Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભારતે સતત આર્થિક વિકાસ માટે સ્વાસ્થ્ય અને માળખાકીય સુવિધાઓમાં રોકાણની તાતી જરુર: RBI ગવર્નરની સલાહ

સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ, નવીનીકરણ, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને વેગ આપવાની જરૂર

નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મહામારી પછી સતત આર્થિક વૃદ્ધિ માટે સ્વાસ્થ્ય સુવિધાઓ અને માળખાકીય ક્ષેત્રોમાં રોકાણ તથા શ્રમ અને ઉત્પાદન બજારોમાં સુધારાઓ આગળ વધારવાની જરૂર છે. AIMA નેશનલ મેનેજમેન્ટ કોન્ફરન્સને સંબોધતા દાસે સતત વૃદ્ધિ અને રોજગારના અવસરોનું સર્જન કરવા માટે સ્વાસ્થ્ય શિક્ષણ, ડીજીટલ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓમાં રોકાણ વધારવાની હિમાયત કરી હતી.

તેમણે કહ્યું કે કોવિડ -19 મહામારીએ ઉભરતા અને વિકાસશીલ દેશોમાં સૌથી વધુ ગરીબ અને વંચિત વર્ગને અસર કરી છે. દાસે કહ્યું "આપણો પ્રયત્ન મહામારી પછી રહેવા યોગ્ય અને ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ. આવનારા સમયમાં ખાનગી વપરાશને ટકાઉ રીતે ટ્રેક પર લાવવો મહત્વપૂર્ણ રહેશે. તે ઐતિહાસિક રીતે સમગ્ર માંગનો મુખ્ય આધાર રહ્યો છે.”

RBIના ગવર્નરના જણાવ્યા મુજબ વધુ મહત્ત્વની વાત એ છે કે સતત વૃદ્ધિ મધ્યમ ગાળાના રોકાણો, મજબૂત નાણાકીય વ્યવસ્થા અને માળખાકીય સુધારાઓ દ્વારા આગળ વધવી જોઈએ.

 

તેમણે કહ્યું કે આ હેતુ માટે સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ, નવીનીકરણ, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને વેગ આપવાની જરૂર છે. આપણે સ્પર્ધા અને ગતિશીલતાને પ્રોત્સાહન આપવા અને રોગચાળા દ્વારા સર્જાયેલી તકોનો લાભ લેવા માટે શ્રમ અને ઉત્પાદન બજારોમાં સુધારો કરવાનું ચાલુ રાખવું જોઈએ.

(12:00 am IST)