Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વેરાન, નિર્ધન, નિર્બળ, કાયદો - વ્‍યવસ્‍થાના અભાવ વાળા સૌરાષ્‍ટ્રમાં શાંતિ - સમૃધ્‍ધિ લાવવા બ્રિટીશરોએ ૧૮૨૦માં અપનાવેલી નિતી જાણવા જેવી

સૌરાષ્‍ટ્ર ત્‍યારે ઝાલાવાડ, ગોહિલવાડ, ઊંડ સરવૈયાવાડ, બાબરીયાવાડ, કાઠીયાવાડ (મધ્‍ય સૌરાષ્‍ટ્ર), સોરઠ, બરડો, હાલાર, મચ્‍છુકાંઠો, ઓખા મંડળ જેવા દસ પરગણામાં વિભાજીત હતો : રસપ્રદ વિગતો વર્ણવતા તખુભા રાઠોડ

ઈ.સ. ૧૮ર૦ માં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં બ્રિટિશ કંપનીએ સતા સ્‍થાપેલ. આ સમયે સૌરાષ્‍ટ્રની હાલત વેરાન, નિર્ધન, નિર્બળ કાયદો અને વ્‍યવસ્‍થાનું નામ નિશાન ન હતું. આવા સમયે સૌરાષ્‍ટ્રમાં શાંતિ, સમૃઘ્‍ધિ ને કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવા બ્રિટીશ કંપની અને બ્રિટિશ સરકારે અપનાવેલ નિતીઓ અને પઘ્‍ધતીની જાણવા જેવી રસપ્રસદ વિગતો...

(૧)  સૌરાષ્‍ટ્રનો વિસ્‍તાર પ૪૦૩૮ ચો.કી.મી. નો હતો અને વસ્‍તી ર૧.૮૦ લાખની હતી તેમાં ૪૩૬૯ ગામડા હતા ત્‍થા વાર્ષિક આવક રૂા.૧,૪૮,૮૭,૦૦૦ની હતી.

(ર)  સૌરાષ્‍ટ્રનાં પ્રથમ બ્રિટિશ કંપનીનો મુખ્‍ય વહીવટદાર પોલીટીકલ એજન્‍ટ તરીકે કેપ્‍ટન આર. બાર્નવેલ હતાં. તેમને ઈ.સ. ૧૮ર૦ થી ઈ.સ. ૧૮ર૬ સુધી શાસન કરેલ.

(૩)  શાસન સુવ્‍યવસ્‍થિત ચલાવવા સમગ્ર પ્રાતંને મુખ્‍ય ચાર પ્રાંતમાં ત્‍થા દશ પેટા પ્રાંત (વિભાગ) માં વહેચેલ.

(૪)  સૌરાષ્‍ટ્ર ઉપર ઈ.સ. ૧૮ર૦ થી ૧૮પ૭ સુધી બ્રિટિશ ઈસ્‍ટ ઈન્‍ડીયા કંપનીએ શાસન કરેલ ત્‍થા ઈ.સ. ૧૮પ૮ થી ૧૯૪૭  સુધી બ્રિટિશ સરકારે શાસન કરેલ.  ૧ર૭ વર્ષ સૌરાષ્‍ટ્ર ઉપર ગોરાઓનું શાસન હતું.

(પ) દેશી રજવાડાઓમાં કોઈ રાજવી અપુત્ર મરણ પામે અથવા રાજયમાં વારસદાર અંગે વિવાદ ઉભો થાય તે સમયે બ્રિટિશ એજન્‍સી મેનેજમેન્‍ટ સ્‍થાપતી. સૌરાષ્‍ટ્રના નાના મોટા બાર રાજયમાં જુદા જુદા સમયે બ્રિટિશ મેનેજમેન્‍ટ સ્‍થપાયેલ.

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ વાચકોને સૌરાષ્‍ટ્રમાં ઈ.સ. ૧૮ર૦ માં બ્રિટિશ એજન્‍સીની સત્તા પ્રાપ્‍ત કરેલ તે સમયે પ્રદેશની પરિસ્‍થિતિ અને બ્રિટિશ શાસન પઘ્‍ધતીની વિગતો તથા ઈતિહાસ લેખક ડો. એસ. વી. જાનીસાહેબના સહયોગથી આપતા જણાવે છે કે આ સમયે પ્રદેશમાં નાના મોટા રરર રજવાડાની સત્તા હતી. પ્રદેશનું ક્ષેત્રફળ પ૪૦૩૮ ચો.કી.મી. હતું. તેની અંદાજે વસ્‍તી ર૧.૮૦ લાખની હતી. જેમાં ૪૩૬૯ નાના મોટા ગામડા હતા. પરંતુ નાના મોટા રાજવીઓ વધુ સત્તા માટે માલ મિલ્‍કત વધારવા સતત લડતા હતા. ખૂબજ કુસંપ હતો. લૂંટફાટને કારણે પ્રજા નાના તાલુકાદારો, નાના રાજવીઓની હાલત અતિ ખરાબ હતી અને વધુમાં આ સમયગાળામાં મરાઠા અને ગાયકવાડ હકુમતના લશ્‍કર ખંડણી ઉઘરાણી માટેના હુમલાથી પ્રદેશ ખેદાન મેદાન થઈ ગયેલ. નાના રાજવીઓ અને તાલુકદારોને તેમની રૈયતની હાલત અતિ દયાજનક હતી. જેથી અનેક નાના રજવાડાઓ અને તાલુકદારો ત્રાસને કારણે બ્રિટિશ કંપનીના વડોદરા સ્‍થિત રેસિડેન્‍ટ કર્નલ એલેકઝાન્‍ડર વોકરને સહાય કરવા અપીલ કરેલ. બુઘ્‍ધીશાળી બ્રિટિશ શાસકોએ આ સ્‍થિતીનો લાભ ઉઠાવી ચતુરાઈપુર્વક સૌરાષ્‍ટ્રમાં સત્તા હાંસલ કરવા આયોજન કરેલ તે સમયની ઘટનાક્રમ મુજબ સૌરાષ્‍ટ્રમાં ત્રણ સત્તા મરાઠા, પેશવા અને જુનાગઢના નવાબ મનફાવે તેમ વિવિધ ખંડણી વસુલ કરતા જેથી સૌરાષ્‍ટ્ર ઉપર શાસન કરવાની યોજનાના ભાગરૂપે આ ત્રણેય સત્તા પાસેથી બ્રિટિશ કંપનીએ ખંડણી ઉઘરાવામાં હકકો પ્રાપ્‍ત કરી લીધા. જેથી સમગ્ર પ્રાંતમાં દેશી રાજવીઓની સત્તા નામશેષ થયો અને બ્રિટિશ સત્તા સૌરાષ્‍ટ્રમાં સર્વોપરી બની ગઈ.

 ઈ.સ. ૧૮ર૦માં બ્રિટિશ કંપનીએ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં શાસન કરવા રાજકોટ ખાતે હાલના કોઠી કંપાઉન્‍ડમાં રાજવી પાસેથી જગ્‍યા મેળવી બ્રિટિશ એજન્‍સી કોઠી સ્‍થાપેલ. તેના પ્રથમ પોલીટીકલ એજન્‍ટ તરીકે કેપ્‍ટન આર. બર્નવેલ ઈ.સ. ૧૮ર૦ થી ૧૮ર૬ સુધી સુકાન સંભાળેલ. તેમને કર્નલ વોકર કરારના લાભ  મળેલ. ત્‍યારથી સમગ્ર પ્રાંતમાં શાંતિ, સમૃઘ્‍ધિ અને વિકાસ માટેનો સમયકાળ શરૂ થયેલો.

બ્રિટિશ કંપનીએ સૌરાષ્‍ટ્રમાં સત્તા પ્રાપ્‍ત કર્યા બાદ સમગ્ર પ્રાંતમાં  શાંતિ, સલામતી અને સમૃઘ્‍ધિ માટે વહીવટી તંત્રમાં અનેક નકર પગલા લઈ વિવિધ યોજના અમલમાં મુકેલ તેની ઝલક. આ દસ વિભાગોમાં આવેલા પ્રદેશના ત્રણ વિભાગ હતા : (૧) અમદાવાદ જિલ્લાનો બ્રિટિશ તાબાનો પ્રદેશ, (ર) સ્‍વતંત્ર રાજય ઉર્ફે ગાયકવાડના તાબા હેઠળના અમરેલી, ઓખામંડળ વગેરેના પ્રદેશ તથા પોર્તુગીઝ તાબા હેઠળનો દીવનો અને સીદીનો જાફરાબાદનો પ્રદેશ, અને (૩) કાઠિયાવાડના પોલિટિકલ એજન્‍ટ વહીવટી હેઠળનો પ્રદેશ. તેમાં ત્‍યારે રાજા, ઠાકોર તથા ગરાસિયાનાં મળી કુલ ૧૯૩ સંસ્‍થાનો હતા. તેમાં વિસ્‍તારની દ્રષ્‍ટિએ સૌથો મોટું રાજય જામનગરનું ૯૮૧૧ કિ.મી. ક્ષેત્રફળવાળું હતું અને સૌથી વધુ આવક ધરાવતું (વાર્ષિક ૩૦ લાખ રૂા.) જૂનાગઢનું રાજય હતું. ઉપરાંત એક કે બે ચો.કિ.મી.નો વિસ્‍તાર ધરાવતા રાજયો પણ હતા.

હાલ જે પ્રદેશ સૌરાષ્‍ટ્ર તરીકે ઓળખાય છે, તે સ્‍વતંત્રતા પૂર્વે કાઠિયાવાડ તરીકે ઓળખાતો હતો. તેથી કાઠિયાવાડના આ પ્રદેશની વ્‍યવસ્‍થા માટે અંગ્રેજોએ ‘કાઠિયાવાડ એજન્‍સી'ની સ્‍થાપના કરી હતી. વહીવટની દ્રષ્‍ટિએ તેનો મુંબઈ ઈલાકામાં સમાવેશ કરાયો હતો. કાઠિયાવાડ એજન્‍સી હેઠળના પ્રદેશનો યોગ્‍ય રીતે વહીવટ કરવા માટે બ્રિટીશ સરકાર તરફથી મુખ્‍ય અધિકારી તરીકે એક ‘પોલિટિકલ એજન્‍ટ'ની નિમણૂક કરવામાં આવી હતી. તે સીધો મુંબઈના ગર્વનરને જવાબદાર હતો. તેની મુખ્‍ય કચેરી તથા બ્રિટિશ સેનાની છાવણી રાજકોટ ખાતે રાખવામાં આવી હતી.

આવડા વિશાળ પ્રદેશનો વહીવટ યોગ્‍ય રીતે કરવા માટે તેના ચાર પ્રાંત પાડવામાં આવ્‍યા હતા : ઝાલાવડ, હાલાર, સોરઠ અને ગોહિલવાડ. આ પ્રાંતોના વહીવટ ઉપર દેખરેખ રાખવા માટે દરેક પ્રાંતમાં એક આસિસ્‍ટંટ પોલિટિકલ એજન્‍ટ નીમવામાં આવ્‍યો હતો. તે દરેક પ્રાંતનો વહીવટ પોલિટિકલ એજન્‍ટની સલાહ અને માર્ગદર્શન હેઠળ ચલાવતો હતો. આસિસ્‍ટંટ પોલિટિકલ એજન્‍ટના વડાં મથક સિવિલ સ્‍ટેશન તરીકે ઓળખાતાં હતા. ઝાલાવડનું સિવિલ સ્‍ટેશન વઢવાણમાં હાલારનું રાજકોટમાં, સોરઠનું માણેકવાડા અને પછીથી જેતલસરમાં અને ગોહિલવાડનું સોનગઢમાં હતું.

વિસ્‍તાર, વસ્‍તી અને વાર્ષિક આવકની દ્રષ્‍ટિએ સૌરાષ્‍ટ્રના રાજયોની વચ્‍ચે ઘણો તફાવત હતો. ૧૮ર૦ માં એજન્‍સીની સ્‍થાપના પછી બ્રિટિશ સરકારે મોટા રાજયોને અન્‍યોથી જુદા પાડી કેટલાક રાજયોના રાજવીઓને તોપોની સલામી આપી સન્‍માન આપવાની પ્રથા શરૂ કરી હતી. તેથી તે રાજયો પોતાને બીજા કરતા ચડિયાતા ગણવા લાગ્‍યા હતા. આવા રાજયો સલામીવાળા રાજયો કહેવાતાં, અન્‍ય બિનસલામી રાજયો કહેવાતાં. સૌરાષ્‍ટ્રમાં કુલ સલામી રાજયો ચૌદ હતા  -  જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગ્રધા, મોરબી, ગોંડલ, પોરબંદર, જાફરાબાદ, રાજકોટ, વાંકાનેર, લીંબડી, વઢવાણ, ધ્રોળ અને પાલિતાણા. આ મોટા રાજયોની વફાદારી અને અન્‍ય બાબતોને ઘ્‍યાનમાં લઈ તેમના રાજવીને ૯ થી ૧પ તોપોની સલામી આપવામાં આવતી હતી. તોપોની વધુ સંખ્‍યાની સલામીને રાજવી પોતાના માટે બીજા કરતા ચડિયાતું માન ગણતા હતા. આમ તે સમયના રાજવીઓના માન અને  આરદનો ખ્‍યાલો કેવા હતા તેની માહિતી આ બાબત પરથી મળી રહે છે.

ઈ.સ. ૧૮૬૩ થી ૧૮૬૭ દરમ્‍યાન કર્નલ આર. એચ. કીટીંગ કાઠિયાવાડના પોલિટિકલ એજન્‍ટ હતા. સૌરાષ્‍ટ્રમાં બસોથી વધુ રાજયો અને તાલુકા હતા. કીટીંગે આ બધા રાજયોની ફોજદારી અને દીવાની ન્‍યાય આપવાની સત્તાઓ નકકી કરી ૧૮૬૩ માં તેના સાત વર્ગ પાડયા હતા. તે સાત વર્ગમાં આવતા રાજયોના નામ અને તેમની સત્તાઓ આ પ્રમાણે હતા.

(૧)  દ્વિતીય વર્ગના રાજયના શાસકને પોતાના રાજયની રૈયતને દેહાંતદંડ સુધીની સજા કરવાનો હકક રૂા. વીસ હજાર સુધીના દાવા સાંભળવાનો હકક (અમુકને કુલ મુખત્‍યાર અપાયો હતો.)

(ર)  ત્રીજા વર્ગના રાજયના શાસકને સાત વર્ષની સખ્‍ત કેદની અને રૂા. પાંચ હજાર સુધીનો દંડ કરવાની સત્તા અને રૂા. વીસ હજાર સુધીના દાવા સાંભળવાનો હકક

(૩)  ચોથા વર્ગના રાજયના શાસકને ત્રણ વર્ષની સખ્‍ત કેદનો દંડ કરવાની સત્તા અને રૂા.દસ હજાર સુધીના દાવા સાંભળવાનો હકક

(૪)  પાંચમા વર્ગના રાજયના શાસકને બે વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા. બે હજાર સુધીનો દંડ કરવાની સત્તા અને રૂા. પાંચ હજાર સુધીના દાવા સાંભળવાનો હકક

(પ) છઠ્ઠા વર્ગના રાજયના શાસકને  ત્રણ મહિના સુધીની સખ્‍ત કેદની સજા અને રૂા.બસ્‍સો સુધીનો દંડ કરવાની સતા અને રૂા.પાંચસો સુધીના દાવા સાંભળવાનો હકક

(૬)  સાતમા વર્ગના રાજયના શાસકને  પંદર દિવસ સુધીની સખ્‍ત કેદ અને રૂા. પચીસ સુધીનો દંડ કરવાની સતા હતી.

આ સાત વર્ગનાં કુલ ૮૧ રાજયો સિવાયના બિન હકૂમત ધરાવતાં ૧૪૧ તાલુકાઓને ૧ર થાણાંઓ હેઠળ મૂકવામાં આવ્‍યા હતા.

આ થાણાંઓના ઉપરી તરીકે થાણદાર નીમવામાં આવ્‍યા હતા. તેમને બીજા વર્ગના મેજિસ્‍ટ્રેટના હકકો આપવામાં આવ્‍યા હતા. તેમને રૂા.પાંચસો સુધીના દાવા સાંભળવાનો હકક હતો. તેમનો ખર્ચ આ તાલુકેદારો પાસેથી લેવાતો હતો.

બ્રિટીશ વહીવટી હેઠળ ન્‍યાયતંત્ર

બ્રિટિશ સરકારે ઈ.સ. ૧૮૩૧ માં સૌરાષ્‍ટ્રમાં એક ફોજદારી અદાલતની સ્‍થાપના કરી હતી. તેનું મુખ્‍ય કામ ગુનેગારોને દંડ આપવાનું તથા ફરીથી આવા ગુના બનતા અટકાવવાનું હતું. અગાઉ ગાયકવાડના સૂબાઓ આ બાબતમાં સ્‍વચ્‍છંદી રીતે વર્તતા હતા. તેથી સૌરાષ્‍ટ્રમાં તેમના ન્‍યાય અંગે અસંતોષ પ્રવર્તતો હતો. પરંતુ આ ફોજદારી અદાલતની સ્‍થાપનાથી તેમને નિષ્‍પક્ષ ન્‍યાય મળશે એવી શ્રઘ્‍ધા લોકોમાં બેઠી હતી. પરિણામે લોકો અંગ્રેજ વહીવટ પ્રત્‍યે માનની લાગણીથી જોવા લાગ્‍યા.

કર્નલ કીટીંગ એ સૌરાષ્‍ટ્રમાં ન્‍યાયકીય સુધારણાનો પ્રણેતા હતો. તેણે ઈ.સ. ૧૮૬૩ માં સૌરાષ્‍ટ્રનાં રાજયોનું સાત વર્ગોમાં વર્ગીકરણ કરી તેમની ફોજદારી અને દીવાની સત્તાઓ નકકી કરી હતી. તેના સારાં પરિણામો આવ્‍યા હતાં. રાજવીઓ તરફથી તેમની પ્રજા કે ભાયાતો કે અન્‍ય જાગીરદારોને  અન્‍યાય થતાં તેઓ બહારવટે ચડતા હતા. તેથી બ્રિટિશ સરકારે રાજવીઓને ન્‍યાયતંત્રમાં સુધારા કરવા સૂચના આપી હતી. વળી પોલિટિકલ એજન્‍ટને એકલે હાથે ન્‍યાયતંત્રની બધી કામગીરી સંભાળવાનું મુશ્‍કેલ બન્‍યું હતું. તેથી તેને ન્‍યાય કાર્યમાં મદદ કરવા માટે ઈ.સ.૧૮૭રમાં એક ન્‍યાયકિય મદદનીશ (જયુડિશિયલ આસિસ્‍ટંટ)ની નિમણૂંક કરવામાં આવી હતી. તેને સેશન્‍સ જજના હકકો આપવામાં આવ્‍યા હતાં.

પછીથી ઈ.સ.૧૮૭૩માં બ્રિટિશ સરકારે રાજસ્‍થાનિક કોર્ટ નામની એક મહત્‍વની અદાલતની રાજકોટમાં સ્‍થાપના કરી હતી. તેના દ્વારા ન્‍યાયતંત્રનું આધુનિકીકરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સમયે રાજયના શાસકો અને ભાયાતોને જિવાઈ માટે મળેલ જમીન અંગેના વિવાદ નિવારવા  એવી વ્‍યવસ્‍થા હતી કે જો તે બાબત  જે તે રાજવીના હકૂમત ક્ષેત્રમાં આવતી હોય તો તે તેનો નિકાલ લાવતો. જો તે તેની હકૂમત ક્ષેત્રની બહાર હોય તો તેની સુનાવણી જે તે પ્રાંતના વડા એવા આસિસ્‍ટંટ પોલિટિકલ એજન્‍ટ (૧૯૦રથી પોલિટિકલ એજન્‍ટ) કરતા. એવી પણ પ્રણાલિકા હતી કે રાજવીના હકુમત ક્ષેત્રમાં બ્રિટિશ સરકારે દખલગીરી કરવી નહિ. પરિણામે રાજવીના નિર્ણય સામે અપીલ કરવાની કોઈ જોગવાઈ ન હતી.

બ્રિટિશ એજન્‍સીના સંગઠનમાં પરિવર્તન

ઈ.સ.૧૮ર૦ થી ૧૮પ૭ સુધી સૌરાષ્‍ટ્ર સહિત ભારતમાં બ્રિટિશ ઈસ્‍ટ ઈન્‍ડિયા કંપનીનું શાસન રહ્યું. ૧૮પ૭ના ઉદ્રેક પછી ૧૮પ૮માં ઈંગ્‍લેન્‍ડની સરકારે હિંદમાંથી કંપનીના શાસનનો અંત લાવી તેના સ્‍થાને ‘તાજે' પોતે સત્તા સંભાળી લીધી હતી.પરિણામે સૌરાષ્‍ટ્રનો પ્રદેશ પણ ૧૮પ૮થી ભતાજભના શાસન હેઠળ આવ્‍યો. ૧૮પ૭નું આંદોલન થવા માટેનું એક કારણ એ હતું કે હિંદના દેશી રાજયોના શાસકોને દત્તક લેવાની મનાઈ કરવામાં આવી હતી. તેથી ‘તાજ'ના શાસનના પ્રારંભે રાણી વિકટોરિયાએ પોતાના ઢંઢેરામાં દેશી રાજયોના રાજકર્તાઓનો દત્તક લેવાનો હકક માન્‍ય રાખી તેમનો અસંતોષ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના ગવર્નર જનરલ હવે દેશી રાજયો સાથેના સંબંધોમાં ઈંગ્‍લેન્‍ડના રાજાનો પ્રતિનિધિ બનતા, તે ‘વાઈસરોય' કહેવાયો. હિંદના અન્‍ય રાજયોની જેમ સૌરાષ્‍ટ્રના રાજયોના શાસકોને પણ દત્તક લેવાની સનદ આપવામાં આવી હતી, તેમાં જણાવવામાં આવેલું કે

હિંદમાં જે રાજાઓ અને સરદારો હાલમાં પોતાના પ્રદેશમાં હકૂમત ચલાવે છે, તેઓના રાજયો હંમેશા કાયમ રહે તથા તેઓના ખાનદાનનો મરતબો અને વંશ જારી રહે એવી મહારાણી વિકટોરિયાની સરકારની ઈચ્‍છા હોવાથી, તે ઈચ્‍છા બર લાવવાને માટે હું આથી તમને ખાતરી આપું છું કે  તમારા ખરા વારસના અભાવે તમારે અથવા તમારી પછીથી તમારી ગાદી ઉપર બેસનારે હિંદુ શાસ્‍ત્ર પ્રમાણે (મુસલમાની રાજય માટે મુસલમાની પ્રણાલિકા પ્રમાણે) અને દેશાચાર તથા કુલાચાર પ્રમાણે દત્તક લેવા. તેને અમે કબૂલ કરી કાયમ રાખીશું. ઉપરાંત તમે જયાં સુધી સરકાર તરફ રાજભકિત રાખશો અને બ્રિટિશ સરકારે કરેલા ઉપકાર, કોલકરાર અને સંધિની શરત પ્રમાણે પવિત્ર નિયતથી ચાલશો, ત્‍યાં સુધી તમારે ખાતરીપૂર્વક જણાવું છું કે એ વ્‍યવસ્‍થામાં કોઈ પણ રીતે વાંધો ઉઠાવવામાં આવશે નહિ.       

૧૮પ૭ના બનાવ પછી બ્રિટિશ સરકારે દેશી રાજયો સાથે માનપૂર્વકનો વ્‍યવહાર શરૂ કર્યો.  ૧૮૭૦માં રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્‍થાપના થતાં સૌરાષ્‍ટ્રના અનેક રાજયોના રાજકુમારો કે ભાવિ રાજકર્તાઓએ તેમાં શિક્ષણ લેવાનંું શરૂ કર્યું હતું. તેથી તેમની દ્રષ્‍ટિ વિશાળ બની અને રાજકર્તા બન્‍યા પછી પોતાના રાજયમાં પ્રગતિશીલ સુધારા કરી રાજયનું આધુનિકીકરણ કર્યું હતું. બ્રિટિશ સરકારે પણ તેમની વહીવટી કુશળતાને બિરદાવવા અને વિશેષ તો તેમની વફાદારીનો પુરસ્‍કાર આપવા માટે તેમને સી.આઈ.ઈ., કે.સી.આઇ.ઇ., કે.સી.એસ.ઇ., જી.સી.આઇ.ઇ., જી.સી.એસ.આઇ.  જેવા ક્રમશઃ ચડતા ક્રમના ઈલકાબો આપતાં. આ  ઉપરાંત દિવાન બહાદુર, રાવબહાદુર રાવ સાહેબ, ખાનબહાદુર ખાનસાહેબ જેવા ઈલકાબો પણ અપાતા.

બ્રિટિશ સરકારના સર્વોચ્‍ચ વહીવટી અધિકારી જે ‘પોલિટિકલ એજન્‍ટ ઓફ કાઠિયાવાડ' કહેવાતો, તેને હવે ‘એજન્‍ટ ટુ ધી ગવર્નર ઈન કાઠિયાવાડ'નું બિરૂદ આપવામાં આવ્‍યું. તો સૌરાષ્‍ટ્રના ઝાલાવાડ, સોરઠ,હાલાર અને ગોહિલવાડના પ્રાંત અધિકારીઓને હવે ‘આસિસ્‍ટંટ પોલિટિકલ એજન્‍ટ' ના બદલે ‘પોલિટિકલ એજન્‍ટ' નામ આપેલ.

ઈ.સ.૧૯૧૯ ના મોન્‍ટેગ્‍યુ -ચેમ્‍સફોર્ડના સુધારાની ભલામણો અનુસાર ઈ.સ.૧૯ર૩ તથા ૧૯ર૪માં સૌરાષ્‍ટ્રના એજન્‍સી વહીવટના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્‍યા હતા. તે પ્રમાણે ૧૯ર૩ના સૌરાષ્‍ટ્રના ચાર પ્રાંતને બદલે બે પ્રાંત બનાવવામાં આવ્‍યા. :

(૧) વેસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સી (તેમાં અગાઉના હાલાર અને સોરઠ પ્રાંત રખાયા હતા). તેનું વડું મથક રાજકોટમાં રખાયું હતું.

(ર) ઈસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સી (તેમાં અગાઉના ઝાલાવાડ અને ગોહિલવાડ રખાયાં હતા.). તેનું વડું મથક વઢવાણમાં રખાયું હતું.

ઈ.સ.૧૯ર૧માં નરેન્‍દ્ર મંડળની પણ રચના થઈ હતી. ઈ.સ.૧૯ર૩ સુધી સૌરાષ્‍ટ્રના રાજયો ઉપર રાજકીય નિયંત્રણ મુંબઈ સરકારનું હતું. ૧૯ર૪થી તેના ઉપર મુંબઈ સરકારને બદલે સીધું હિંદ સરકારનું નિયંત્રણ સ્‍થાપવામાં આવ્‍યું. તદ્‌નુસાર સૌરાષ્‍ટ્રના ૧૪ સલામી રાજયો તથા કચ્‍છ, રાધનપુર,પાલનપુરનાં રાજયો મળી કુલ ૧૭ રાજયો સીધાં દિલ્‍હી સ્‍થિત હિંદ સરકારની સીધી દેખરેખ હેઠળ મુકાયાં. તેથી સૌરાષ્‍ટ્રનો સર્વોચ્‍ચ વહીવટી અધિકારી ‘એજન્‍ટ ટુ ગવર્નર' હવે ‘એજન્‍ટ ટુ ગવર્નર જનરલ' કહેવાયો. સલામી રાજયો સિવાયનાં રાજયો પોલિટિકલ એજન્‍ટની સત્તા હેઠળ ચાલુ રહયાં હતાં. પાલનપુર એજન્‍સીનું નામ બદલીને ‘બનાસકાંઠા એજન્‍સી' રાખવામાં આવ્‍યું હતું. વળી ૧૯ર૪માં જ હિંદ સરકારે ‘વેસ્‍ટર્ન ઈન્‍ડિયા સ્‍ટેટ એજન્‍સી' નામના બૃહદ એકમની રચના કરી. તેમાં કચ્‍છ, વેસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સી, ઈસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સી તથા બનાસકાંઠા એજન્‍સીનો સમાવેશ થતો હતો. આ નવા વિસ્‍તૃત એકમ હેઠળ કુલ રપ૧ રાજયો અને તાલુકા હતા. તેમાંથી ૧૧૯ હકૂમતી અને બાકીના ૧૩ર બિનહકૂમતી હતા. ૧૯ર૪ના ફેરફાર અનુસાર રાજકોટનું સિવિલ સ્‍ટેશન વધારાના ડિસ્‍ટ્રિકટ મેજિસ્‍ટ્રેટના વહીવટી નિયંત્રણ હેઠળ મુકાયું હતું. વેસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સીનું વડું મથક રાજકોટમાં હતું. તેની હેઠળ લાખાપાદર, ધ્રાફા, લોધિકા અને બાબરાનાં ચાર થાણાં હતાં. તેમાં કુલ ૪૬ તાલુકા હતા. ઈસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સીનું  વડું મથક વઢવાણમાં હતું. તેની હેઠળ વઢવાણ, ચોટીલા, દસાડા, ભોઈકા, પાળિયાદ, ઝીંઝુવાડા, સોનગઢ અને ચોક દાંઠાના કુલ આઠ થાણાં હતાં. તેમાં કુલ ૯પ તાલુકા હતા. પછીથી ઈ.સ.૧૯૩૧ અને ૧૯૪૧માં બીલખા, જસદણ, જેતપુર, ખિરસરા, કોટડાસાંગાણી,માળિયા, માણાવદર, થાણાદેવડી, વડિયા, વીરપુર વગેરે નાનાં રાજયો અને રાજકોટ સિવિલ સ્‍ટેશન વેસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સી હેઠળ મૂકવામાં આવ્‍યાં હતાં અને બજાણા, ચૂડા, લખતર, લાઠી, મૂળી, પાટડી, સાયલા અને વળાનાં નાનાં રાજયો તથા વઢવાણ સિવિલ સ્‍ટેશન ઈસ્‍ટર્ન  કાઠિયાવાડ એજન્‍સી હેઠળ મૂકવામાં આવ્‍યાં હતાં.

 સૌરાષ્‍ટ્રમાં અનેક નાનાંમોટાં અને છૂટાંછવાયાં રાજયો હોવાથી તેના વહીવટમાં ઘણી અગવડ ઉભી થતી હતી. તેથી બ્રિટિશ સરકારે ઈ.સ.૧૯૪૩માં જોડાણ યોજના (Attachment Scheme) દાખલ કરી. તે યોજના અનુસાર વહીવટી સરળતા અને આર્થિક પ્રશ્‍નોના ઉકેલની દ્રષ્‍ટિએ નાનાં નાનાં રાજયોને નજીકનાં મોટાં રાજયો સાથે જોડી દેવામાં આવ્‍યાં. તેનાથી નાનાં રાજયો નાખુશ થયાં હતાં.  તેથી તેમાં આ યોજના અપ્રિય બની. (તેના પડઘા સ્‍વતંત્રતા સમયે સત્તાના હસ્‍તાંતરણ વખતે ૧૯૪૭માં પડયા હતા.) પરંતુ તેમ છતાં બ્રિટિશ સંસદે ૧૯૪૪માં કાયદો પસાર કરી આ જોડાણ યોજનાને મંજાૂરી આપી દીધી હતી.

ત્‍યાર પછી પ નવેમ્‍બર, ૧૯૪૪ ના ‘વેસ્‍ટર્ન ઈન્‍ડીયા સ્‍ટેટ્‍સ એજન્‍સી' તથા ‘બરોડા એન્‍ડ ગુજરાત સ્‍ટેટ્‍સ એજન્‍સી'ને પણ જોડી દેવામાં આવેલ અને આ વિસ્‍તૃત કરાયેલ નવા એકમનું નામ ‘વડોદરા એન્‍ડ સ્‍ટેટ્‍સ ઓફ વેસ્‍ટર્ન ઈન્‍ડીયા એન્‍ડ ગુજરાત' રાખવામાં આવ્‍યું હતું. વડોદરાના રેસિડેન્‍ટને આ વિસ્‍તૃત એકમનો રેસિડેન્‍ટ બનાવવામાં આવ્‍યો. આમ ૧૯૪૪ માં સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતના બધા દેશી રાજયો એક જ વહીવટતંત્ર હેઠળ મૂકાયા. જોકે મોટા સલામી રાજયો તો દિલ્‍હીના પોલિટિકલ ડિપાર્ટમેન્‍ટ સાથે સીધો સંબંધ ધરાવતા હતા. વડોદરાના રેસિડેન્‍ટ પાસે ગુજરાતનાં બધાં દેશી રાજયોની વહીવટની દેખરેખ રાખવાનું કામ આવ્‍યું. તેણે કચ્‍છ સાથે સીધો સંબંધ સ્‍થાપ્‍યો અને વેસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સી તથા ઈસ્‍ટર્ન કાઠિયાવાડ એજન્‍સીના ક્રમશઃ રાજકોટ અને વઢવાણમાં આવેલા મુખ્‍ય મથકોએ રહેતા તેમના પોલિટિકલ એજન્‍ટોને પોતાની દેખરેખ હેઠળ મૂકી ત્‍યાંનો વહીવટ ચાલુ રાખ્‍યો હતો. આમ ભારતને આઝાદી મળી ત્‍યારે સૌરાષ્‍ટ્રમાં આ પ્રકારનું બ્રિટિશ વહીવટીતંત્ર હતું.

બ્રિટીશ પોલિટિકલ એજન્‍સીની પ્રવૃત્તિઓ

૧૮ર૦માં સૌરાષ્‍ટ્રમાં બ્રિટીશ પોલિટિકલ એજન્‍સીની રાજકોટમાં સ્‍થાપના કરાઈ હતી.

તેનું મુખ્‍ય કામ કોઈ પણ જાતના અવરોધ વિના પેશવાના ભાગની ખંડણી જે તેને મળી હતી તે ઉઘરાવવાનું તથા ગાયકવાડ વતી તેની ખંડણી અને જૂનાગઢ વતી જોરતલબી ઉઘરાવવાનું હતું. સૌરાષ્‍ટ્રના દેશી રાજયોના આંતરિક મામલાઓમાં એજન્‍સી દખલગીરી કરતી ન હતી.

વિવિધ દરબારોનું આયોજન કરવાની પ્રવૃત્તિ

ઈ.સ. ૧૮૭૭ માં રાણી વિકટોરિયાના શાસનકાળના ૪૦ વર્ષ પૂરા થતા દિલ્‍હીમાં દરબાર ભરાયો. તેમાં સૌરાષ્‍ટ્રના ઘણા રાજવીઓ હાજર રહ્યા હતા. આ સમયે તેમને રાજયચિન્‍હ તથા રાજયઘ્‍વજ આપીને તેમને આપવાની સલામીની તોપોની સંખ્‍યા નકકી કરવામાં આવી હતી. પછીથી ૧૮૮૭ માં વિકટોરિયાના શાસનની સુવર્ણજયંતીની ઉજવણી લંડનમાં થઈ ત્‍યારે સૌરાષ્‍ટ્રના રાજવીઓના પ્રતિનિધિ તરીકે ગોંડલના ભગવતસિંહજી, મોરબીના વાઘજી અને લીંબડીના જશવતંસિંહજી તેમાં હાજર રહ્યા હતા. તેવી જ રીતે ૧૮૯૭ માં લંડનમાં યોજાયેલા ડાયમંડ જયુબિલીની ઉજવણી પ્રસંગે ગોંડલના ભગવતસિંહજી હાજર રહ્યા હતા. ૧૮૮૭ ના સુવર્ણજયંતી અને ૧૮૯૭ના ડાયમંડ જયુબિલી સમારોહ સૌરાષ્‍ટ્રમાં પણ રાજકોટ, નવાનગર, જૂનાગઢ, ભાવનગર, ગોંડલ, મોરબી, લીંબડી, ધ્રાંગધ્રા, પોરબંદર વગેરે મુખ્‍ય રાજયોમાં પણ ધામધૂમથી ઉજવાયા હતા.

ઉપરાંત નવા રાજવી ગાદીએ બેસે ત્‍યારે તેમના રાજયારોહણ પ્રસંગે યોજાતા દરબારમાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે પોલિટિકલ એજન્‍ટ હાજરી આપતા. વળી સૌરાષ્‍ટ્રના રાજવીઓને તેમની કાર્યક્ષમતા તથા બ્રિટિશ સરકાર પ્રત્‍યેની વફાદારી અનુસાર કે.સી.આઈ.ઈ., કે.સી.એસ.આઈ., જી.સી.આઈ.ઈ. અને જી.સી.એસ.આઈ. જેવા ઈલકાબો અપાતા ત્‍યારે પણ રાજકોટમાં અથવા જે તે રાજાની રાજધાનીના શહેરમાં દરબાર ભરવામાં આવતા હતા. તેના આયોજનની પ્રવૃત્તિ પણ રાજકોટની બ્રિટિશ એજન્‍સી કરતી હતી.

રાજયોમાં બ્રિટિશ મેનેજમેન્‍ટની પ્રવૃત્તિ

સૌરાષ્‍ટ્રના રાજયોમાં કોઈ રાજવી અપુત્ર મરણ  પામે અને વારસદાર અંગેનો વિવાદ થાય અથવા વારસદાર સગીર વયનો હોય અથવા રાજયમાં અવ્‍યવસ્‍થા ફેલાઈ હોય, તેવા સંજોગોમાં બ્રિટિશ એજન્‍સી દરમ્‍યાનગીરી કરીને તે રાજયમાં પોતાની દોરવણી હેઠળ મેનેજમેન્‍ટ સ્‍થાપતી હતી. નીચેના પ્રસંગોએ રાજવી સગીર હોવાથી બ્રિટિશ મેનેજમેન્‍ટ તે રાજયમાં સ્‍થપાયું હતું. : (૧) ભાવનગરમાં તખતસિંહજી ૧ર વર્ષના હતા અને ૧૮૭૦ માં ગાદીએ બેઠા અને કૃષ્‍ણકુમાર સિંહજી ૧૯૧૯ માં ૭ વર્ષના હતા અને ગાદીએ બેઠા ત્‍યારે. (ર) રાજકોટના બાવાજીરાજ ૬ વર્ષની ઉંમરે ૧૮૬ર માં અને લાખાજીરાજ પ વર્ષની ઉંમરે ૧૮૯૦ માં ગાદીએ આવ્‍યા ત્‍યારે. (૩) ગોંડલના ભગવતસિંહજી ૪ વર્ષની ઉંમરે ૧૮૬૯ માં ગાદીએ આવતાં. (૪) મોરબીના વાઘજી બીજા ૧૩ વર્ષની ઉંમરે ૧૮૭૦ માં ગાદીએ આવતાં. (પ) ધ્રાંગ્રધાના મયૂરઘ્‍વજસિંહજી ૧૯ વર્ષની ઉંમરે ૧૯૪રમાં ગાદીએ આવતાં, (૬) લીંબડીમાં ૧૮૩૭માં ભોજરાજજીના અવસાન પછી ગાદીવારસાના પ્રશ્રે ઉગ્ર વિવાદ થતા એજન્‍સીએ દરમ્‍યાનગીરી કરી હરભમજીનો દાવો માન્‍ય રાખ્‍યો હતો. વળી જશવંતસિંહજી ૩ વર્ષની ઉંમરે ગાદીએ આવ્‍યા ત્‍યારે અને તેઓ ૧૯૦૭ માં અવસાન પામ્‍યા પછી વારસદારનો પ્રશ્ર ન ઉકેલાતાં બ્રિટિશ મેનેજમેન્‍ટ સ્‍થપાયું. પછી ૧૯૦૮ માં માનસિંહજીને બ્રિટિશ સરકારે માન્‍ય રાખ્‍યા હતા. પછીથી ૧૯૪૧ માં છત્રસાલજી ૧ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા હતા ત્‍યારે. (૭) પોરબંદરના ભોજરાજજી (વિકમાતજી) ૮ વર્ષ ઉંમરે ૧૮૩૧ માં અને નટવરસિંહજી ૮ વર્ષની ઉંમરે ૧૯૦૮ માં ગાદીએ આવતાં. (૮) પાલિતાણાના બહાદુરસિંહજી પ વર્ષની ઉંમરે ૧૯૦પ માં ગાદીએ આવતા. (૯) વાંકાનેરના અમરસિંહજી ર વર્ષની ઉંમરે ૧૮૮૧માં ગાદીએ આવતાં. (૧૦) વઢવાણના રાયસિંહજી એક વર્ષની ઉંમરે ૧૮ર૭માં ગાદીએ આવતાં, અને દાજીરાજજી ૧૪ વર્ષની ઉંમરે ૧૮૭પમાં ગાદીએ આવતાં. (૧૧) જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજા ૧૧ વર્ષની ઉંમરે ૧૯૧૧ માં ગાદીએ આવતાં. (૧ર) જામનગરના જશવંતસિંહજી ૧૧ વર્ષની ઉંમરે ૧૮૯પ માં ગાદીએ આવતાં.

 આ બધા પ્રસંગોએ બ્રિટિશ એજન્‍સીએ જે તે રાજયમાં મેનેજમેન્‍ટ બેસાડયું હતું. તેમના આ પ્રતિનિધિઓએ એક વર્ષથી લઈ ઓગણીસ વર્ષ સુધી રાજવહીવટ ચલાવ્‍યો હતો. તેનું એક સારૂ પરિણામ એ આવ્‍યું કે આ રાજયોના ખોટા ખર્ચ નાબૂદ થયા, વહીવટ કાર્યદક્ષ બન્‍યો અને રાજયોનું આધુનિકીકરણ થયું. આમ બ્રિટિશ એજન્‍સીના મેનેજમેન્‍ટ હેઠળના વહીવટના પરિણામે સૌરાષ્‍ટ્રના રાજયોમાં પરોક્ષ એકરૂપતા આવી અને શાસન પ્રજાભિમુખ બન્‍યું અને લોકકલ્‍યાણના અનેક કાર્યો થયા.

સામાજિક સુધારાની પ્રવૃત્તિ

સૌરાષ્‍ટ્રમાં વિશેષ કરીને જાડેજા તથા જેઠવા કુટુંબોમાં દીકરીઓને દૂધ પીતી કરવાની પ્રથા હતી. તેને નાબૂદ કરવામાં અનેક બ્રિટિશ અમલદારોએ મહત્‍વનું યોગદાન આપ્‍યું  હતું. તેમણે ખાસ કરીને ઉપરોકત વંશના રાજવીઓ પાસેથી કરાર કરાવી તે પ્રથા ઉપર પ્રતિબંધ મૂકયો હતો. છતાં રાજકોટના રાજવી સુરાજી (૧૮રપ-૪૪) ના રાજયકાળમાં રાજકુળમાં દૂધ પીતીનો પ્રસંગ બનતા તેમને રૂપિયા બાર હજાર જેવો ભારે દંડ કરવામાં આવ્‍યો હતો. પરંતુ ત્‍યાર પછી રાજકોટના જ રાજવી મહેરામણજી ચોથા (૧૮૪૮-૬ર) એ આ પ્રથાને દૂર કરવા સક્રિય પ્રયત્‍ન કર્યા, તે માટે ઈ.સ. ૧૮પ૭ માં તેમને બ્રિટિશ સરકાર તરફથી સોનાનો હાર બક્ષિસ તરીકે આપવામાં આવ્‍યો હતો. આમ બ્રિટિશ એજન્‍સી પોતાના અધિકારીઓ મારફત સામાજિક દૂષણોને ડામવાની પ્રવૃતિ પણ કરતી હતી.

પ્રજાકલ્‍યાણની પ્રવૃત્તિ

શિક્ષણના વિકાસ માટે લેંગ કન્‍યાશાળા, લેંગ લાઈબ્રેરી, વોટસન મ્‍યુઝિયમ, બાર્ટન ફીમેલ ટ્રેનિંગ કોલેજ, હંટર ટ્રેનિંગ કોલેજ, રાજકુમાર કોલેજ, આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ, માજીરાજ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ અને આરોગ્‍ય સેવાઓના વિકાસ માટે વેસ્‍ટ હોસ્‍પિટલ જેવી અનેક હોસ્‍પિટલો સ્‍થાપવામાં આવી હતી. રસ્‍તાઓના વિકાસ માટે ફંડ ઉભું કરી નવા રસ્‍તાઓ બંધાવાયા હતા. રાજયો દ્વારા રેલ્‍વે લાઈન નાખવાની પ્રવૃત્તિને પ્રોત્‍સાહન આપ્‍યું હતું. આમ બ્રિટિશ એજન્‍સીએ પ્રજાકલ્‍યાણની પ્રવૃત્તિને વેગ આપ્‍યો હતો.

શાળાઓ, કોલેજો, હોસ્‍પિટલો, પુસ્‍તકાલયો, પુલ, રેલ્‍વે લાઈનો, સિંચાઈ યોજના, ડેમ કે એવા જાહેર બાંધકામોનાં ઉદદ્યાટન માટે ભારતના ગવર્નર જનરલ, મુંબઈના ગવર્નર કે રાજકોટના પાલિટિકલ એજન્‍ટને બોલાવી રાજયો તે ઉદઘાટકના નામ ઉપરથી તેનું નામકરણ કરતા હતા. આજે પણ વેલિંગ્‍ટન ડેમ, કેનેડી બ્રિજ, કાર્નેગી ફાઉન્‍ટન, લેંગ લાઈબ્રેરી, વેસ્‍ટ હોસ્‍પિટલ, આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ જેવા નામ તત્‍કાલીન બ્રિટિશ શાસનના વારસારૂપ છે. જોકે હવે એકવીસમી સદીમાં આ ઐતિહાસિક સ્‍થળોને નવા નામ આપવાના પ્રયાસ થાય છે.

વિશ્‍વયુદ્ધોમાં સહાયની પ્રવૃત્તિ

પ્રથમ અને બીજા વિશ્‍વયુદ્ધ સમયે બ્રિટિશ એજન્‍સીએ સૌરાષ્‍ટ્રના રાજયોને બ્રિટિશ સાર્વભૌમ સત્તાને મદદરૂપ થવા જણાવતા મોટાભાગના રાજયોએ વસ્‍તુઓ, સાધનો, માણસો તથા નાણાંની ઉદાર હાથે મદદ કરી હતી.

રાજય તથા પ્રજાએ યુઘ્‍ધ માટેની લોનમાં પણ મોટી રકમ રોકી હતી. કેટલાક રાજવીઓ તો યુદ્ધમોરચે સક્રિય કામગીરી બજાવવા પણ ગયા હતા. આમ બ્રિટિશ સાર્વભૌમ સત્તાને સંકટના સમયે મદદરૂપ થવામાં પ્રોત્‍સાહન આપવાની પ્રવૃત્તિ પણ બ્રિટિશ એજન્‍સીએ કરી હતી.

રાષ્‍ટ્રીય ચળવળ પ્રત્‍યેનો અભિગમ

  બ્રિટિશ એજન્‍સી ચળવળો સ્‍વાભાવિક રીતે જ નાપસંદ કરતી હતી. રાષ્‍ટ્રીય ચળવળની કોઈ પ્રવૃત્તિને રાજયો તરફથી કોઈ પ્રોત્‍સાહન ન મળે તે અંગે એજન્‍સી ખૂબ જ સાવચેત હતી. રાજાઓને પણ એવો કાલ્‍પનિક ભય હતો. કે જો તેઓ રાષ્‍ટ્રીય પ્રવૃતિને પ્રોત્‍સાહન આપશે, તો બ્રિટિશ સરકાર નારાજ થશે અને તેમનું રાજાપદ ભયમાં મુકાઈ જશે. તેથી સૌરાષ્‍ટ્રનાં મોટા ભાગનાં રાજયો પ્રતિક્રિયાવાદી નીતિ અપનાવતા હતા. ઈ.સ. ૧૯ર૧ માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટના પ્રગતિશીલ ઉદારવાદી રાજવી લાખાજીરાજે રાજકોટમાં ભરવાની પરવાનગી આપી હતી. જોકે બ્રિટિશ એજન્‍સીએ રાજકોટ રાજય તેવી પરવાનગી ન આપે તેવા પ્રયત્‍ન કર્યા હતા. બ્રિટિશ નારાજગી છતાં લાખાજીરાજે તો રાજકોટમાં રાષ્‍ટ્રીય શાળા માટે નજીવા દરે જમીન આપી હતી, અને બ્રિટિશ નારાજગીની લેશમાત્ર પરવા કરી ન હતી.

આમ ઈ.સ. ૧૮ર૦ માં રાજકોટમાં સ્‍થપાયેલ બ્રિટિશ પોલિટિકલ એજન્‍સીનો ઈ.સ. ૧૯૪૭ માં આઝાદી આવતા અંત આવ્‍યો. આ ૧ર૭ વર્ષોના સમય દરમ્‍યાન તેણે પોતાની પ્રવૃતિઓથી સૌરાષ્‍ટ્રના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્‍કૃતિ જીવનને સ્‍પર્શતા વિવિધ પાસાંઓ ઉપર પ્રભાવ પાડી પોતાની કેન્‍દ્રવર્તી ભૂમિકાની લોકોને પ્રતીતી કરાવી હતી.

બ્રિટિશ પોલિટિકલ એજન્‍સી હેઠળના કાઠિયાવાડના પ્રદેશના તે સમયે દસ પરગણાં કે વિભાગો બનાવેલ

(૧) ઝાલાવાડ : તેમાં મુખ્‍ય ધ્રાંગ્રધા, લીંબડી, વઢવાણ, વાંકાનેર, થાન-લખતર, સાયલા, મૂળી અને ચૂડાના ઝાલાવંશના રાજયો, તથા બજાણા અને અન્‍ય ૪પ નાનાં સંસ્‍થાન (રાજયો) હતા.

(ર) ગોહિલવાડ :       તેમાં ભાવનગર, પાલિતાણા, વળા અને લાઠીનાં ગોહિલવંશના રાજયો ઉપરાંત ર૧ નાનાં રાજયો હતા.

(૩) ઊંડ સરવૈયાવાડ :  તેમાં સરવૈયા તાલુકેદારોના દાઠા, ગણધોળ, ચોક વગેરે તથા બીજા ર૦ સંસ્‍થાન હતા.

(૪) બાબરિયાવાડ :     તેમાં બાબરિયા કાઠીઓનો ડેડાણ તાલુકો, સિદીવંશનું જાફરાબાદ રાજય તથા અન્‍ય ૩૦ સંસ્‍થાન હતા.

(પ) કાઠિયાવાડ  :      તેમાં ગાયકવાડના તાબા હેઠળના અમરેલી પ્રાંત, દામનગર

(મઘ્‍ય સૌરાષ્‍ટ્ર) તાલુકો, ખાંભા પેટામહાલ, કોડીનાર તાલુકો, જસદણ, જેતુપર, ચિતળ, ચોટીલા મેંદરડા, બિલખા, બગસરા વગેરે કાઠી રાજયો તથા અન્‍ય ૪૬ નાનાં સંસ્‍થાન આવેલા હતા.

(૬) સોરઠ :    તેમાં સૌરાષ્‍ટ્રનું સૌથી મોટું પ્રથમ કક્ષાનું જૂનાગઢનું બાબી વંશનું રાજય તથા માંગરોળ, માણાવદર, સરદારગઢ, બાંટવાના મુસલમાન તાલુકેદારોનાં રાજય તથા અમરાપરનું રાજય હતું.

(૭) બરડો :    તેમાં જેઠવાવંશનું પોરબંદરનું રાજય હતું.

(૮) હાલાર :   તેમાં હાલા જામના વંશજો એવા જાડેજાવંશના જામનગર, ગોંડલ, રાજકોટ, ધ્રોળ અને ધ્રાફાનાં રાજયો તથા અન્‍ય સંસ્‍થાન હતા.

(૯) મચ્‍છુકાંઠો : તેમાં મચ્‍છુ નદીનાં કાંઠે આવેલા જાડેજા વંશના મોરબી અને માળિયાનાં રાજય હતા.

(૧૦) ઓખા મંડળ :     તેમાં ઓખા, શંખોદ્ધાર બેટ, તથા દ્વારકાની આસપાસનો કચ્‍છીગઢ, આરંભડુ, પોશીત્રા, ધાણાકી, મઠ વગેરે હતા.

 

: સંકલન :

તખ્‍તસિંહ રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

 

(5:08 pm IST)
  • અમેરીકાના ઈન્ડિયાના ખાતે ચિડીયાઘરમાં સિંહણએ પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યોઃ ૮ વર્ષથી એક સાથે રહેતા'તા access_time 3:34 pm IST

  • સુરતના હજીરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો :7 લાખના વિદેશી દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ ઝડપાયો :ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હજીરા પોલીસે ઝડપ્યો લાખોના મુદ્દામાલ સાથે પોલીસે કરી બે આરોપીની ધરપકડ:ખેતરમાં ભાડૂતી જગ્યા રાખી આરોપીઓ દારૂનો કરતા હતા સંગ્રહ access_time 6:46 pm IST

  • રાજકોટ :આજી ડેમમાં સૌની યોજના મારફત થતી નર્મદા નીરની આવક બંધ :સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું:દોઢ માસ નર્મદાનીર મળતા આજી ડેમ સપાટી થયું 23.50 ફૂટ:રાજકોટને 100 દિવસ ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ:રોજ 6 MCFT જેટલું પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે access_time 2:23 pm IST