Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પોકળ બહિષ્કાર : દેશમાં ૩ મહિનામાં ૭૬% ફોન ચાઇનીઝ કંપનીઓના જ વેચાયા

૩ મહિનામાં પાંચ કરોડ સ્માર્ટ ફોન વેચાયા , દર ૪ માંથી૩ ફોન ચાઇનીઝ કંપનીના

નવી દિલ્હી,તા. ૨૩: ભારતમાં સ્માર્ટફોનના બજારમાં ફરી રોનક આવી છે. સપ્ટેમ્બર માસમાં પૂરા થયેલાં કવાર્ટરમાં પાંચ કરોડ સ્માર્ટ ફોનનું વેચાણ થયું છે. આ વેચાણમાં ચાઇનીઝ કંપનીઓનો  બજાર હિસ્સો ૭૬ ટકા રહયો છે.  ભારત અને ચીન વચ્ચે લદાખ  સરહદે તંગદિલી સર્જાઇ તે પછી દેશભરમાં ચાઇનીઝ કંપનીઓના બહિષ્કારનાં એલાન અપાયાં હતાં.  કેટલાંય થળોએ ચાઇનીઝમોબાઇલ  કંપનીનાં બોર્ડ પણ ઉતરાવી લેવાયાં હતાં. પરતુ આ આંકડા સૂચવે છે કે ચાઇનીઝ કંપનીઓના મોબાઇલ  હજુ પણ ધુમ વેચાઇ રહ્યા છે અને  દેશમાં વેચાતા દર ચારમાંથી ત્રણ સ્માર્ટ ફોન ચાઈનીઝ કંપનીઓના જ હોય છે.

તમામ ટોચની મોબાઇલ કંપનીઓના શિપમેન્ટમાં પાછલાં વર્ષના આ સમયગાળાની સરખામણીએ વૃદ્ઘિ જોવા મળી છે.

ગત વર્ષે આ સમયગાળામાં ૪.૬ કરોડ યુનિટનું વેચાણ થયું હતું. આ વખતે આ સમયગાળામાં પાંચ કરોડ યુનિટના વેચાણ સાથે આઠ ટકાની વૃદ્ઘિ જોવા મળી છે.

કોઇ એક કવાર્ટરમાં સ્માર્ટફોન વેચાણમાં વૃદ્ઘિનો આ એક રેકોર્ડ છે એમ રિસર્ચ ફર્મ કેનાલિસ દ્વાર જણાવાયું હતું. આ સમયગાળામાં ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનો સમગ્રતયા હિસ્સો ૭૬ ટકા રહ્યો છે. ગયાં વર્ષે આ સમયગાળામાં તેમનો બજાર હિસ્સો ૭૪ ટકા હતો. આમ તેમના બજાર હિસ્સામાં પણ બે ટકાની વૃદ્ઘિ થઇ છે.

જોકે, ગત જુન માસમાં પૂર્ણ થયેલા સમયગાળામાં ચાઇનીઝ કંપનીઓનો બજાર હિસ્સો ૮૦ ટકા રહ્યો હતો. આમ પાછલા ત્રિમાસિક સમયગાળાની સરખામણીએ તેમનો બજાર હિસ્સો સ્હેજ ઘટ્યો છે.

(10:16 am IST)