Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વાયુ પ્રદુષણથી વિશ્વમાં દર વર્ષે ૭૦ લાખના મોત

વાયુ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો : WHOની ચેતવણી : WHOએ પ્રદુષણ માટે જવાબદાર ૬ મુખ્ય કણોને લઇને સંશોધિત ગાઇડલાઇન્સ જારી કરી

નવી દિલ્હી તા. ૨૩ : સ્વચ્છ હવા એ દરેક વ્યકિતનો મૌલિક અધિકાર છે તો હવાને સ્વચ્છ રાખવી એ મૌલિક ફરજ પણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટમાં કહેવાયું છે કે વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે વિશ્વમાં લગભગ ૭૦ લાખ લોકોના મોત થઇ રહ્યા છે અને તેને રોકવા માટે વધુ કડક ગાઇડલાઇન્સ બનાવીને તેનો અમલ કરાવવો જરૂરી છે. આના માટે ખાસ તો આપણે એવા ઉદ્યોગો વિકસીત કરવાની જરૂર છે જે પ્રદૂષણ માટે જવાબદાર કણોના ઉત્સર્જનને રોકી શકે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રદૂષણ માટે જવાબદાર છ મુખ્ય કણો અંગે સુધારેલ ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે. જેમાં ખાસ તો પીએમ ૨.૫ અને પીએમ ૧૦ બાબતે ગાઇડલાઇનને વધુ કડક બનાવવાની ભલામણ કરાઇ છે. જો ભારતની વાત કરીએ તો ૨૦૦૯માં તેણે એર કવોલિટી ઇન્ડેક્ષ પર કામ કર્યું હતું અને અત્યારે સુધારેલી ગાઇડલાઇન્સ પર કામ થઇ રહ્યું છે જે આવતા વર્ષે બહાર પડી શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે, પીએમ ૨.૫, પીએમ ૧૦, ઓઝોન, સલ્ફર ડાયોકસાઇડ, નાઇટ્રોજન ડાયોકસાઇડ અને કાર્બન મોનોકસાઇડ આ ૬ કણો હવાને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે અને તેની ઝપટમાં આવવાથી દર વર્ષે ૭૦ લાખ લોકોના મોત થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ ટેડ્રોસ અધનામ ગ્રેબીયસસે કહ્યું કે, હું વૈશ્વિક સમુદાય અને સરકારોને અપીલ કરૃં છું કે, આ પ્રદૂષક તત્વોના ઉત્સર્જન માટે જે ગાઇડલાઇન્સ બનાવાઇ છે તેનું પાલન કરે. જો આવું નહીં કરાય તો માનવજાતિ પર ખતરો આવી જશે. હુ નું કહેવું છે કે વાયુ પ્રદૂષણના કારણે થતા મોતમાંથી ૮૦ ટકા માટે પીએમ ૨.૫ જવાબદાર છે.

(11:03 am IST)