Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

શાકાહારી મગર કેરળના મંદિરમાં પહોંચી ગયો

કાસારગોડસ્થિત અનંતપુરા મંદિરમાં અનોખી ઘટના બની

કોચી,તા.૨૩ : નવરાત્રિમાં કેરળના કાસારગોડસ્થિત અનંતપુરા મંદિરમાં અનોખી દ્યટના બની હતી. ગયા મંગળવારે એક શાકાહારી મગર મંદિરમાં પહોંચ્યો હતો. એ વખતે મુખ્ય પૂજારી ચંદ્રપ્રકાશ નંબીસને કરેલી વિનંતીને માન આપીને એ મગર મંદિરમાંથી બહાર નીકળી ગયો હતો. બાબિયા નામના એ મગરની મંદિરની અંદરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. કાસારગોડમાં અનંતપુરા ખાતે અનંતપધ્મનાભ સ્વામીનું મંદિર બરાબર તળાવની વચ્ચોવચ છે. ૭૦ વર્ષથી મંદિરના પરિસરમાંના તળાવમાં રહેતા મગર બાબિયા (મીઠા પાણીના મગરનું આયુષ્ય ૭૦થી ૧૦૦ વર્ષ હોય છે)એ કયારેય જંગલી કે હિંસક પ્રકારનું વર્તન કર્યું હોવાનું એ વિસ્તારના લોકોના ધ્યાનમાં આવ્યું નથી.

 ગયા મંગળવારે એ મગર મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયો હતો. એ વખતે મુખ્ય પૂજારી ચંદ્રપ્રકાશ નંબીસને તેને પોતાના સ્થાયી નિવાસસ્થળે જતા રહેવાની વિનંતી કરી હતી. વિનંતી કર્યા બાદ તરત એ મગર પાછો ફર્યો હતો. રોજ મંદિરમાં પૂજા થયા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે. બાબિયા એ શાકાહારી પ્રસાદ ખાઈને પેટ ભરે છે. પૂજારી બોલાવે ત્યારે જ એ તળાવમાંથી બહાર આવે છે. મગર સામાન્ય રીતે માછલાં, ઉંદર વગેરે પ્રાણીઓનો આહાર કરતા હોય છે, પરંતુ આ મગર કેવી રીતે સંપૂર્ણ શાકાહારી રહે છે એ સૌને માટે આશ્યર્યનો વિષય છે. ભકતો માને છે કે ભગવાને મંદિરના રક્ષણની જવાબદારી બાબિયાને સોંપી છે.

(12:51 pm IST)