Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

૨૫ કરોડના ડ્રગ્સ સાથે વિદેશી માતા-પુત્રીની ધરપકડ

ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમનું ઓપરેશન : મહિલા-પુત્રી ભારતમાં કેન્સરની સારવાર કરાવવા માટે જોહનિસબર્ગથી કતારના દોહા થઈને મુંબઈ આવ્યા હતા

મુંબઈ, તા.૨૨ :  દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ એરપોર્ટના કસ્ટમ વિભાગે ૨ વિદેશી નાગરિકો પાસેથી જપ્ત કર્યુ છે. જેની કિંમત ૨૫ કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. ધરપકડ કરાયેલા બંને વિદેશી નાગરિક સંબંધમાં મા અને પુત્રી છે.  માતા અને પુત્રીની આ જોડી વિદેશી પર્યટક બનીને મુંબઈ આવી હતી. ધરપકડ બાદ મહિલાએ જણાવ્યુ છે કે તે અને તેમની પુત્રી ભારતમાં કેન્સરની સારવાર કરાવવા માટે સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગથી કતારના દોહા થતા મુંબઈ આવી છે. માતા અને પુત્રીએ સૂટકેસની અંદર ખાસ કેવિટી બનાવીને લગભગ ૫ કિલો હેરોઈનને છુપાવ્યુ હતુ. કાળા રંગના પેકેટમાં ડ્રગ્સને ઘણી જ સાવધાનીથી છુપાવ્યુ હતુ.

            જે બાદ મુંબઈ એરપોર્ટના સરહદ કર વિભાગે એનડીપીએસ અધિનિયમ હેઠળ ૪.૯૫૩ કિલોગ્રામ હેરોઈનની તસ્કરી કરવાના પ્રયત્નમાં બંનેની ધરપકડ કરી લીધી. કસ્ટમ સૂત્રો અનુસાર આ માતા-પુત્રીને ડ્રગ્સ તસ્કરી કરવા માટે ડ્રગ માફિયા રેકેટ દ્વારા લાલચ આપવામાં આવી હતી, જ્યાં તેમને એક યાત્રા માટે ૫૦૦૦ અમેરિકી ડોલર આપવાનુ વચન આપવામાં આવ્યુ હતુ.  બંને મુસાફરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડી કરી છે. મુંબઈ સીમા શુલ્ક અધિકારી હવે આ મામલે તપાસમાં લાગેલા છે. કસ્ટમ ઈન્ટેલિજન્સ વિંગે હવે આ વાતની જાણકારી મેળવી છે કે ભારતમાં ડ્રગ્સની આ ખેપ કેવી રીતે પહોંચાડવામાં આવી હતી અને ક્યારથી આ ડ્રગ્સની હેરાફેરી ચાલી રહી છે? સાથે જ આ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ જાણકારી મેળવાઈ રહી છે.

(12:00 am IST)