Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પાકિસ્તાનથી સ્વતંત્રતા માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી સમક્ષ જોરદાર માંગણી

સેંકડો બલોચ, સિંધી અને પખ્તુન લોકો પહોંચ્યા : કાશ્મીરને લઇને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલ જુઠ્ઠાણાની પોલ અમેરિકામાં ખુલી : પાક આતંકવાદી દેશ

હ્યુસ્ટન,તા.૨૨ : કાશ્મીરને લઇને દુષ્પ્રચાર કરી રહેલા પાકિસ્તાનની પોલ અમેરિકામાં પણ ખુલી ગઈ છે. વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત કાર્યક્રમ પહેલા જ મોટી સંખ્યામાં સિંધી, બલોચ અને પખ્તુનગ્રુપના પ્રતિનિધિઓ હ્યુસ્ટનમાં એકત્રિત થઇ ચુક્યા છે. પાકિસ્તાનમાં સેના અને આઈએસઆઈની બર્બરતાને રજૂ કરીને આ લોકોએ સ્વતંત્રતાની માંગ કરી છે. સમગ્ર અમેરિકાથી બલોચ, અમેરિકી, સિંધી, અમેરિકી અને પખ્તુન અમેરિકી સમુદાયના સેંકડો લોકો અહીં પહોંચી ચુક્યા છે. આ તમામ લોકો એનઆરજી સ્ટેડિયમની સામે પોસ્ટર અને બેનર લઇને પહોંચી ગયા હતા. મોદી અને ટ્રમ્પનું ધ્યાન આકર્ષિત કરવાના તેમના દ્વારા પ્રયાસ થઇ ચુક્યા છે. અમેરિકામાં બલોચ નેશનલ મુવમેન્ટના પ્રતિનિધિ નબી બક્ષે કહ્યું છે કે, અમે પાકિસ્તાન પાસેથી સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. ભારત અને અમેરિકાએ મદદ કરવા માટે આગળ આવવું જોઇએ. ૧૯૭૧માં જે રીતે ભારતે બાંગ્લાદેશના લોકોની મદદ કરી હતી તેવી જ રીતે લોકોએ આગળ આવવું જોઇએ. અમે અહીં મોદી અને ટ્રમ્પના થનારા ઉદ્દેશ્યોના લીધે અહીં આવ્યા છે.

             પાકિસ્તાન સરકાર મોટાપાયે બલોચ લોકોના માનવ અધિકારોના ભંગ કરી રહી છે. ૧૦૦થી પણ વધારે અમેરિકી સિંધી સમુદાયના લોકો હ્યુસ્ટન પહોંચી ચુક્યા છે. મોદીના હાઉડી કાર્યક્રમ પહેલા આ લોકો પોસ્ટર અને બેનર સાથે નજરે પડ્યા હતા. પાકિસ્તાનની હાલત અમેરિકામાં પણ હવે ખરાબ થઇ રહી છે. તેના ખોટા પ્રચારની પોલ અમેરિકામાં ખુલી ચુકી છે. આ તમામ સમુદાયના લોકોનું કહેવું છે કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે જેને આઈએસઆઈ અને સેના દ્વારા ચલાવવામાં આવે છે. ત્યાં કોઇપણ પ્રકારની લોકશાહી વ્યવસ્થા નથી. ત્યાં લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. તેમના અંગોને વેચી તહેવામાં આવે છે. લઘુમતિઓને પૂજા કરવાના પણ અધિકાર નથી. મંદિરો અને ચર્ચને સળગાવી દેવામાં આવે છે. લોકોને દરરોજ માર મારવામાં આવી રહ્યા છે. ભારત અને અમેરિકા તથા જી-૭ દેશોએ પાકિસ્તાનને થનાર દરેક ફંડિંગને રોકવાની જરૂર છે. ત્યાંની સેના અને આઈએસઆઈને પણ ત્રાસવાદી જાહેર કરવાની જરૂર છે. મોદીના કાર્યક્રમને લઇને અભૂતપૂર્વ તૈયારી પહેલા જ સેંકડો બલોચ, સિંધી અને પખ્તુન લોકો પણ હ્યુસ્ટનમાં એકત્રિત થઇ ચુક્યા છે અને આ લોકો પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગ મોદી સમક્ષ કરી છે.

(12:00 am IST)