Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

તમારે મારી ઇજ્જત રાખવી પડશે, પાર્ટી ગઇ તેલ લેવાઃ મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પટવારીની જીભ લપસી

ઈન્દોર : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પટવારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જીતુ પટવારી ડોર ટુ ડોર કેમ્પેઈન કરી રહ્યો છે. દરમિયાન તે એક ઘરમાં જાય છે, અને ત્યાં પોતાના માટે વોટ માંગે છે. વોટ માંગતા દરમિયાન જીતુ પટવારી કહી રહ્યો છે કે, ‘તમારે મારી ઈજ્જત રાખવી પડશે, પાર્ટી ગઈ તેલ લેવા.’ કોંગ્રેસ ધારાસભ્યની જીભ પરથી પાર્ટી માટે એટલી મોટી વાત કહેવાઈ ગઈ કે, હાલ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેના પર કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, જીતુ પટવારી ટીવી ચેનલો પર કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રાખતા દેખાય છે. હાલ તે ઈન્દોર જિલ્લાના રાઉ સીટ પરથી ધારાસભ્ય છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થવા પર જીતુ પટવારીએ કહ્યું કે, તેના દ્વારા બોલાયેલા શબ્દોનો ખોટો પ્રચાર કરવામાં આવે. વિસ્તારના વરિષ્ઠ સદસ્યો પણ મારા પરિવારના છે. બીજેપી મારી છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જનસંપર્ક દરમિયાન મેં બીજેપી માટે શબ્દો કહ્યાં હતા.

તાજેતરમાં મધ્ય પ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, તેમના નિવેદનોથી કોંગ્રેસને નુકશાન થઈ રહ્યું છે. ઉપરાંત વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે પણ કહ્યું હતું કે, કોંગ્રેસી તેમને હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં પ્રચાર માટે નથી બોલાવતા. કેમ કે, તેમને શંકા હોય છે કે તેમના જવાથી હિન્દુ વોટર્સ નારાજ થઈ જાય.

 

(6:09 pm IST)