને નારાયણ કાજી શ્રેષ્ટે આ મુદ્દે અલગ બેઠક કરી છે.

પાર્ટીના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર પણ ઓલીની ટીકા કરી છે અને તેમની પાસે જવાબ માંગ્યો છે કે, તેઓ RAW ચીફ સાથે બે કલાક સુધી ચાલેલી બેઠકની સમગ્ર જાણકારી આપે.

એવું કહેવાય છે કે, RAW ચીફ ગોયલ અને તેમની ટીમ બુધવારે સ્પેશિયલ વિમાનથી નેપાળ પહોંચી હતી. જ્યાં તેઓએ વિપક્ષ નેતા શેર બહાદુર દેઉબાને પણ મળ્યા હતા. આ સિવાય 24 કલાક નેપાળમાં રહેવા દરમિયાન ગોયલે પૂર્વ PM બાબૂરામ ભટ્ટરાય અને મધેશિયોના નેતા મહંત ઠાકુર સાથે પણ અલગ-અલગ મુલાકાતો કરી હતી.

RAW ચીફની નેપાળ મુલાકાત ભારતીય સેનાના ચીફ જનરલ એમએમ નરવણેની આગામી મહિને યોજાનાર પ્રવાસ પહેલા થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદ પર વિવાદના કારણે તનાવ ચાલી રહ્યો છે.

ભારતીય વિસ્તારને નેપાળના નક્શા પર દર્શાવવાના પગલા બાદ આ તનાવ વધી ગયો છે. જો કે ઓફિશિયલ લેવલે બન્ને દેશો સબંધો સુધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

કહેવાય છે કે, પ્રચંડ આ બેઠક બાદ ઓલીથી નારાજ છે. તેમણે બે મંત્રીઓની સામે જ કહ્યું કે, પાર્ટી અને મંત્રીઓને અંધારામાં રાખીને આ પ્રકારની બેઠકમાં ભાગ લેવા પર જવાબ માંગવો જરૂરી છે. પૂર્વ PM ખનલ અને માધવ નેપાલે પણ બંધબારણે થયેલી આ બેઠકને દેશહિત માટે જોખમી ગણાવી છે.

બીજી તરફ PM ઓલીના પ્રેસ સલાહકાર સૂર્ય થાપાએ કહ્યું કે, RAW પ્રમુખે ઓલી સાથે માત્ર શિષ્ટાચાર મુલાકાત કરી હતી. ગોયલે માત્ર નેપાળ-ભારતના સબંધો સુધારવા, જૂના વિવાદો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવા અને સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે.

(4:46 pm IST)