Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

હવે ટેલિકોમ સેક્ટરમાં ૮૦ હજાર કર્મીઓની જોબ જશે

ટેલિકોમ સેક્ટરમાં હાલમાં અનેક પડકારો છે : નાણાંકીય વર્ષ ૨૦૧૯ બાદ સ્થિરતા આવ્યા બાદ છટણી રોકાશે : મર્જર, ખરીદી અને અન્ય યોજનાનો દોર યથાવત

નવી દિલ્હી, તા. ૨૩ : ટેલિકોમ સેક્ટરમાં આ વર્ષના અંત સુધી મોટાપાયે છટણી કરવામાં આવનાર છે. આ વર્ષના અંત સુધી ૬૬૦૦૦ લોકોને નોકરીમાંથી રજા આપવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હવે મર્જર કરનાર કંપનીઓની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ, ટાવર ફર્મ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રિટેલ આર્મ વધારે કર્મચારી રાખવા માટે ઇચ્છુક નથી. સ્ટાફિંગ ફર્મ ટીમ લીઝ સર્વિસનું કહેવું છે કે ૩૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પૂર્ણ થઇ રહેલા નાણાંકીય વર્ષ સુધી ટેલિકોમ સેક્ટરમાંથી આશરે ૬૦૦૦૦થી વધારે નોકરી જઈ શકે છે. આનાથી સૌથી વધારે અસર કસ્ટમર સપોર્ટ અને ફાઈનાન્સિયલ વર્ટિકલ ઉપર પડશે. આ બંને સેગ્મેન્ટમાંથી ક્રમશઃ ૮૦૦૦ અને ૭૦૦૦ નોકરી જવાનો ખતરો દેખાઈ રહ્યો છે. ટીમલીઝની સહસ્થાપક રિતુપર્ણા ચક્રવર્તીનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રી હવે સ્થિર થઇ રહી છે જેના લીધે નાણાંકીય વર્ષ ૨૦૧૯ બાદ છટણીની પ્રક્રિયા રોકાઈ શકે છે. આના માટે નાણાંકીય વર્ષ ૨૦૧૯ બાદ સ્થિતિને હળવી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કંપનીઓ નવેસરથી ભરતી ઉપર ધ્યાન આપશે. મજબૂતિના કારણે ૨૦૧૯માં ટેલિકોમ સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સમાં ૭૫૦૦૦ નોકરી ઓછી થઇ શકે છે. એક ઇન્ડસ્ટ્રી કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯માં સપ્ટેમ્બર સુધી શરૂઆતના બે ત્રિમાસિક ગાળામાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ૧૫૦૦૦થી ૨૦૦૦૦ નોકરીઓ ઓછી થઇ છે. પ્રશ્નોના જવાબમાં ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ, વોડાફોન અને આઈડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યા નથી. જો કે, ઇન્ડસ્ટ્રી બોડીનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીના ખરાબ દિવસો પૂર્ણ થવા આવ્યા છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ડિરેક્ટર જનરલ રાજન મેથ્યુસે માહિતી આપતા કહ્યું છે કે, અમારો ખરાબ સમય નિકળી ચુક્યો છે.

હવે કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, બિગ ડેટા, ફોરજી નેટવર્ક વિસ્તરણમાં ભરતી વધારી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના શરૂના બે ત્રિમાસિક ગાળામાં સ્થિતિ સારી રહી નથી પરંતુ હવે એવો દોર ખતમ થઇ ચુક્યો છે.

 તેમણે કહ્યું છે કે, આવનાર બે ત્રિમાસિક ગાળામાં ઇન્ડસ્ટ્રીથી વધુમાં વધુ પાંચ હજાર નોકરી જઇ શકે છે. સતત બીજા વર્ષે ઇન્ડસ્ટ્રીમાંથી કર્મચારીઓને ઓછા કરવામાં આવી રહ્યા છે. ટેલિકોમ સેક્ટરે ગયા વર્ષોમાં પ્રાઇઝવોર, નાની કંપનીઓના બિઝનેસ બંધ કરવા અને કેટલાક મર્જરને નિહાળી ચુકી છે. આ વર્ષે કંપનીઓના નફામાં પણ ઘટાડો થયો છે. ઇન્ડસ્ટ્રીમાં જે કંપનીઓ રહી ગઇ છે તે પોતાના ખર્ચને ઘટાડી રહી છે. આની અસર ટાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ ચેઇન, ડિસ્ટ્રીબ્યુટર્સ અને બીજા બિઝનેસ ઉપર પણ થઇ છે. જે ખર્ચને ઘટાડવા ઇચ્છુક છે. ૨૦૧૭-૧૮માં વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરના મર્જર, ભારતી એરટેલ દ્વારા તાતા ટેલિસર્વિસની મોબિલિટી સેગ્મેન્ટ અને ટેલિનોર ઇન્ડિયાને ખરીદી લેવાની સાથે રિલાયન્સ કોમ્યુનિકેશ અને એરસેલ જેવી કંપનીઓના છોડવાથી એક લાખથી વધારે લોકોની નોકરી જતી રહી છે. ટેલિકોમ સેક્ટરમાં રિટેલ, સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેન્ડર ડોમિંનમાં ૨૫ લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

(8:09 pm IST)