Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કર્ણાટકમાં પંદર પેટા ચૂંટણીઓમાં જેડીએસ એકલા હાથે ચૂંટણી લડશે

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં તિરાડ

બેન્ગલોર તા ૨૩  : કર્ણાટકમાં વિધાનસભાની પેટાચૂટણીની જાહેરાત બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં સંકટનાં વાદળો મંડાઇ રહ્યાં છે. રાજયમાં જેડીએસે ૧૫ સીટ પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે રાજયમાં પેટાચૂંટણી ૧૭માંથી ૧૫ બેઠકો પર યોજાઇ રહી છે. આ સીટો પરના ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા હતા.

કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ સીટો પર ૨૧ ઓકટોબરે પેટા ચૂંટણી યોજાશે અને ૨૪ ઓકટોબરે પરિણામ જાહેર થશે. રાજયમાં હાલમાં બીજેપીની સરકાર છે. આ પહેલાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર હતી.

ચૂંટણીની જાહેરાત બાદ ગેરલાયક ઠરાવાયેલા ધારાસભ્યોનું કહેવું છે કે અમે સોમવારે ચૂંટણી  પ્રક્રિયા પર રોક લગાવવાની માગણી કરીશું. આ ધારાસભ્યોનું કહેવું છે કે આ સબંધિત મામલો સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે, એથી તેઓ એના આધારે પેટાચૂંટણી પર રોક લગાવવાની માગણી કરશે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં વિશ્વાસના મત  દરમ્યાન કોંગ્રેસ-જેડીએસના ૧૭ ધારાસભ્યોની ગેરહાજરી અને રાજીનામા બાદ જુલાઇમાં એચ.ડી. કુમાર સ્વામીની સરકાર પડી ભાંગી હતી, ત્યારબાદ બીજેપીના યેદુયરપ્પાએ સરકાર બનાવી હતી.

(11:34 am IST)