Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

બજારમાં દિવાળી : વધુ ૧૦૭૫ પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાયો

બુસ્ટર ડોઝની સીધી અસર વચ્ચે શેરબજારમાં સર્વાંગી તેજી રહી : શુક્રવારે ૧૯૨૧ પોઇન્ટના ઉછાળા બાદ વધુ વિક્રમી ઉછાળો નોંધાયો બજાજ ફાઈનાન્સમાં ૯ ટકાનો ઉછાળો : સેંસેક્સ-નિફ્ટીમાં બે સત્રમાં ૮ ટકા ઉછાળો

મુંબઈ, તા. ૨૩ : કોર્પોરેટ ટેક્સ રેટમાં શુક્રવારના દિવસે જોરદાર ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજીનો માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. આજે શેરબજારમાં બમ્પર તેજી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં આશરે ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. છેલ્લા બે કારોબારી સત્રમાં સૌથી મોટો ઉછાળો નોંધાઈ ચુક્યો છે. શુક્રવાર બાદથી ઇક્વિટી માર્કેટમાં જોરદાર તેજી જામી છે. શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટને ૩૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. આજે કારોબારના અંતે બેંચમાર્ક બીએસઈ સેંકેસ્કસ ૧૦૭૫ પોઇન્ટ અથવા તો ૨.૮૩ ટકા વધીને ૩૯૦૯૦ની સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં નવ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઇન્ફોસીસના શેરમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

              એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, આઈટીસી અને એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. એનએસઈમાં નિફ્ટી ૩૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૬૦૩ની સપાટી પર રહ્યો હતો તેમાં ૩૨૯ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧૫૬૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૦૫૪૮ રહી હતી. છેલ્લા બે કારોબારી સેશનમાં સેંસેક્સ અને નિફ્ટીમાં આઠ ટકાનો ઉછાળો નોંધાઈ ચુક્યો છે. આઈટી અને ફાર્મામાં ઉથલપાથલ રહી હતી. આઈટી ઇન્ડેક્સમાં ૨.૮૮ ટકાનો ઘટાડો અને નિફ્ટી ફાર્મામાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૪૩૪ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૪૫૫૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૬૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૫૬૫ રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૬૨૯ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. જેથી તેની સપાટી ૩૮૦૧૪ રહી હતી.  આવી જ રીતે નિફ્ટી ૧૯૯ પોઇન્ટ ઉછળીને ૧૧૨૭૪ની સપાટીએ રહ્યો હતો.  નવા સત્રમાં દલાલસ્ટ્રીટને તેજી તરફ લઇ જનાર છ પરિબળોમાં એફએન્ડઓની પૂર્ણાહૂતિ, એફઆઈઆઈ પ્રવાહ, મોદીની અમેરિકા યાત્રા, બેંક લોન ગ્રોથ ડેટાનો સમાવેશ થાય છે. બજાર ઉપર સૌથી સારી અસર મોદીની અમેરિકાની યાત્રાથી થનાર છે જેમાં મોદી અમેરિકામાં હાઉડી મોદી નામના મોટા ઇવેન્ટ યોજી ચુક્યા છે.

આ કાર્યક્રમના ભાગરુપે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત થઇ રહી છે. મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત ઉપર તમામની નજર રહેલી છે. આની અસર બજારમાં ચોક્કસપણે હકારાત્મકરીતે જોવા મળનાર છે. રોકાણકારો બેંકલોન ગ્રોથના ડેટાને લઇને ઉત્સુક છે. આ ડેટા ૨૭મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે શેરબજારમાં અભૂતપૂર્વ ઉછાળો રહ્યો હતો અને છેલ્લા એક દશકના ગાળામાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો ૧૯૨૧ પોઇન્ટનો સેંસેક્સમાં રહ્યો હતો. આજે કારોબાર શરૃ થવાની સાથે જ તેજી શરૃ થઇ ગઇ હતી અને છેલ્લે સુધી દિવાળી જેવો માહોલ રહ્યો હતો. આજે ધારણા પ્રમાણે જ તેજી રહી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૧૯૩ કરોડ રૃપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. જો કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા ફિસ્કલ રાહતના પગલા બાદ તેજીનો માહોલ હવે જોવા મળે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર શુક્રવારના દિવસે કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રીની આ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

(7:46 pm IST)
  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST

  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST