Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

એક-બે નહિ પણ ચાર-ચાર યુવકો સાથે ઘરેથી ભાગી યુવતીઃ ચિઠ્ઠી ઉપાડીને કરાયો લગ્નનો નિર્ણય

લખનૌ,તા. ૨૩: યુપીના આંબેડકરનગરમાંથી આજે એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિસ્તારમા એક છોકરીના લગ્ન માટે વરરાજાની પસંદગી કરવા પંચાયત બેસાડવામાં આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ યુવતી માટે વરરાજાની પસંદગી ચિઠ્ઠી ઉપાડીને કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ છોકરી એક નહીં પણ ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. આ છોકરીને પોતે પણ ખબર નહોતી કે, તેને ખરેખર કયો છોકરો વધુ ગમે છે અને તે કોની સાથે લગ્ન કરવા માંગે છે.

આ કેસ કોટવાલી ટાંડાના અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. હકીકતમા પાંચ દિવસ પહેલા ચાર છોકરાઓ એક છોકરીને તેના ઘરથી દૂર ભગાડીને લઈ ગયા હતા અને બધાએ થોડા-થોડા દિવસો માટે પોતાના સંબંધીઓના ઘરે આ યુવતીને છુપાવીને રાખી હતી પરંતુ, આ ચારેય તપાસ દરમિયાન ફંસાઈ ગયા હતા. યુવતીના મળ્યા બાદ પરિવારના સભ્યો આ ચારેય છોકરાઓની સામે કેસ દાખલ કરવા જઈ રહયા હતા પરંતુ, ત્યારે જ પંચાયતે આ મામલો હાથમાં લીધો. જયારે પંચાયતમાં પૂછવામાં આવ્યું કે, તે કોની સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે તે કોઈ સચોટ નિર્ણય ના લઇ શકી.

મીડિયા તરફથી મળતા અહેવાલ મુજબ આ કેસનો વળાંક તો ત્યારે આવ્યો છે જયારે ચારમાંથી કોઈપણ યુવતી સાથે લગ્ન કરવા સંમત થયા ન હતા. કોઈ છોકરો તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. ત્યારબાદ પંચાયતે ચુકાદા સુધી પહોંચવા માટે અનેક પ્રકારની વાટાઘાટો કરી હતી તેમજ વાટાઘાટોના અંતે એક અનોખી યુકિત પણ રજૂ કરી હતી. આ ચારેય યુવકના નામ એક-એક ચીઠ્ઠી પર લખવામાં આવ્યા અને એ ચીઠ્ઠીઓ ભેગી કરીને તેમાંથી એક ચીઠ્ઠી પસંદ કરવા કહ્યું. આ ચીઠ્ઠીમાંથી જે પણ યુવકનું નામ નીકળે તે યુવક સાથે યુવતીના લગ્ન થશે તેવો નિર્ણય લેવાયો. 

(9:52 am IST)