Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? તેનાં પર સંશોધન થયું

સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાની ઉપરના પડમાં રહેલી કોશિકાઓના બંધનને નબળાં બનાવે છે, તેનાથી કોશિકાઓ તૂટે છે

વોશિંગ્ટન તા.૨૩: સૂરજનાં તેજ કિરણોના સંપર્કમાં આવતાં આપણી ત્વચામાં ઘણા પ્રકારના પ્રભાવ પડે છે. આપણી ત્વચા લાલ અને કાળી થાય છે તેમજ ડ્રાય પણ થઇ જાય છે. સુર્યનાં કિરણોની ઝપટમાં આવવાથી ત્વચાનું કેન્સર  થવાનો ખતરો રહે છે. વિજ્ઞાનીએ હવે તે પ્રક્રિયા અંગે જણાવ્યું છે કે કેવી રીતે સૂર્ય દ્વારા ઉત્સર્જિત અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. આ અભ્યાસ મિકેનિકલ બિહેવિયર ઓફ બાયોમટિરિયલ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે.

બિંગહેમ્પ્ટન યુનિવર્સિટીમા બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા જેચરી ડબ્લ્યુ ડિલપસ્કીએ નવા અભ્યાસમાં જણાવ્યું કે સુર્ય કેવી રીતે આપણી ત્વચાને નૂકશાન પહોંચાડે છે અને આપણી ત્વચા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો શા માટે સૌથી ખરાબ છે? આસિ.પ્રોફેસર કે.જર્મનના નેતૃત્વમાં આ અભ્યાસને અંજામ અપાયો હતો.અલ્ટ્રાવાયોલેટ કિરણોને માનવ આંખ જોઇ શકતી નથી. તેને ફોટાનની ઊર્જા અને તરંગ લંબાઇના આધાર પર ચાર શ્રેણીમાં વિભાજિત કરાય છે. અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું કે પ્રત્યેક પ્રકારના અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી ત્વચાને કેન્સર થાય છે, પરંતુ વાસ્તવમાં તે કેવી રીતે માનવ ત્વચાને નુકસાન પહોંચાડે છે તેના પર કદી ધ્યાન અપાયું નથી.

કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીના સંશોધકો વર્ષોથી એ વાત પર ચર્ચા કરતા આવ્યા છે કે યુવીબીની તુલનામાં યુવી-એ વધુ નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર કરચલી પડે છે અને ત્વચાના ઉતુકોમાં પરિવર્તન આવે છે, જયારે વર્તમાનમાં કરેલા અભ્યાસમાં સંશોધકોએ જાણ્યું કે કોઇ પણ યુવી વિકિરણ એકબીજા કરતાં થોડા કે વધુ હાનિકારક હોતા નથી. નુકસાન યુવી ઊર્જાની એ માત્રાથી થાય છે જે ત્વચાને અવશોષિત કરે છે. જેટલી વધુ ઊર્જાના વિકિરણો ત્વચાને અવશોષિત કરે છે એટલું વધુ નુકશાન પહોંચે છે. ઓછા વિકિરણો માત્ર ઉપરની સપાટીને નુકસાન પહોંચાડે છે, પરંતુ વધુ વિકિરણ અંદર સુધી અસર કરે છે.

(4:08 pm IST)