Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોનાને કારણે નવરાત્રિ દરમ્યાન ૧૩ થી ૨૫ ઓક્ટોબર સુધી કચ્છમાં માતાના મઢ આશાપુરા માતાજીનું મંદિર બંધ રહેશે: દયાપર મધ્યે સયુંંક્ત બેઠકમાં નિર્ણય: સેવાકેમ્પ બંધ રાખવા અને પદયાત્રીઓને પણ પગપાળા ન નીકળવા અપીલ: કાલે જાહેરનામું

(વિનોદ ગાલા,ભુજ) કચ્છ જિલ્લામાં કોરોના મહામારીની વધતી અસર નવરાત્રિની ધાર્મિક ઉજવણી પર પણ પડી છે. આજે દયાપર મધ્યે નખત્રાણા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની ઉપસ્થિતિમા બેઠક મળી હતી. જેમાં માતાના મઢ ટ્રસ્ટના પ્રવિણસિંહ વાઢેર, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર અનિલ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી મયુર બાલોટીયા અને અન્ય આગેવાનોની હાજરીમા માતાના મઢનું મંદિર કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને નવરાત્રિ દરમ્યાન દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ સંદર્ભે ડેપ્યુટી કલેક્ટર પ્રવિણસિંહ જેતાવતે 'અકિલા' સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમ્યાન અહી ૫ થી ૭ લાખ જેટલા દર્શનાર્થીઓ આવતા હોઈ, કોરોના સંદર્ભે લોકોના આરોગ્યની સલામતી અને સાવચેતી માટે સર્વાનુમતે નિર્ણય કરાયો છે. તે મુજબ તા/૧૩/૧૦/૨૦ થી તા/૨૫/૧૦/૨૦ સુધી માતાના મઢનું મંદિર તમામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિર માત્ર પુજન અર્ચન વિધિ પુરતું જ ખુલ્લું રહેશે. મા આશાપુરાના દર્શને માતાના મઢ આવતા તમામ દર્શનાર્થીઓ તેમ જ પદયાત્રીઓને પણ મંદિર બંધ હોઈ તા/૧૩/૧૦ થી ૨૫/૧૦ દરમ્યાન દર્શને નહી આવવા, પદયાત્રા મોકુફ રાખવા, તેમ જ પદયાત્રીઓ માટેના તમામ સેવાકેમ્પ પણ બંધ રાખવા જાહેર અપીલ કરાઇ છે. આ અંગે કોવિડ ઍપેડેમીક એક્ટ હેઠળ આવતી કાલે વહિવટી તંત્ર દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડવામા આવશે એવું ડેપ્યુટી કલેક્ટર પ્રવિણસિંહ જેતાવતે 'અકિલા'ને જણાવ્યું હતું.

(4:52 pm IST)