Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

૨૭ સપ્ટેમ્બરે ભારત બંધનુ એલાનઃ બંધમાં જોડાવા ૧૦૦ જૂથોઃ કોંગ્રેસ, ટીડીપીએ યોજી બેઠક

કેન્દ્ર સરકાર રેલવે સ્ટેશન, રેલવે લાઈન, ટેલિકોમ, તેલ, ગેસ, વીમા, બેન્કો અને એરપોર્ટ વેચી રહી છે

નવી દિલ્હી, તા.૨૩: ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ ના   ભારત બંધને સફળ બનાવવા માટે ડાબેરી પક્ષો, કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) બુધવારે આંધ્ર પ્રદેશની કમ્યુનિસ્ટ પાર્ટી ઈન્ડિયા (સીપીઆઈ) કાર્યાલય પર ભેગા થયા હતાં. આ બેઠક દરમિયાન સીપીઆઈના પ્રદેશ નેતા ડોનેપુડી શંકરે જણાવ્યું હતું કે, 'ખેડૂતો દિલ્હીમાં નવ મહિનાથી આંદોલન કરી રહ્યા છે, તેથી તેમને સમર્થન આપવા માટે આ ભારત બંધ રાખવામાં આવશે.'

તેમણે કેન્દ્રની નીતિઓની નિંદા કરતાં કહ્યું કે, 'કેન્દ્ર સરકારના ત્રણ કાળા કાયદાઓએ ખેડૂતોને કટોકટીમાં ધકેલી દીધા છે. કેન્દ્ર સરકાર રેલવે સ્ટેશન, રેલવે લાઈન, ટેલિકોમ, તેલ, ગેસ, વીમા, બેન્કો અને એરપોર્ટ વેચી રહી છે. વધુમાં, નેતાએ સંકેત આપ્યો કે સરકાર સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરવાની યોજના ધરાવે છે.

કેન્દ્ર ૭૫ લાખ કરોડની સાર્વજનિક સંપત્તિને ફેંકી દેવાના ભાવે વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટનું ખાનગીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ત્યારબાદ તેમણે સામાન્ય લોકો, રાજકીય પક્ષો, સામૂહિક સંગઠનો અને વેપારી સંગઠનોને 'ભારત બંધ'માં ભાગ લેવા હાકલ કરી હતી. રાષ્ટ્રીય રાજકીય પક્ષો, વેપારી સંગઠનો, ખેડૂત સંગઠનો, યુવાનો, શિક્ષકો, મજૂરો અને અન્ય સહિત લગભગ ૧૦૦ સંગઠનો ૨૭ સપ્ટેમ્બરના ભારત બંધમાં જોડાશે, જેને સંયુકત કિસાન મોરચા (એસકેએમ) દ્વારા બોલાવવામાં આવ્યો છે.

અખિલ ભારતીય કિસાન સભાના પ્રમુખ અશોક ધવલેએ જણાવ્યું હતું કે, સોમવારે મુંબઈમાં યોજાયેલી AITUC રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય ડો.ભાલચંદ્ર કાંગોની અધ્યક્ષતામાં તમામ જૂથોની રાજય-સ્તરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લગભગ ૧૦૦ સંસ્થાઓના ૨૦૦ થી વધુ નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

(3:25 pm IST)