Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કાશ્મીરી પંડિતોએ ખુબ પીડા ભોગવી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કાશ્મીરી પંડિતો મોદીને મળી ભાવનાશીલ થયા : સાત લાખથી વધુ કાશ્મીરી પંડિતો નિર્ણય સાથે : અહેવાલ

હ્યુસ્ટન, તા. ૨૨ : કાશ્મીરી પંડિત સમુદાયના એક પ્રતિનિધિ મંડળે હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદીને મળીને વિવિધ મુદ્દા ઉપર રજૂઆત કરી હતી. કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય લેવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. સાથે સાથે મોદીએ પણ ખાતરી આપી હતી કે, કાશ્મીરી પંડિતોના હિતમાં જે કંઇપણ પગલા લેવાની જરૂર હશે તે લેવામાં આવશે. મોદીએ કાશ્મીરી પંડિતોને કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોના લોકો ખુબ પીડા ઉઠાવી ચુક્યા છે. હવે સાથે મળીને નવા કાશ્મીરની રચના કરવા માટે અમે આગળ વધી રહ્યા છે. ૧૯૮૯-૯૦ના દશકમાં આતંકવાદી ગતિવિધિ ચરમસીમા પર હતી ત્યારે પ્રાચીન ઘરઆંગણેની જમીનથી મજબૂરીમાં નિકળીને કાશ્મીરી પંડિતોના સમુદાયના મોટી સંખ્યામાં લોકો હિઝરત કરી ગયા હતા. પંડિતોને ભારે પીડા ઉઠાવવી પડી હતી પરંતુ હવે વિશ્વ બદલાઈ રહ્યું છે. ભારત બદલાઈ ચુક્યું છે.

             હવે અમે નવા કાશ્મીરની રચના કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એક સાથે કામ કરવાની ઉત્સુકતા પણ મોદીએ દર્શાવી હતી. હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતો સાથે વિશેષ વાતચીત થઇ છે. મોદીએ તેમની સાથે વાતચીત કર્યા બાદ આ અંગેની પ્રતિક્રિયા આપી હતી. કાશ્મીરી પંડિતોની સાથે સાથે મોદીએ ગોરા સમુદાયના લોકો, શીખ સમુદાયના લોકો અને અન્યો સાથે પણ વાતચીત કરી હતી. કાશ્મીરી પંડિતોના ગ્રુપમાં રહેલા સભ્યો પૈકી એકે સાત લાખ કાશ્મીરી પંડિતો તરફથી તેમનો આભાર માન્યો હતો અને મોદીના હાથને સ્પર્શ કરીને આભાર માન્યો હતો.

          આ ગ્રુપે વડાપ્રધાનને ખાતરી આપી હતી કે, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ કાશ્મીરના નિર્માણમાં સમુદાય સંપૂર્ણપણે ટેકો આપશે. આ ઐતિહાસિક નિર્ણય બદલ સમગ્ર વિશ્વમાં રહેલા ૭ લાખ કાશ્મીરી પંડિતો તેમનો આભાર માને છે. કાશ્મીર માટે સપનાને પૂર્ણ કરવા સમુદાયના લોકો તેમની સાથે છે. ગ્રુપે વડાપ્રધાનને એક મેમોરેન્ડમ સુપ્રત કરીને સમુદાયના સભ્યોના બનેલા એડવાઈઝરી કાઉન્સિલની રચના કરવા અપીલ કરી હતી. સમુદાયના લોકો ભારત સરકાર સાથે કામ કરવા માટે આશાવાદી છે. વડાપ્રધાને અમને કહ્યું છે કે, હવે નવા કાશ્મીરનું નિર્માણ થઇ રહ્યું છે. મોદીએ નમસ્તે શારદે દેવીના સુત્રો પણ રજૂ કર્યા હતા.

 

(12:00 am IST)