Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પાંચને બદલે એક વર્ષે ગ્રેચ્યુઇટી : મજુરોને ન્યુનત્તમ મજુરી

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પાસ થયા ત્રણ લેબર બિલ : સરકારે કહ્યું... હવે શ્રમિકોને મળશે ન્યાય : સંગઠિત તથા અસંગઠિત ક્ષેત્ર બંનેના શ્રમિકોને ફાયદો : નિમણુક પત્ર મળશે : હેલ્થ ચેકઅપ સહિતની અનેક સુવિધાઓ મળશે

નવી દિલ્હી તા. ૨૩ : નવા શ્રમ બિલને આજે રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યો. નવા શ્રમ કાયદાથી દેશના સંગઠિત તેમજ અસંગઠિત બંને પ્રકારના શ્રમિકોને અનેક પ્રકારની સુવિધાઓ મળશે. દરેક શ્રમિકોને નિયુકિત પત્ર આપવું ફરજીયાત હશે. બીજી બાજુ ઉદ્યમીઓના કારોબારને સરળ બનાવા માટે અનેક જોગવાઇ કરવામાં આવી છે.

શ્રમમંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, વર્તમાન કાયદામાં અકસ્માત થવાની સ્થિતિમાં દંડની રકમ સંપૂર્ણ રીતે સરકારના ખાતામાં આવતી હતી પરંતુ હવે નવા કાયદામાં દંડની રકમના ૫૦ ટકા પીડિતને મળશે.

હવે જે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા ૩૦૦થી ઓછી છે, તે સરકારની મંજૂરી લીધા વગર જ કર્મચારીઓની છટણી કરી શકશે. અત્યાર સુધીમાં આ જોગવાઇ ફકત તે જ કંપનીઓ માટે હતી. જેમાં ૧૦૦થી ઓછા કર્મચારી હોય હવે નવા બીલમાં આ સમયમર્યાદાને વધારવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન બિલ-૨૦૨૦માં કોઇ પણ સંગઠનમાં કામ કરતા કોઇ પણ કારીગર ૬૦ દિવસ પહેલા નોટીસ વગર હડતાલ પર જઇ શકશે નહિ. સોશ્યલ સિકયોરિટી બિલ-૨૦૨૦ની નવી જોગવાઇમાં જણાવાયું છે કે જે લોકોને ફિકસ્ડ ટર્મ બેસિસ પર નોકરી મળશે. તેમને તેટલા દિવસના આધારે ગ્રેચ્યુટી મેળવાનો હક હશે તેના માટે પાંચ પૂર્ણ થવાની જરૂર નથી. જો સરળ શબ્દોમાં કહીએ તો કોન્ટ્રાકટ બેસિસ પર કામ કરતા લોકોને તેના વેતનની સાથે સાથે હવે ગ્રેચ્યુઇટીનો લાભ પણ મળશે તે કોન્ટ્રાકટ ગમે તેટલા દિવસનો હોય.

જો કર્મચારી નોકરીની કેટલીક શરતોને પૂરી કરે છે તો ગ્રેચ્યુઇટીની ચુકવણી એક નિર્ધારીત ફોર્મ્યુલા હેઠળ ગેરંટી તરીકે તેને આપવામાં આવશે. ગ્રેચ્યુઇટીનો નાનો ભાગ કર્મચારીની સેલેરીથી કપાય છે પરંતુ મોટો ભાગ કંપની તરફથી અપાય છે. હાલની વ્યવસ્થા મુજબ કોઇ વ્યકિત એક કંપનીમાં ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી કામ કરે છે તો તે ગ્રેચ્યુઇટીના હકદાર હોય છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગૃહમાં કહ્યું કે મજુર ૭૨ વર્ષથી ન્યાયની લડાઇ લડી રહ્યા હતા. મોદી સરકારે તેને ન્યાય આપવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે બિલના ફાયદા ગણાવ્યા. તેઓએ કહ્યું કે દરેક મજુરોને ન્યુનત્તમ મજુરી મળશે, સમયસર પગાર મળશે, પુરૂષ અને મહિલા મજુરોને સમાન પગાર મળશે, નિયુકિત પત્ર મળશે, દરેક મજુરોનું ફ્રી ચેકઅપ કરવામાં આવશે. નોકરી જવા પર ત્રણ મહીના સુધી અડધી સેલેરી મળશે. પ્રવાસી મજુરને દર વર્ષે એકવાર ઘરે જવા માટે પ્રવાસ ભથ્થુ મળશે તે માલિકે આપવું પડશે. પ્રવાસી મજુર જ્યાં કામ કરશે ત્યાં તેને રાશન મળશે. મહિલા મજુરને રાતમાં કામ કરવાની મંજુરી મળશે પરંતુ તેની સુરક્ષાની જવાબદારી રોજગાર આપનારની હશે.

(3:34 pm IST)