Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કાશ્મીર ઘાટીમાંથી આતંકવાદીઓ સહિત શાંતિ વિરોધી તત્વોને ખતમ કરવામાં સુરક્ષાદળને સફળતા : ડીજીપી

ડીજીપી દિલબાગ સિંહે કહ્યું- સુરક્ષા દળોની કડક કાર્યવાહીના કારણે આતંકવાદી ફંડિંગના સમગ્ર નેટવર્કને તોડી પાડવામાં આવ્યું

શ્રીનગર :જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું કે સુરક્ષા દળોએ કાશ્મીર ઘાટીમાંથી આતંકવાદીઓ સહિત મોટાભાગના શાંતિ વિરોધી તત્વોને ખતમ કરવામાં સફળતા મેળવી છે.સાથે કહ્યું કે બાકીના બદમાશોને હટાવવામાં વધુ સમય નહીં લાગે.

શ્રીનગરમાં ‘પેડલ ફોર પીસ’ ઈવેન્ટ વીશે પત્રકારો સાથે વાત કરતા ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે શાંતિના બગીચામાં ઘણા કાંટા હતા, જેને પોલીસ અને સુરક્ષા દળોએ હટાવી દીધા. “જે બાકી છે તે પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે, તેની માટે હવે વધુ સમય લાગશે નહીં.

ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે સુરક્ષા દળોની કડક કાર્યવાહીના કારણે આતંકવાદી ફંડિંગના સમગ્ર નેટવર્કને તોડી પાડવામાં આવ્યું છે. આ પછી પથ્થરમારાની ઘટનાનો અંત આવ્યો. હુર્રિયત અને અન્ય શાંતિ વિરોધી તત્વો કાશ્મીરમાં તેમના આકાઓ વતી લોહિયાળ રમત રમતા હતા.

વધુમાં તેમણે કહ્યું લગભગ તમામ શાંતિ વિરોધી તત્વોને ખતમ કરી દેવામાં આવ્યા છે. ‘પેડલ ફોર પીસ’ માત્ર એક ઘટના નથી પરંતુ એક પગલું છે જે પોલીસને યુવાનો અને લોકો સાથે સીધું જોડે છે. તેમણે કહ્યું કે જશ્ને-એ-દલ, મેરેથોન દોડ અને અન્ય કાર્યક્રમોની શ્રેણી સહિત આવા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડીજીપી દિલબાગ સિંહે વધુમાં જણાવ્યું હતું કે શહેરના યુવાનો રમતગમત અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને તેમની કારકિર્દી તરીકે પસંદ કરી રહ્યા છે તે જોઈને તેઓ ખુશ છે. કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઘાટીમાં સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

(12:31 am IST)