Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

VHPએ અયોધ્‍યામાં રામ મંદિર નિર્માણ અંગે કાયદો બનાવવા માગ કરી

વિશ્વ હિન્‍દુ પરિષદના નેતા અને જોઇન્‍ટ સેક્રેટરી સુરેન્‍દ્ર જૈને રાજ્‍યના રાજ્‍યપાલ ઓ.પી. કોહલી સાથે મુલાકાત કરી હતી અને નવો કાયદો બનાવવા માટે આવેદનપત્ર આપ્‍યું હતું

ગાંધીનગર તા. ૨૩ : વિશ્વ હિન્‍દુ પરિષદે અયોધ્‍યા રામ મંદિર નિર્માણ કરવા માટે સરકાર પાસે નવો કાયદો બનાવવા માટે માગણી કરી છે. રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે પણ તા. ૧૮ ઓક્‍ટોબરે પોતાના નિવેદનમાં રામ મંદિર નિર્માણ માટે નવો કાયદો ઘડવા માટે હુંકાર કર્યો હતો. સોમવારે વિશ્વ હિન્‍દુ પરિષદના નેતા અને જોઈન્‍ટ સેક્રેટરી સુરેન્‍દ્ર જૈને રાજયના રાજયપાલ ઓ. પી. કોહલી સાથે મુલાકાત કરી હતી અને નવો કાયદો બનાવવા માટે આવેદનપત્ર આપ્‍યું હતું. જૈન સોમવારે ગુજરાતની મુલાકાતે આવેલા હતા. જયાં તેમની સાથે વિએચપી કાર્યકરો પણ જોડાયા હતા.

ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીને આપવામાં આવેલા આવેદનપત્રમાં કેન્‍દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે સહમત કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સંસદમાં આ નવો કાયદો પસાર કરવા માટે માગ કરવામાં આવી છે. ગુજરાત રાજયના વિશ્વ હિન્‍દુ પરિષદના સેક્રેટરી અશોક રાવલે કહ્યું હતું કે, તા. ૫ ઓક્‍ટોબરના રોજ દિલ્‍હીમાં મળેલી એક બેઠકમાં મીડિયાને જણાવ્‍યું હતું કે, હવે રામ મંદિર નિર્માણને લઈને ઝુંબેશ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ રામ મંદિર નિર્માણ અંગેની ખાતરી આપી છે.

વીએચપી જોઈન્‍ટ સેક્રેટરી સુરેન્‍દ્ર જૈને ઉમેર્યું કે, રામ મંદિર નિર્માણને લઈને હવે કાયદો એ જ યોગ્‍ય ઉકેલ છે. પહેલા રામ મંદિર નિર્માણના ત્રણ વિકલ્‍પો હતા. જે પૈકી એક જુદા જુદા રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવાનું હતું, બીજુ કોર્ટના દ્વાર ખખડાવવાનું અને ત્રીજું રામ મંદિર નિર્માણ અંગે કાયદો ઘડવાનું હતું. અનેક વખત ચર્ચા કરવા છતાં કોઈ પરિણામ મળ્‍યું નથી. જોકે, રામ મંદિર નિર્માણ અંગે મામલો સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો છે.

જૈને કહ્યું કે, વર્ષ ૧૯૫૦ કોર્ટમાં આ અંગે કેસ ચાલી રહ્યો છે પણ અત્‍યાર સુધી તારીખ પર તારીખ મળી રહી છે. હવે લાંબા સમય સુધી રાહ જોઈ શકાય એમ નથી. આ કેસ સાંસદો અને રાજયના ગવર્નરને સોંપવા સિવાય પણ વિશ્વ હિન્‍દુ પરિષદના નેતાઓ હલે ઠેર ઠેર રેલી કાઢશે. પણ આ રેલી આવનારી કોઈ લોકભાની ચૂંટણીને ધ્‍યાનમાં લઈને નહીં હોય. વિશ્વ હિન્‍દુ પરિષદે આ અભિયાન રેલીને કોઈ ચૂંટણીલક્ષી રેલી બાબતે ઘ્‍યાને ન લેવી જોઈએ. પ્રયાગની ધર્મ સંસદમાં તા. ૩૧મી જાન્‍યુઆરીએ અને ૧ ફેબ્રઆરીએ રાષ્ટ્રવ્‍યાપી ઝુંબેશ શરૂ થશે. જેમાં સંતો પણ હુંકાર કરશે.

(1:10 pm IST)