Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દિલ્હીની ગેરકાયદે કોલોનીને કાયદેસર કરવા માટે નિર્ણય

૪૦ લાખથી વધુ લોકોને સીધો ફાયદો થશે :કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો : લાખો લોકોને માલિકીના અધિકાર આપવા માટેની જાહેરાત થઇ

કેન્દ્ર સરકારે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા નિર્ણયો કર્યા છે જેના ભાગરુપે દિલ્હીની ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે. આના પરિણામ સ્વરુપે ગેરકાયદે કોલોનીમાં રહેતા ૪૦ લાખ લોકોને માલિકીના અધિકાર મળી જશે. આ કોલોનીઓમાં રહેતા લોકો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણયને દિલ્હીમાં ચૂંટણીની સાથે જોડીને પણ જોવામાં આવે છે. શહેરી વિકાસમંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે, ઝુંપડપટ્ટીમાં લોકો જ્યાં પણ રહે છે ત્યાં ખાનગી હોય કે સરકારી તેના માલિકી હક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૯૪૭માં દિલ્હીની વસતી આઠ લાખની હતી. જેને ધ્યાનમાં લઇને કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. પ્રકાશ જાવડેકરે પણ આ સંદર્ભમાં માહિતી આપી હતી. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર છે. દિલ્હી સરકાર તરફથી આ નિર્ણયના સંદર્ભમાં હજુ સુધી કોઇ પ્રતિક્રિયા મળી નથી.

             ૧૯૪૭માં દિલ્હીની વસતી આઠ લાખ હતી. વિભાજન બાદ મોટી સંખ્યામાં લોકો અહીં શરણાર્થી તરીકે આવ્યા હતા. આજે એનસીઆરની વસતી બે કરોડ સુધી પહોંચી ચુકી છે. ૨૦૦૮માં આના માટે છેલ્લી વખત પ્રયાસ કરવામાં આવ્યા હતા. પુરીએ કહ્યું હતું કે, ઓનર્સશીપ મળી ગયા બાદ આ કોલોનીઓના વિકાસની પ્રક્રિયાને ઝડપી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ત્યારબાદ માર્ગોનું નિર્માણ કરવામાં આવશે. શિવર બનાવવામાં આવશે. પાર્કનું નિર્માણ કરવામાં આવશે. ખુબ નાના રેટ પર જમીનના રજિસ્ટ્રેશન થશે. પુરીએ કહ્યું હતું કે, આ નિર્ણયને વહેલીતકે અમલી કરી દેવામાં આવશે.

              સરકાર સંસદના આગામી સત્રમાં બિલ લાવવાની યોજના ધરાવે છે જેમ જ બિલ પાસ થશે ડીડીએ તેના પર કામ શરૂ કરી દેશે. દિલ્હીની ૧૭૯૭ ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકોને આનાથી મોટી રાહત થઇ છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી આ કોલોનીઓને નિયમિત કરવાને લઇને તૈયારીઓ કરી રહી હતી. મોદી સરકારે પોતાના ૧૦૦ દિવસના એજન્ડામાં આ મુદ્દાને પ્રાથમિકતા આપી છે. ઓનર્સશીપ મળી ગયા બાદ કોલોનીઓને વિકસિત કરવામાં આવશે. ઉપરાજ્યપાલની કમિટિએ નોંધ તૈયાર કરી હતી. આજે શહેરીવિકાસ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલી નોંધને ઉપરાજ્યપાલના નેતૃત્વવાળી કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ આના પર વિચારણા થઇ હતી. કમિટિની રચનાના સમયે સરકારે કહ્યું હતું કે, કમિટિ એવા ઉપાયને રજૂ કરશે જે મારફતે આ કોલોનીઓમાં રહેતા લોકોને માલિકીના હક આપવામાં આવશે.

(8:57 pm IST)