Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અસ્થાના-આલોક વર્મા વચ્ચે સમાધાનની શક્યતા નહીવત

નરેન્દ્ર મોદીની દેખરેખમાં સમાધાનના પ્રયાસો : મોદી સરકાર કાયદાકીય રસ્તાઓથી નિયંત્રણ મુકી શકે

નવી દિલ્હી,તા.૨૩ : સીબીઆઇના મામલાના લીધે સરકારની મુશ્કેલી પણ હવે વધી રહી છે. સીબીઆઇમાં ટોપ અધિકારીઓ વચ્ચે ખેંચતાણના કારણે સ્થિતી ગંભીર બની રહી છે. તપાસ સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો થઇ રહ્યા છે. સાથે સાથે સરકાર માટે  પણ સ્થિતી કાબુમાં લેવાની બાબત મુશ્કેલરૂપ બનેલી છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સાથે જોડાયેલા ટોપ અધિકારીઓ સમગ્ર દિવસ દરમિયાન આ વિવાદને ઉકેલવાના પ્રયાસમાં લાગેલા રહ્યા હતા. ડિરેક્ટર આલોક વર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આ કેસ સાથે જોડાયેલા ડીએસપી રેંકના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ અધિકારીઓના આવાસ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો અને ડાયરી જપ્ત કરવામાં આવી છે. જો કે સીબીઆઇ હાલમાં મૌન છે. મિડિયા સાથે કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી. સરકાર સાથે જોડાયેલા એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે, હવે બંને અધિકારીઓ વચ્ચે સમાધાનની શક્યતા ખતમ થઇ ચુકી છે. સરકારની પાસે એકમાત્ર વિકલ્પ બચેલો છે. આ વિકલ્પ એ છે કે, કાયદાકીય રસ્તાથી બંને ઉપર અંકુશ મુકવામાં આવે. અધિકારને મર્યાદિત કરવામાં આવે. સીબીઆઈની અંદર આગામી થોડાક દિવસમાં કોઇ મોટા ઘટનાક્રમ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે. દેવેન્દ્રની ધરપકડ બાદ સીબીઆઈએ આ કેસ સાથે સંબંધિત પ્રથમ નિવેદન જારી કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ડીએસપી રેંકના અધિકારી દેવેન્દ્ર કુમારે કઈરીતે રાકેશ અસ્થાનાના કહેવા પર બનાવટી પુરાવા એકત્રિત કર્યા હતા. આમા જણાવવામાં આવ્યું છેકે, દેવેન્દ્ર કુમારે રાકેશ અસ્થાનાના કહેવા પર એવા લોકોના નિવેદન દિલ્હીમાં લેવાનો દાવો કરવામાં આવ્યો હતો જે લોકો તે દિવસે દિલ્હીમાં હતા જ નહીં. સીબીઆઈએ રાકેશ અસ્થાના અને તેમની સાથે જોડાયેલા અધિકારીઓને ફોન ઉપર કેસના સંબંધમાં વાત કરવાના પુરાવા પણ હોવાનો દાવો કર્યો છે. બીજી બાજુ સીબીઆઈ ડિરેક્ટર જે રીતે આ મામલાને હાથ ધરી રહ્યા છે તેનાથી સરકાર નારાજ છે. અલબત્ત સરકાર પોતાને રાકેશ અસ્થાનાની સાથે છે તેમ પણ દર્શાવવા માંગતી નથી. બીજી બાજુ રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે, કેસમાં કોઇપણ પ્રકારના પુરાવા નથી.

(8:11 pm IST)