Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રાહુલ ગાંધી પોતે ભાજપ માટે તાકાત બની ગયા છે : ઓવૈસી

રાહુલની પાસે શું છે તે વાત હજુ સમજાઈ નથી : મોગલ શાસકને તેઓ આક્રમકકારી ગણતા નથી : ઓવૈસી

નવી દિલ્હી, તા. ૨૩ : એઆઈએમઆઈએમના વડા અસાસુદ્દીન ઓવૈસીએ રામ મંદિર, રાફેલ અને તેલની વધતી જતી કિંમતોને લઇને આજે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ ગાળા દરમિાયન વડાપ્રધાન ઉપર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી કોઇ ખુદા નથી. ખુદા અલ્લાહ છે. ઓવૈસીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ક્ષમતાને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતે ભાજપ માટે તાકાત છે. ઓવૈસીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ દેશ મોદી અને રાહુલ કરતા મોટો છે. આજે એક ચેનલના ખાનગી કાર્યક્રમમાં મોગલ શાસકોના મુદ્દાને ઉઠાવતા ઓવૈસીએ કહ્યું હતું કે, તેઓ મોગલ શાસકોને આક્રમકકારી તરીકે ગણતા નથી. તેમણે કહ્યું હતું કે, મોગલ શાસકો પણ આજ દેશમાં જન્મ્યા હતા. મોગલ શાસકો અમારા દેશના ઇતિહાસના હિસ્સા તરીકે છે. ઓવૈસીએ એમ પણ કહ્યું હતું કે, મોગલોએ ભારત ઉપર કોઇ અહેસાન પણ કર્યા નથી. બીજી બાજુ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખની પાસે આખરે શું છે તે વાત તેઓ હજુ સુધી સમજી શક્યા નથી. રાહુલ ગાંધી પોતે ભાજપ માટે તાકાત બની ગયા છે. ઓવૈસીએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ પાર્ટી પણ ગુલામીમાંથી બહાર નિકળી શકી નથી. દેશમાં હજુ પણ લાલકિલ્લાથી તિરંગો ધ્વજ લહેરાવવાની ફરજ પડે છે. ઓવૈસીએ કહ્યું હતું કે, ભાજપની સરકારોમાં મુસ્લિમો સુરક્ષિત નથી. મુસ્લિમ આક્રમકકારી છે કે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. સંઘના વડા ઉપર પ્રહાર કરતા કહ્યું હતુંકે, મોહન ભાગવતે મુસ્લિમો ઉપર આંગળી કેમ ઉઠાવી છે. ઓવૈસીએ ઉમેર્યું હતું કે, તેઓ ભાજપ અને સંઘની સામે છે. ઓવૈસીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદીએ ગુજરાતની જમીન ખૂનથી લાલ કરી છે. સાથે સાથે તેઓએ રાફેલ વિવાદ માટે મોદીને જવાબદાર ઠેરવીને સંઘ ઉપર પ્રહાર કર્યા હતા.

(8:08 pm IST)