Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

શું ખરેખર દેશવ્‍યાપી મહાગઠબંધન થશે...? લાલુ યાદવ, નીતિશ કુમાર સોનિયા ગાંધીને મળશે

બિહારના સીએમ નીતિશ કુમાર અને પૂર્વ સીએમ લાલુ યાદવ દેશભરમાં વિપક્ષના મહાગઠબંધનને મજબૂત કરવા માટે સોનિયા ગાંધીને મળશે

નવી દિલ્‍હી, તા.૨૩: બિહારમાં મહાગઠબંધનના બે ટોચના નેતાઓ મુખ્‍યમંત્રી નીતિશ કુમાર અને રાષ્‍ટ્રીય જનતા દળના લાલુ યાદવ રવિવારે સાંજે દિલ્‍હીમાં કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીને મળશે. છ વર્ષ બાદ સોનિયા ગાંધી સાથે તેમની -થમ મુલાકાત હશે. સૂત્રોએ જણાવ્‍યું કે બિહારના બંને નેતાઓને આશા હતી કે આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. પરંતુ આ દિવસોમાં રાહુલ ગાંધી કેરળમાં છે, જેઓ કન્‍યાકુમારીથી કાશ્‍મીર સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતળત્‍વ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર અને સોનિયા ગાંધીની છેલ્લી મુલાકાત ૨૦૧૫માં બિહાર ચૂંટણી પહેલા ઈફ્‌તારમાં થઈ હતી. બિહારના મુખ્‍યમંત્રી આ મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધીને તેમની છેલ્લી દિલ્‍હી મુલાકાત દરમિયાન મળ્‍યા હતા. તે સમયે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશમાં હતા.

સૂત્રોનું કહેવું છે કે તે સૌજન્‍ય કોલ હશે. આમાં મહાગઠબંધનને રાષ્‍ટ્રીય સ્‍તરે લઈ જવા સહિતના કેટલાક ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શકયતા છે. બિહારના નેતાઓ, ખાસ કરીને નીતીશ કુમાર ૨૦૨૪ ની રાષ્‍ટ્રીય ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવા માટે કામ કરી રહ્યા છે, તેના દ્વારા તે સંભાવનાની શોધ કરવામાં આવી રહી છે.

આ બેઠક એટલા માટે પણ મહત્‍વની માનવામાં આવી રહી છે કારણ કે કોંગ્રેસ તેના આગામી અધ્‍યક્ષની પસંદગી કરવાની તૈયારી કરી રહી છે. ગુરૂવારથી ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શશિ થરૂર અને રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત આ પદની રેસમાં મુખ્‍ય ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. જો કે, મનીષ તિવારી અને દિગ્‍વિજય સિંહ સહિત ઘણા નેતાઓએ આ પદ માટે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.

આપને જણાવી દઈએ કે, નીતીશ કુમારે તેમની છેલ્લી દિલ્‍હી મુલાકાત દરમિયાન વિપક્ષના મોટા ભાગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ યાદીમાં દિલ્‍હીના મુખ્‍યપ્રધાન અરવિંદ કેજરીવાલ, રાષ્‍ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ડાબેરી નેતાઓનો સમાવેશ થાય છે.

(11:07 am IST)