Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જીવરાજ પાર્કના બ્લોસમ એપાર્ટમેન્ટમાં દૂર્ઘટના : બાલ્કની વધારવા માટે બાંધકામ વખતે સ્લેબ તૂટ્યો : બે મજૂરના મોત-એકને ઇજા

અંબિકા ટાઉનશીપ અંદર આવેલા જુના એપાર્ટમેન્ટમાં કામ કરતી વખતે બનાવ : બાંધકામ માટે મંજૂરી લેવાઇ હતી કે કેમ? :પ્રશાંત પાંચાણીએ કોન્ટ્રાકટ રાખ્યો હતોઃ એક મહિનાથી કામ ચાલતુ હતું: એક મૃતક રાજુભાઇ સાગઠીયા માયાણી ચોક પાસેના ચામુંડાનગરનો અને બીજો શિવાનંદ (શિવકુમાર) બિહારનો વતનીઃ પરિવારજનોમાં કલ્પાંતઃ ત્રીજો મજૂર સુરજ સારવાર હેઠળ

તસ્વીરમાં જ્યાં દૂર્ઘટના સર્જાઇ તે બ્લોસમ એપાર્ટમેન્ટ અને બાલ્કની સાઇડના તૂટેલા છજા તથા કાટમાળ અને બંને મજૂરના નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: નાના મવા રોડ જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપની અંદર આવેલા જુના એપાર્ટમેન્ટમાં ચારેય માળની બાલ્કની વધારવા માટે બાંધકામ કરવામાં આવી રહ્યું હોઇ તે વખતે દૂર્ઘટના સર્જાઇ હતી. છજા તૂટી પડતાં બે મજૂરને ગંભીર  ઇજા થતાં મોત નિપજ્યા હતાં. જ્યારે એકને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપની અંદર આવેલા બ્લોસમ એપાર્ટમેન્ટમાં ચાર માળની બાલ્કનીની જગ્યા વધારવા માટે કન્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું. આ વખતે  ચોથા માળે કામ ચાલતું હોઇ તેનો બાલ્કનીનો સ્લેબ તૂટી પડતાં ત્રણ મજૂરોને ગંભીર ઇજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ બે મજૂરના મોત નિપજ્યા હતાં. એકને દાખલ કરવામાં આવ્યો હતો.

આ દૂર્ઘટનામાં માયાણી ચોક ચામુંડા નગર-૪માં રહેતા રાજુભાઇ ખુશાલભાઇ સાગઠીયા (વણકર) (ઉ.વ.૩૫) અને મુળ બિહારના શિવકુમાર ઉર્ફ શિવાનંદ (ઉ.વ.૨૪)ના મોત નિપજ્યા હતાં. જ્યારે ત્રીજા મજૂર બિહારના સૂરજ શહેજારી રામ (ઉ.વ.૨૪)ને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ ડી. વી. ખાંભલા અને પૃથ્વીરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.  ઘટનામાં ૧૦૮ની બે ગાડીના ઇએમટી નિલેષભાઇ ગોહેલ, પાઇલોટ જયદિપભાઇ તથા ઇએમટી ઋતુબેન અને પાઇલોટ સત્યરાજસિંહ પહોંચ્યા હતાં અને ઘાયલોને તુરત હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ બે મજૂરનો જીવ બચી શકયો નહોતો.

જાણવા મળ્યા મુજબ ચાર માળનું બ્લોસમ એપાર્ટમેન્ટ કે જે અગાઉથી બનેલુ છે અને તેમાં લોકો પણ રહે છે તે એપાર્ટમેન્ટના ચારેય માળની બાલ્કનીમાં જગ્યા વધારવા માટેનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ બાંધકામનો કોન્ટ્રાકટ પ્રશાંતભાઇ પાંચાણીએ રાખ્યો હતો. એકાદ માસથી આ કામ ચાલી રહ્યું હતું. ત્યારે આજે ચોથા માળે છજાના ત્રાપાટેકા ખોલતી વખતે જીવલેણ દૂર્ઘટના સર્જાઇ હતી. આ બાંધકામ માટે મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? તે અંગે ચર્ચા જાગી છે.

મૃત્યુ પામનાર રાજુભાઇ સાગઠીયા બે બહેન અને ત્રણ ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જ્યારે શિવાનંદ મુળ બિહારનો વતની હતો. તે મવડી ચોકડી પાસેથી રિક્ષામાં બેસી મજૂરીએ આવતો હતો. તે કયાં રહેતો હતો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:51 pm IST)