Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ભારતીય સૈન્યની કાર્યવાહીમાં

POKમાં ૧૮ ત્રાસવાદીઓ હણાયા હતાં

નવી દિલ્હી તા.૨૩: સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં ત્રણ આતંકવાદી શિબીરો પર કરવામાં આવેલ ભારતીય સૈન્યની જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૧૮ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નામ જાહેર ન કરવાની શરતે અધિકારીઓએ માહિતી આપી કે ૧૯ અને ૨૦ ઓકટોબરે થયેલી આ કાર્યવાહીમાં ૧૬ પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. જયારે સૈન્યએ મરનારાઓની સંખ્યાની પુષ્ટિ નથી કરી.

અધિકારીઓએ આગળ જણાવ્યું કે ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં જૈશએ મોહમ્મદ અને અન્ય આતંકવાદીઓની શિબિરો નષ્ટ કરવામાં આવી છે. જણાવી દઇએ કે આ કાર્યવાહી પછી સૈન્યના વડા બિપિન રાવતે કહ્યું હતું કે ભારતીય સૈનિકોની કાર્યવાહીમાં અન્ય એક આતંકવાદી કેમ્પને ગંભીર નુકશાન થયું છે. સાથે જ નિયંત્રણ હોવાની પેલીતરફ આતંકવાદીઓના બુનિયાદી માળખાને આ કાર્યવાહીથી ઘણું નુકસાન પહોંચ્યું છે.

સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ નામ ન  છાપવાની શરતે કહ્યું કે પાકિસ્તાની સૈન્યનો દારૂગોળો અને રાશન સંગ્રહનો પણ ૧૫૫ એમ એમ દ્વારા લાંબા અંતરના સચોટ નિશાનનો ઉપયોગ કરીને નાશ કરી દેવાયો હતો. તેમણે કહ્યું કે નિલમ ઘાટીમાં ચાર લોન્ચ પેડ પર હુમલો કરાયો હતો.

સુરક્ષા એજન્સીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે એલઓસી પાસે આતંકવાદી શિબીરોને નિશાન બનાવીને એ સંદેશ આપવામાં આવ્યો છે કે જો જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી થશે તો અમે જવાબી કાર્યવાહી કરશું.

(11:26 am IST)