Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ચેન્નાઈઃ ગાયે છોડી દીધું હતું ખાવાનું: પેટમાંથી નિકળ્યું ૫૨ કિલો પ્લાસ્ટિક, સિરિન્જ, સિક્કા..!!!

ડોકટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી એકસ-રે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યુ હતું: ત્યાર પછી ડોકટરોને જોવા મળ્યું કે, ગાયના પેટમાં પ્લાસ્ટિક છે અને ઓપરેશન કરીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો

ચેન્નઈ, તા.૨૩: તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ જણાવ્યું કે, મદ્રાસ વેટરનરી હોસ્પિટલના ડોકટરોએ ૬ વર્ષની ગાયના પેટમાંથી ૫૨ કિલો પ્લાસ્ટિક કચરો, સિરિન્જની સોય, નાખ, સિક્કા અને ભોજનને પેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એલ્યુમિનિયમ ફોઈલ કાઢી હતી. મુખ્યમંત્રીએ ગાયનું ઓપરેશન કરનારા ડોકટરની પ્રશંસા કરી હતી.

ગાયનો માલિક મુનિરત્નમે તેને લઈને હોસ્પિટલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની ગાયે ખાવાનું છોડી દીધું છે. આથી ડોકટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી એકસ-રે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યું હતું. ત્યાર પછી ડોકટરોને જોવા મળ્યું કે, ગાયના પેટમાં પ્લાસ્ટિક છે અને ઓપરેશન કરીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

ડો. બાલા સુબ્રમણિયમના નેતૃત્વમાં ડોકટરોની ટીમે સવારે ૧૧ થી સાંજે ૪.૦૦ કલાક એમ ૫ કલાક સુધી ઓપરેશન કર્યું હતું. ડોકટરોએ જણાવ્યું કે, ગાયના પાચનતંત્રમાં ૭૫% પ્લાસ્ટિકનો કચરો હતો. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ જણાવ્યું કે, ગાયની તબિયત સારી છે અને હવે તે ખોરાક લઈ રહી છે. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે.

(10:45 am IST)