Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

૩D પ્રિન્ટેડ ઇમ્પ્લાન્ટ્સથી મગજને કમ્પ્યુટર્સ સાથે જોડ્યું

ત્રણ અગ્રણી વૈશ્વિક યુનિવર્સિટીની ટીમની સિધ્ધિ : નવા વિકસાવવામાં આવેલા ન્યૂરલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરોડરજ્જુની ઇજા ધરાવતા પ્રાણી પર પ્રયોગ માટે કરાયો

લંડન, તા. ૨૩: માનવીના મગજને કમ્પ્યુટર સાથે જોડવાનું કામ સામાન્ય રીતે કાલ્પનિક વૈજ્ઞાનિક ફિલ્મોમાં જોવા મળે છે. જોકે, ત્રણ અગ્રણી વૈશ્વિક યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય એન્જિનિયર્સ અને ન્યૂરોસાયન્ટિસ્ટ્સની એક ટીમે ટેક્નોલોજીમાં એક ડગલું આગળ વધીને ૩ડ્ઢ પ્રિન્ટિંગની ક્ષમતાનો નવતર ઉપયોગ કર્યો છે. નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ બ્રિટનની શેફિલ્ડ, રશિયાની સેન્ટ પિટર્સબર્ગ અને જર્મનીની ટેક્નિશ યુનિવર્સિટીની સંયુક્ત ટીમે ન્યૂરલ ઇમ્પ્લાન્ટની એક પ્રોટોટાઇપ બનાવી છે. જેનો ઉપયોગ નર્વસ સિસ્ટમ અથવા ચેતાતંત્રની સમસ્યાઓ માટે સારવાર શોધવામાં થઈ શકશે. પ્રોફેસર ઇવાન મિનેવ (ડિપાર્ટમેન્ટ ઓફ ઓટોમેટિક કંટ્રોલ એન્ડ સિસ્ટમ્સ એન્જિનિયરિંગ, શેફિલ્ડ)ની આગેવાની હેઠળની રિસર્ચ ટીમના જણાવ્યા અનુસાર નવા વિકસાવાયેલા ન્યૂરલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરોડરજ્જુની ઇજા ધરાવતા પ્રાણી પર પ્રયોગ માટે કરાયો છે.

             હવે તેની મદદથી લકવાગ્રસ્ત લોકો માટે નવી સારવાર વિકસાવી શકાશે. અભ્યાસમાં કોન્સેપ્ટ ટેક્નોલોજીનો પુરાવો દર્શાવાયો છે અને ઇમ્પ્લાન્ટ મગજ, કરોડ રજ્જુ, આસપાસના જ્ઞાનતંતુ અને મસલ્સ સાથે યોગ્ય રીતે બંધ બેસે છે. એટલે મગજ અને જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલા રોગોની સારવારમાં નવી સંભાવના ખુલી શકે. વિશ્વભરમાં સાયન્સ, ટેક્નોલોજી અને તબીબી ક્ષેત્રના ઘણા નિષ્ણાતો મનુષ્યના મગજને કમ્પ્યુટર સાથે જોડવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. જોકે, મોટા ખર્ચ અને પ્રોટોટાઇપ વિકસાવવાની પ્રક્રિયામાં લાગતા લાંબા સમયને કારણે આ ક્ષેત્રમાં ઇનોવેશન સામે અવરોધ ઊભા થતા હતા. જોકે, તાજેતરના અભ્યાસને લીધે બાયોલોજી અને ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપયોગની મદદથી ચેતાતંત્રને લગતી ઇજાઓની સારવાર માટે નવી આશા જન્મી છે.

(10:15 pm IST)