Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ગ્લોબલ કોવીડ -19 સમિટ : પીએમ મોદીએ કહ્યું વિશ્વ ભારતની સાથે એક પરિવારની જેમ ઊભું રહ્યું

ભારતમાં જેવું કોવિડ -19 રસીનું ઉત્પાદન વધશે, અમે અન્ય દેશોમાં પણ રસીના પુરવઠાને પહોંચાડી શકીશું.

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આયોજિત કોવિડ -19 સમિટમાં સંબોધન કર્યુ હતું. તેમણે સંબોધનમાં બીજી લહેર દરમિયાન ભારતને આપવામાં આવેલા સમર્થન અને એકજુટતા માટે વિશ્વનો આભાર માન્યો હતો. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે 20 કરોડથી વધુ ભારતીયોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. ભારતમાં જેવું કોવિડ -19 રસીનું ઉત્પાદન વધશે, અમે અન્ય દેશોમાં પણ રસીના પુરવઠાને પહોંચાડી શકીશું. વડાપ્રધાને કહ્યું કે ભારતે હંમેશા માનવતાને એક પરિવાર તરીકે જોઈ છે. કોરોના સામેના યુદ્ધને લઈને દેશે સમયસર કોસ્ટ ઈફેક્ટીવ ડાયગ્નોસ્ટિક કીટ, દવાઓ, તબીબી સાધનો અને પીપીઈ કીટનું ઉત્પાદન કર્યું. અમે ઘણા વિકાસશીલ દેશોને પણ તેની સપ્લાય કરી રહ્યા છીએ.

 

પીએમ મોદીએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન ભારતે 150થી વધુ દેશોની મદદ કરી અને તેમના સુધી જરૂરી દવાઓ પહોંચાડી. તેમણે કહ્યું કે સંક્રમણ હજુ ખતમ નથી થયુ. વિશ્વની મોટાભાગની વસ્તીને હજુ સુધી પણ રસી વેકસીનેટેડ નથી. તેથી અમેરિકી રાષ્ટ્રપતી જો બાઈડેન દ્વારા સમયસર શરૂ કરવામાં આવેલી આ પહેલ આવકાર્ય છે.

કોરોના રસી પર પીએમ મોદીએ કહ્યું કે મહામારી સામે આ વર્ષની શરૂઆતમાં અમે રસીનું ઉત્પાદન શરૂ કર્યું. આ વર્ષની શરૂઆતમાં અમે અમારી રસી 95 દેશો સહિત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની સાથે પણ વહેંચી હતી. જ્યારે અમે બીજી લહેરના ભયંકર પ્રકોપમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે વિશ્વ એક પરિવાર તરીકે ભારતની સાથે ઉભું હતું. આ સહયોગ અને એકતા માટે આપ સૌનો આભાર.

પીએમ મોદીએ કહ્યું કે અમે ભારતમાં રસીનું ઉત્પાદન ઝડપથી વધારી રહ્યા છીએ. જેથી અન્ય દેશોને ફરીથી રસી સપ્લાય કરી શકાય. જોકે, આ માટે કાચા માલની સપ્લાય ચેઈન ખુલ્લી રાખવી પડશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. તાજેતરમાં દેશમાં એક દિવસમાં 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી.

(11:54 pm IST)