Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જયપુરમાં ૪ પગ અને ૩ હાથવાળી બાળકી જન્મી

જયારે માના પેટમાં એક કરતાં વધુ બાળકો આકાર લઈ રહ્યા હોય ત્યારે એનો સંપૂર્ણ અને સ્વસ્થ વિકાસ થાય એ બહુ ક્રિટિકલ બાબત છે, જોકે એવા સમયે ભ્રૂણ અવસ્થામાં જ કંઈક ગરબડ થઈ જાય તો બે બાળકો શરીરથી બરાબર જુદાં થઈ શકતાં નથી. જયપુરમાં રહેતાં ૨૪ વર્ષનાં રાજુબહેને કુદરતી ડિલિવરી દ્વારા શુક્રવારે ટુવિન બાળકોને જન્મ આપ્યો ત્યારે સૌપ્રથમ બાળકને જોઈને ડોકટરો પણ અચંબિત થઈ ગયા હતા. સૌથી પહેલી વાત તો. એ હતી કે રાજુબહેનને પોતાને ખબર નહોતી કે તેમના પેટમાં ટ્રિપ્લેટ્સ ઊછરી રહ્યાં છે. જયારે પહેલું બાળક અવતર્યું ત્યારે તેની છાતી પાસેથી વધારાના બે પગ અને એક હાથ જેવો ભાગ ઉપસેલો હતો. મતલબ કે એક બાળકના શરીર પર બીજું અવિકસિત બાળક ફ્યુઝ થયેલું હતું. નવાઈની વાત એ છે એ જ ગર્ભમાં સાથે ઊછરી રહેલો દીકરો પણ કુદરતી પ્રસૂતિથી જન્મ્યો હતો જે બધી જ રીતે સ્વસ્થ હતો. ટ્વિન શરીર સાથે જોડાયેલી બાળકીના પોતાના તમામ અંગો સ્વસ્થ છે, પરંતુ બીજા બાળકનો એક વધારાનો હાથ અને બે વધારાના પગનો ભાગ તેની છાતી અને પેટ પાસે ઉગેલો હોવાથી તેની હાલત કફોડી થઈ ગઈ છે. વધારાના અંગોને સાચવીને કાઢી શકાય એ માટે શું કરવું એની તપાસ હાલમાં ચાલી રહી છે અને બાળકીના આંતરિક અવયવો પર વધુ ભાર ન થાય એ માટે તેને ઓકિસજન પર રાખવામાં આવી છે. રાજુબહેન અને તેનો પતિ બુધાલાલ અભણ હોવાથી તેમણે પ્રેગ્નન્સી દરમ્યાન એકવાર પણ સોનોગ્રાફી કરાવી નહોતી.

(3:59 pm IST)