Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ભાષાના વિવાદને શાંત કરી દેવાશેઃ રાજયો ઉપર કોઇ ભાષા ફરજીયાત લાદવામાં નહિ આવે

નવી શિક્ષણનિતીમાં ધરખમ ફેરફારોઃ લગભગ તૈયારઃ નરેન્દ્રભાઇએ તમિલ ભાષામાં શી જીનપીંગને આવકારી ભાષા વિવાદ મીટાવી દીધો હતો

નવી દિલ્હીઃ નવી શિક્ષણ નીતિ લગભગ તેયાર થઈ ચૂકી છે. ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે મંત્રીમંડળમાં જશે. તે પૂર્વે ભાષાના છંછેડાયેલા વિવાદને શાંત કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ રાજય પર કોઈપણ ભાષા લાદવામાં આવશે નહીં અને ત્રણ ભાષાની પદ્ઘતિ ચાલુ રહેશે.

 નવી શિક્ષણ નીતિમાં રાષ્ટ્રીય શિક્ષા આયોગ અથવા રાષ્ટ્રીય શૈક્ષણિક આયોગની અધ્યક્ષતા વડા પ્રધાન કરી શકે તેવી જોગવાઈને પણ પડતી મૂકવામાં આવી છે. તેના બદલે રાષ્ટ્રીય શિક્ષા આયોગનું નેતૃત્ત્।ત્ત્। માનવ સંસાધન વિકાસ મંત્રી કરશે. ઉપરાંત શિક્ષણના નિયમન માટે એક જ બોડી હાયર એજયુકેશન રેગ્યુલેટર બનાવવાની જોગવાઈ પણ પડતી મૂકવામાં આવી છે.

મે માસમાં નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો તેમાં ત્રણ ભાષાની પદ્ઘતિ મુદ્દે રાજકીય વિવાદ થયો હતો. જેમાં બિનહિન્દીભાષી રાજયોમાં હિન્દી શીખવવાની જરૂરિયાતનો ઉલ્લેખ હતો. આ મુદ્દે દ્યણા રાજયો અને રાજકીય પક્ષો, ખાસ કરીને તમિલનાડુમાંથી ઉગ્ર વિરોધ ઊઠયો હતો. ત્યારબાદ ડફ્ટ પોલિસી તૈયાર કરનારી કસ્તુરીરંગન સમિતિએ વિરોધીને શાંત કરવા ત્રણ ભાષાની પદ્ઘતિની ભલામણોમાં સુધારો કર્યો હતો. અંતિમ શિક્ષણ નીતિનો દસ્તાવેજ ૫૦ પાનાનો છે.

બે લાખ સૂચનો આવ્યા હતા અને ૪૦૦ પાનાનો દસ્તાવેજ તૈયાર થયો હતો. ઉલ્લેખનીય છે કે ભાષાનો વિવાદ ઉગ્ર બન્યા પછી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચાઈનાના પમુખના આગમન સમયે તમિલ ભાષામાં સ્વાગત કરીને દક્ષિણ ભારતીય પ્રજાના દિલ જીતી લીધા હતા.

ત્યારપછી ભાષાનો વિવાદ લગભગ શાંત પડ્યો છે અને નવી શિક્ષણ નીતિમાં પણ સુધારો કરી લેવાયો છે.

(11:25 am IST)