Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ડોકટરો - CA આયકર ભરવામાં દાખવે છે કંજૂસાઇ

કરદાતાઓને સલાહ આપતા સીએમાંથી પ્રત્યેક ૩ પૈકી ૧ જ સીએ એ પોતાનો ટેક્ષ જમા કરાવ્યો છે :ચોંકાવનારા આંકડા જાહેર : ૮.૬ લાખ ડોકટર્સમાંથી અડધાથી ઓછાએ ગયા વર્ષે ઇન્કમટેક્ષ ભર્યો

નવી દિલ્હી તા. ૨૩ : 'સમય પર ઇન્કમ ટેકસ ભરો, દેશના વિકાસમાં ભાગીદાર બનો' આ લાઈન તમે ઘણીવાર ટીવી અને છાપામાં જોઈ હશે. પરંતુ તેનું પાલન કેટલા દેશવાસીઓ નીયમિત કરે છે તે અંગ કયારેય વિચાર આવ્યો છે? તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગત વર્ષે દેશના લગભગ ૮.૬ લોખ ડોકટર્સ પૈકી અડધાથી પણ ઓછા ડોકટર્સે પોતાનો ઇન્કમ ટેકસ ભર્યો છે. એટલું જ નહીં ચાર્ટર્ડ એકાઉન્ટ જેઓ લોકોને વ્યકિતગત અને કંપનીઓને તેમના જુદા જુદા ટેકસ ભરવામાં સલાહ આપે છે તેવા દેશભરના કુલ CAમાંથી પ્રત્યેક ૩ પૈકી ૧ જ CAએ પોતાનો ટેકસ જમા કર્યો છે.

દેશમાં સામાન્ય રીતે પ્રત્યેક કિલોમીટર તમને નર્સિંગ હોમ મળી જશે પરંતુ તેમાથી ફકત ૧૩ હજાર હોસ્પિટલ્સ એવી છે જેમણે પોતાનો ટેકસ ભર્યો છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે ટેકસ ભરનાર નર્સિંગ હોમ્સની સંખ્યા ટેકસ પેયર ફેશન ડિઝાઇનર કરતા પણ ઓછી છે.

હકીકતે ૧૪,૫૦૦ ફેશન ડીઝાઇનર ઇન્કમ ટેક્ષ જમા કરાવી રહ્યા છે. અત્રે એ નોંધનીય છે કે ગઇકાલે આયકર વિભાગે ડેટા જારી કર્યો છે. જેમાં પગારદારો અને બીન પગારદારો વચ્ચે એક મોટું અંતર માલુમ પડયું છે.

પાછલા ચાર વર્ષ દરમિયાન ફાઇલ કરવામાં આવેલ ITR રિટર્ન્સમાં ૮૦ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં જે ૩.૭૯ કરોડ હતા તે ૨૦૧૭-૧૮માં ૬.૮૫ કરોડ થઈ ગયા છે. ઇન્કમ ટેકસ વિભાગનો દાવો છે કે વ્યકિતગત કરોડપતિઓની સંખ્યામાં ૬૮%નો વધારો થયો છે. જયારે વાર્ષિક ૫.૨ લાખ રુપિયાની આવક પર અનસેલેરાઇડ વ્યકિતઓની આવક સેલેરાઇડ વ્યકિતઓ કરતા લગભગ ૭૫ ટકા છે. જે ૬.૮ લાખ સુધી વધી જાય છે. અનસેલેરાઇડ કરદાતાઓની તુલનામાં સેલેરાઇડ કરદાતાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે બંને કરદાતાઓની સંખ્યા ૨.૩ કરોડ જ છે.

તો સેલેરાઇડ અને અનસલેરાઈડ કરદાતાઓની સરેરાશ આવક પણ વધી છે. CBDT દ્વારા જણાવ્યા મુજબ સેલેરાઇડ કરદાતાઓ દ્વારા ઘોષિક આવકનો આંકડો ૧૯ ટકા વધીને ૫.૭૬ લાખથી ૬.૮૪ રુપિયા સુધી પહોંચી ગઈ છે. જયારે આ જ સમયગાળામાં અનસેલેરાઇડ કરદાતાઓની સરેરાશ આવક ૨૭ ટકાથી વધીને ૪.૧૧ લાખથી રૂ. ૫.૨૩ લાખ સુધી પહોંચી ગઈ છે.

CBDTએ કહ્યું કે કોર્પોરેટ કરદાતાઓની વાત કરીએ તો ૨૦૧૪-૧૫ની સરખામણીએ ૨૦૧૭-૧૮માં તેમના દ્વારા આપવામાં આવેલ સરેરાશ ટેકસ ૫૫ ટકા જેટલો વધીને ૪૯.૯૫ લાખ થઈ ગયો છે. બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાએ કહ્યું કે, 'વિભાગ ઈમાનદાર કરદાતાઓનું સમ્માન કરશે અને કર ચોરો સામે આકરા પગલા ભરવામાં જરા પણ શેહશરમ રાખવામાં આવશે નહીં.'

(10:55 am IST)