Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

૧ નવેમ્બરથી યુનિવર્સિટીઓ, કોલેજોમાં ફર્સ્ટયરના કલાસ ફરી શરૂ

નવી દિલ્હી તા. ર૩ : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યૂજીસી) એ વર્ષ ર૦ર૦-ર૧ ના સત્ર માટેના સુધારિત શૈક્ષણિક કેલેન્ડરને મંજુરી આપી દીધી છે. એ સાથે જ આવતી ૧ નવેમ્બરથી ફર્સ્ટ યર અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓના વર્ગો ફરી શરૂ કરવામાં આવશે.

ધારો કે એડમિશન માટેની કવોલિફાઇંગ પરીક્ષાઓના પરિણામની જાહેરાતમાં વિલંબ થાય તો યુનિવર્સિટીઓ ૧૮ નવેમ્બર સુધીમાં શૈક્ષણિક સત્ર શરૂ કરી શકશે, એમ યૂજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું પણ છે કે શિક્ષણની પ્રક્રિયા ઓફલાઇન/ઓનલાઇન/બ્લેન્ડેડ માધ્યમમાં પણ ચાલુ રાખી શકાશે. દેશમાં ઉચ્ચ શિક્ષણ માટેની રેગ્યૂલેટર સંસ્થા, યૂજીસીએ લીધેલા આ નિર્ણય અનુસાર, તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોએ એડમીશનની પ્રક્રિયા ૩૧ ઓકટોબર સુધીમાં પુરી કરવાની રહેશે. તેઓ બાકીની ખાલી સીટ ૩૦ નવેમ્બર સુધીમાં ભરી શકશે.

કોરોના વાયરસ મહાબીમારીને ધ્યાનમાં રાખીને શૈક્ષણીક કેલેન્ડર નકકી કરવા માટે રચવામાં આવેલી એક સમિતિએ કરેલી ભલામણો-માર્ગદર્શિકાઓનો યૂજીસીએ સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, યૂજીસીએ સમિતિના રિપોર્ટનો સ્વીકાર કરી લીધી છે.

પોખરિયાલે કહ્યું છે કે કોરોના લોકડાઉન અને તે સંબંધિત સમસ્યાઓને કારણે માતા-પિતા/વાલીઓને પડેલી આર્થિક મૂશ્કેલીને ધ્યાનમાં રાખીને આ સત્ર માટે ૩૦ નવેમ્બર-ર૦ર૦ સુધી લેવામાં આવેલા એડમિશન્સને રદ કરવા માટે કે માઇગ્રેશનની સ્થિતિમાં આવેલા ફર્સ્ટ યર કોલેજના વિદ્યાર્થીઓને ફ્રી પુરેપુરી રીફંડ કરવામાં આવશે.

(10:00 am IST)