Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરક્ષા અને કટોકટીની સ્થિતિમાં જ ફોન ટેપીંગ થઈ શકેઃ ગૃહ મંત્રાલયે આપ્યો હતો ફોન ટેપીંગનો આદેશઃ હાઈકોર્ટે રદ્દ કર્યો

ફોન ટેપીંગને પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન ગણી કોર્ટે આદેશ રદ્દ કર્યોઃ ગેરકાયદે ટેપ થયેલી વાતચીતને પણ નષ્ટ કરવા આદેશ

મુંબઈ, તા. ૨૩ :. બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ૩ એવા આદેશોને રદ્દ કર્યા છે. જેમાં સીબીઆઈની તપાસ માટે એક બીઝનેશમેનના ફોન કોલને ટેપ કરવા માટે કહેવાયુ હતું. લાંચના એક મામલાને લઈને આપવામાં આવેલા આ આદેશને પ્રાઈવસીના અધિકારનો ભંગ ગણાવતા તેને રદ્દ કરવામાં આવેલ છે. કોર્ટે ગેરકાનૂની રીતે ટેપ કરવામાં આવેલી વાતચીતને નષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટને કોટ કરતા કહ્યુ છે કે ટેપીંગ માત્ર પબ્લિક ઈમરજન્સીમાં અથવા તો પબ્લીક સેફટી માટે જ થઈ શકે છે. જસ્ટીશ રંજીત મોરે અને એન.જે. જામદારે કહ્યુ છે કે ગેરકાનૂની રીતથી ફોન ટેપ કરવાની પરવાનગી આપવાથી મનમાની કરવાનો સંદેશ જશે અને આનાથી સુપ્રીમ કોર્ટની બનાવેલી પ્રક્રિયા અને નાગરીકોના મુળભુત અધિકારો પ્રત્યે સન્માન ઓછુ થવા લાગશે.

અત્રે નોંધનીય છે કે સાઉથ બોમ્બેના એક બીઝનેશમેન વિનીત કુમારે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના જવાબમાં કોર્ટે આ આદેશ આપ્યો છે. કુમારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઓકટોબર અને ડીસેમ્બર ૨૦૦૯ અને ફેબ્રુઆરી ૨૦૧૦માં આપેલા ટેપીંગના ૩ આદેશો વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. સીબીઆઈએ તેમની વિરૂદ્ધ એક બેન્ક અધિકારીને ૧૦ લાખ રૂપિયાની લાંચ આપવાનો કેસ કર્યો હતો. જો કે કોર્ટે આદેશમાં સ્પષ્ટ કહ્યુ છે કે અમે સીબીઆઈના આરોપોની સત્યતા પર ફેંસલો નથી આપતા.

કોર્ટે કહ્યુ છે કે અમે સરકારના વલણનું સમર્થન નથી કરતા. ખાસ કરીને એક મૂળભૂત અધિકારને લઈને અને એનાથી એક ખોટી શીખ જશે. કોર્ટે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના ફેંસલા અને કાનૂનને ટેપીંગ માટે નજરઅંદાજ કરાશે તો કાનૂનની અવગણનાનો મામલો બનશે.

કાનૂન હેઠળ કહેવાયુ છે કે કોઈપણ વ્યકિતને તેની જીંદગી કે પ્રાઈવેટ આઝાદીથી વંચીત રાખી ન શકાય સિવાય કે કાનૂન દ્વારા કોઈ પ્રક્રિયા  હાથ ધરવામાં આવી ન હોય.

(3:34 pm IST)