Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

૨૦૧૯માં ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે ધોની - ગંભીર

દિલ્હી પરથી ગૌતમ લડે તેવી શકયતા : ધોની ઝારખંડથી લડશે

નવી દિલ્હી તા. ૨૩ : ૨૦૧૯ની લોકસાની ચૂંટણીમાં ભલે હજુ થોડો સમય બાકી રહ્યો હોય પરંતુ, રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક એવા પણ સમાચાર છે કે, ટીમ ઈન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાઈને પોતાના શહેર દિલ્હીની કોઈ એક લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જોકે, આ લીસ્ટમાં વધુ એક નામ જોડાઈ રહ્યું છે. તે બીજા કોઈનું નહીં પણ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું છે.

રિપોર્ટ અનુસાર ભાજપ ધોનીના સતત સંપર્કમાં છે અને તે ઝારખંડમાંથી ચૂંટણી લડી શકે એમ છે. આ રિપોર્ટ અનુસાર ભાજપ આ બંને ક્રિકેટરોની લોકપ્રિયતાનો લાભ લેવા માગે છે અને દેશભરમાં પ્રચાર માટેની યોજના ઘડી રહ્યો છે. આ બંને ખેલાડીઓનું ક્રિકેટમાં ખૂબ સારું અને અસાધારણ યોગદાન રહ્યું છે. આ ઉપરાંત સમાજના દરેક વર્ગમાં તેની લોકપ્રિયતા છે.

સન્ડે ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર ભાજપ નવી દિલ્હીની લોકસભા સીટ પરથી મિનાક્ષી લેખીના બદલે ગૌતમ ગંભીરને ટિકિટ આપી શકે છે. પક્ષને એ પણ જાણકારી મળી છે કે લેખીના કામથી તેમના સંસદિય વિસ્તારના લોકો ખુશ નથી. ગૌતભ ગંભીર માત્ર ક્રિકેટર જ નહીં પણ સામાજિક કાર્યોમાં પણ ભાગ લઈ રહ્યો છે.

ધોની પોતાની કેપ્ટનશીપમાં ભારતને બે વખત વિશ્વકપ અપાવી ચૂકયો છે. બીજી તરફ ગંભીર પણ આ વિશ્વવિજેતા ટીમનો એક સભ્ય હતો. હાલમાં ગંભીર દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે. બે વર્ષ પહેલા ગંભીરે પોતાની છેલ્લી મેચ રમી હતી. તાજેતરમાં જ તેણે વિજયહઝારે ટુર્નામેન્ટમાં દિલ્હીની ટીમને ફાયનલ સુધી પહોંચાડી છે.

(4:48 pm IST)