Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

GST રીટર્ન અપલોડ કરવા ઓટીપી જનરેટ નહીં થતાં વેપારીઓ પરેશાન

કલાકો સુધી મોબાઇલ નંબર પર ઓટીપી જ આવતા નથીઃ જીએસટી વાર્ષિક રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર

મુંબઇ, તા.૨૩: જીએસટી વાર્ષિક રીટર્ન અપલોડ કરવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રીટર્ન ભરવાની કાર્યવાહી કરવા માટે ઓટીપી જ વેપારીઓના મોબાઇલ નંબર પર આવતા નહીં હોવાના લીધે રીટર્ન ફાઇલ કરી શકતા નથી. તેના કારણે તેઓની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે.

જીએસટી વાર્ષિક રીટર્ન ૩૦ સપ્ટેમ્બર પહેલા ભરી દેવાની છેલ્લી તારીખ નકકી કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી સર્વરની સમસ્યાને કારણે વેપારીઓને વાર્ષિક રીટર્ન ભરવામાં સમસ્યા વેઠવી પડી રહી છે. કારણ કે રીટર્ન ભર્યા બાદ તેને અપલોડ કરતા પહેલા ઓટીપી વેપારીના રજીસ્ટર મોબાઇલ નંબર પર જ જીએસટીએન વેબસાઇટ મારફતે મોકલવામાં આવતો હોય છે. પરંતુ સર્વરની સમસ્યાને કારણે કલાકો સુધી વેપારીઓના મોબાઇલ નંબર ઓટીપી જ આવતા નથી તેના કારણે વેપારીઓ રીટર્ન ભરી શકતા નથી. આ કારણોસર જ જીએસટી વાર્ષિક રીટર્નની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

રીટર્ન ભરવા માટે કલાકો સુધી રાહ જોવાની સ્થિતિ

છેલ્લા ત્રણથી ચાર દિવસથી સર્વર પર રીટર્ન અપલોડ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો રાહ જોવાની સ્થિતિ ઉભી થાય છે. કારણ કે વેપારીઓના મોબાઇલ નંબર પર ઓટીપી જ આવતા નથી જયાં સુધી ઓટીપી નહી આવે ત્યાં સુધી રીટર્ન અપલોડ થતા નથી તેના લીધે જીએસટી વાર્ષિક રીટર્ન ભરવામાં સમસ્યા ઉભી થઇ રહી છે. આજ કારણોસર જીએસટી વાર્ષિક રીટર્નની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

રીટર્ન  ભરવાના છેલ્લા દિવસોમાં સર્વરની સમસ્યા યથાવત

જીએસટી વાર્ષિક રીટર્ન હોય કે પછી દર મહિનાની ૨૦ તારીખે ભરવામાં આવતા ૩બી રીટર્ન હોય આ તમામ રીટર્ન ભરવાની છેલ્લી તારીખોમાં સર્વરની સમસ્યા યથાવત જ રહેતી હોયછે જુલાઇ ૨૦૧૭થી જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ અનેક સુધારા જીએસટીના કાયદામાં કરવામાં આવ્યા છે. પરંતુ સર્વરની સમસ્યા ઉકેલવામાં આવી નથી. તેના કારણે વેપારીઓએ છેલ્લા દિવસોમાં રીટર્ન ભરવામાં સમસ્યા સર્જાતી હોય છે. તેમજ આજ કારણોસર વેપારીઓએ દંડ પણ ભરવાની સ્થિતી ઉભી થાય છે.

(11:25 am IST)