Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નાગપુરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યુ ; રોહિત શર્માની તોફાની ઇનિંગ

8 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે ભારત સામે 91 રનનુ ટાર્ગેટ રાખ્યુ: ટીમ ઇન્ડિયાએ અંતિમ ઓવરમાં છ વિકેટે જીત મેળવી :ભારતે બીજી મેચ જીતી લઈને ટી20 શ્રેણીને 1-1 થી બરાબર કરી : હવે અંતિમ મેચ નિર્ણાયક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. નાગપુરમાં બીજી T20 મેચ શ્રેણીની રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીગ પસંદ કરીને રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. વરસાદી માહોલને લઈ નાગપુરનુ મેદાન ખૂબ જ ભીનુ હતુ અને ભેજ સુકવ્યા બાદ મેચને નિર્ધારીત સમય કરતા લાંબા સમય બાદ શરુ કરી શકાઈ હતી. જોકે મેચની ઓવર ઘટાડીને 8-8 ઓવરની કરી દેવામાં આવી હતી. આમ 8 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે ભારત સામે 91 રનનુ ટાર્ગેટ રાખ્યુ હતુ. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ 8મી ઓવરમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો.

ભારતે 48 બોલમાં ટાર્ગેટને હાંસલ કરવા માટે રન ચેઝ કરવાની પહેલાથી જ નક્કી કરેલી યોજના પ્રમાણે શરુઆત આક્રમક કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર આવ્યા હતા. રોહિત શર્માએ ધમાકેદાર શરુઆત કરતા પ્રથમ ઓવરમાં જ જોસ હેઝલવુડ પર 2 છગ્ગા અને બાદમાં બીજી ઓવરમાં પેટ કમિન્સ પર એક છગ્ગો જમાવી દીધો હતો. આમ 2 ઓવરના નક્કી કરવામાં આવેલા પાવર પ્લેમાં વિના વિકેટે ભારતે 30 રન નોંધાવ્યા હતા.

ભારતીય સુકાની રોહિત શર્માએ જબરદસ્ત તોફાની રમત રમી હતી. તેણે 4 છગ્ગા ફટકાર્યા ત્યાં સુધીમા એક પણ ચોગ્ગો ફટકાર્યો નહોતો. આમ હિટમેન અંદાજમાં શરુઆત કરતા ભારતની શરુઆત સારી રહી હતી. જોકે કેએલ રાહુલ એડમ ઝમ્પાના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. રાહુલ 6 બોલમાં 10 રન નોંધાવીને પરત ફર્યો હતો. જે સમયે ભારતનો સ્કોર 39 રન હતો. રાહુલના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો.

વિરાટ કોહલી 6 બોલમાં 11 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેને એડમ ઝમ્પાએ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. કોહલીએ 2 બાઉન્ડરી ઈનીંગ દરમિયાન ફટકારી હતી. કોહલી બાદ સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો હતો. સૂર્યા ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. સૂર્યકુમાર યાદવ ઝમ્પાના બાલ પર મોટો શોટ રમવા જવાના પ્રયાસમાં પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. આમ ઝમ્પાએ ભારતની ત્રીજી મહત્વની વિકેટ પેવેલિયન મોકલી હતી.

હાર્દિક પંડ્યા ચોથા નંબરે ક્રિઝ પર આવ્યો હતો. સૂર્યા પ્રથમ બોલ પર જ વિકેટ ખોટો શોટ રમવા જતા ગુમાવી દેતા તેના બાદ હાર્દિક આવ્યો હતો. હાર્દિક ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતે 5મી ઓવરમાં 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ભારત માટે લક્ષ્ય સુધી પહોંચવુ મુશ્કેલ નહોતુ. જોકે હાર્દિક પણ લક્ષ્ય સુધી ટીમ પહોંચે એ પહેલા જ પેવેલિયન પરત ફર્યો હતો. તે 4થી વિકેટના રુપમાં આઉટ થયો હતો. હાર્દિકે 9 બોલનો સામનો કરીને 9 રન નોંધાવ્યા હતા.

(11:52 pm IST)