Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

તેલંગણામાં વરસાદથી તબાહી :સુપર સ્ટાર પ્રભાસ આવ્યો વ્હારે: મુખ્યમંત્રી રાહત કોષમાં દોઢ કરોડનો ફાળો આપ્યો

પવન કલ્યાણ જેવા ઘણાં સાઉથના સ્ટાર કલાકારો લોકોની મદદે આવ્યા

તેલંગણામાં પૂર અને વરસાદનો કેર હજુ પણ વર્તાઇ રહ્યો છે. પૂરના કારણે અત્યાર સુધીમાં તેલંગણામાં લગભગ 70 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેલંગણાના મંત્રી અનુસાર, શહેરમાં 1908 પછી બીજી વાર આ રેકોર્ડ તોડ વરસાદ પડ્યો છે. જેને કારણે રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ 37000 લોકોને રાહત શિવિરોમાં મોકલવા પડ્યા. તેલંગણામાં આવેલા આ પૂરને લઇ સાઉથ ઈન્ડિયન સિનેમાના સુપરસ્ટાર પ્રભાસ લોકો ની મદદ માટે આગળ આવ્યો છે. તેણે તેલંગણા રાજ્યમાં પૂર રાહત કાર્ય માટે તેલંગણાના મુખ્યમંત્રી રાહત કોષમાં ફાળો આપ્યો છે.

   બાહુબલી સ્ટાર પ્રભાસે આ પહેલા પણ ઘણી વાર લોકોની મદદ માટે આગળ આવ્યો છે. જ્યારે લોકોના કલ્યાણ અને હિતની વાત આવે છે, મેગાસ્ટાર હંમેશા એક ડગલું આગળ રહે છે. પ્રભાસે કોરોનાના કઠિન સમય દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રીય કોષમાં ફાળો આપ્યો છે. તો હાલમાં તેલંગણા ભારે વરસાદને પગલે તબાહ થઇ ગયું છે અને હૈદરાબાદના પણ ઘણાં ક્ષેત્રો ડૂબી ગયા છે. એવામાં ત્યાંના લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિઓને જોતા પ્રભાસે મુખ્યમંત્રી રાહત કોષમાં લગભગ દોઢ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. પ્રભાસ ઉપરાંત સાઉથના ઘણાં સ્ટાર કલાકારોએ રાહતની કામગીરીમાં પોતાના ફાળો આપ્યો છે. જેમાં પવન કલ્યાણ જેવા ઘણાં સાઉથના સ્ટાર કલાકારોનો સમાવેશ થાય છે.

(12:19 pm IST)