Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અફઘાનિસ્તાનમાં મસ્જિદ પર હવાઈ હુમલો 12 બાળકોનાં મોત: સંખ્યાબંધ લોકો ઘાયલ

તાલિબાન લડાકુઓએ પહેલાં જ 40થી વધુ અફઘાન સુરક્ષા દળોને મારી નાખ્યા

કાબુલઃ અફઘાનિસ્તાનના ઉત્તરી તખાર પ્રાંતમાં એક મસ્જિદ પર હવાઈ હુમલો થયો હતો, જેમાં કમસે કમ 12 બાળકોનાં મોત થયાં છે અને અન્ય કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. આ હુમલો ગઈ કાલે બહરૈક જિલ્લામાં થયો હતો, એમ પ્રાંતીય કાઉન્સિલર મોહમ્મદ આઝમ અફઝાલીએ જણાવ્યું હતું. જ્યાં તાલિબાન લડાકુઓએ પહેલાં જ 40થી વધુ અફઘાન સુરક્ષા દળોને મારી નાખ્યા હતા એમ પ્રાંતીય ગવર્નરના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી.

અફઝાલીએ કહ્યું હતું કે એક વિમાને મસ્જિદ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં તાલિબાન લડાકુ સામેલ હતા. જે સુરક્ષા દળો પર ખૂની હુમલામાં પણ સામેલ હતા. જોકે અફઝાલી અને એક સુરક્ષા સૂત્રે કહ્યું હતું કે આતંકવાદીઓ પહેલાં જ મસ્જિદ છોડી ચૂક્યા હતા.

ગાંધાર RFEએ જણાવ્યું હતું કે સરકાર અને તાલિબાનના પ્રતિનિધિઓની વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા છતાં આ હિંસા થઈ છે. વિદ્રોહીઓએ અત્યાર સુધી સંઘર્ષ વિરામનો સ્વીકાર નથી કર્યો. નિષ્ણાતોનું અનુમાન છે કે સંઘર્ષ વિરામ પર સહમતી બનાવતાં પહેલાં લાંબી અને રચનાત્મક વાતચીત થશે. જોકે એ દરમ્યાન દેશભરમાં સંઘર્ષ જારી છે. એક સપ્તાહથી દક્ષિણી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી લડાઈમાં 100થી વધુ નાગરિક માર્યા ગયા છે અને હજારો લોકોને તેમનાં ગામોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

(12:00 am IST)