Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ઉર્જા ક્ષેત્રના સીઈઓ સાથે મોદીની મિટિંગ : LNG અંગે મોટા કરાર

અમેરિકાના ઐતિહાસિક પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચારેબાજુ છવાયા : સમજૂતિમાં પીએલએલ અમેરિકા પાસેથી વાર્ષિક ૫૦ લાખ ટન લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત કરવા ઇચ્છુક : માર્ચ ૨૦૨૦ સુધી સમજૂતિ અમલી

હ્યુસ્ટન, તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની એનર્જી સીટી ગણાતા હ્યુસ્ટનમાં આજે ઓઇલ ક્ષેત્રની અનેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. એનર્જી સેક્ટરમાં ટોપ સીઈઓ સાથે બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે સહકારને વિસ્તરણ આપવાના ઉદ્દેશ્યથી આ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ભારતીય કંપની પેટ્રોનેટ અને અમેરિકાની કંપની ટેલ્યુરિયન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતિ થઇ હતી. મોદી એક સપ્તાહના અમેરિકાના ઐતિહાસિક પ્રવાસ ઉપર છે જેમાં તેઓ જુદા જુદા મહત્વના કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે. ટેલ્યુરિયન અને પેટ્રોનેટ એલએનજી લિમિટેડ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જે હેઠળ પીએલએલ અમેરિકાથી વાર્ષિક ૫૦ લાખ ટન લિક્વીફાઇડ નેચરલ ગેસની આયાત કરનાર છે. આ સમજૂતિથી ભારતને ઓછી કિંમત પર સ્વચ્છ ઇંધણનો પુરવઠો મળશે. આ સમજૂતિને માર્ચ ૨૦૨૦ સુધી અમલી કરી લેવામાં આવશે. વર્ષ ૨૦૧૬માં લોંચ કરવામાં આવેલી એલએનજી ઉદ્યોગની મુખ્ય કંપની સેરિફશૌકી, ટેલ્યુરિયન એલએનજીએ એપ્રિલમાં કંપનીના સૂચિત ડ્રીફ્ટવુડ એલએનજી નિકાસ ટર્મિનસને બનાવવા માટે પરવાનગી મેળવી હતી. દર વર્ષે ૨.૭૬ કરોડ મેટ્રિક ટન એલએનજી સુધીનું ઉત્પાદન કરવા માટે ડ્રીફ્ટવુડ એલએનજીની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. તેલની આયાત અમેરિકાથી ઉલ્લેખનીયરીતે વધી રહી છે. ભારત અને અમેરિકાએ ઉર્જા ક્ષેત્રમાં સહકારને વધારવા માટે ગયા વર્ષે અમેરિકા-ઇન્ડિયા સ્ટ્રેટેજીક એનર્જી પાર્ટનરશીપ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકાએ ૨૦૧૭માં ભારતને ક્રૂડ ઓઇલ વેચવાની શરૂઆત કરી હતી.

                   અમેરિકાએ પુરવઠો નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ચાર ગણો વધીને ૬૪ લાખ ટન સુધી પહોંચી ચુક્યો છે. અમેરિકાના પુરવઠાની પહેલા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં માત્ર ૧૪ લાખ ટનનો પુરવઠો પહોંચી રહ્યો હતો. ભારતે નવેમ્બર ૨૦૧૮થી લઇને મે ૨૦૧૯ સુધી અમેરિકા પાસેથી દરરોજ ૧૮૪૦૦૦ બેરલ તેલની ખરીદી કરી છે. હ્યુસ્ટન પહોંચ્યા બાદ મોદીએ સૌથી પહેલા ઓઇલ સેક્ટરના ૧૬ સીઈઓ સાથે ઉર્જા ક્ષેત્રના  સહકારમાં આગળ વધવાની વાત કરી હતી. બેઠકથી પહેલા મોદીએ આ તમામ સીઈઓ સાથે ફોટા પડાવ્યા હતા. આ ગાળા દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા અભૂતપૂર્વ સપાટી ઉપર પહોંચી રહી છે. મોદીએ જે કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી તેમાં બેકર હગ્સ, બીપી, ચેનિર એનર્જી, ડોમિનિયન એનર્જી, ઇમરસન ઇલેક્ટ્રીક કંપની, એક્સન મોબીન, પેરેન્ટ ગ્રુપ એન્ડ હિલવુડ, મેકડરમટ, ટેલ્યુરિયન, ટોટલ, એર પ્રોડક્ટ, વિનમાર ઇન્ટરનેશનલ અને વેસ્ટલેક કેમિકલ્સનો સમાવેશ થાય છે. અમેરિકાના સૌથી મોટા રાજ્યો પૈકીના એક એવા ટેક્સાસમાં પહોંચ્યા બાદ જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વિમાન ઉતરતાની સાથે જ મોદીનું સ્વાગત કરાયું હતું. અમેરિકી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતથી ઉંડાણ ભર્યા બાદ એરઇન્ડિયાનું વિમાન શનિવારે સવારે જર્મનીના ફ્રેન્કફર્ટમાં બે કલાક રોકાયું હતું. આ ગાળા દરમિયાન જર્મનીમાં ભારતીય રાજદૂત મુક્તા તોમર મળ્યા હતા.

(12:00 am IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST