Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

વ્યાજદરમાં વધુ વધારો થઈ શકે : નિષ્ણાતોનો અભિપ્રાય

૪૦ ટકા કંપનીઓના નિષ્ણાતોનો અભિપ્રાય : આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠક ત્રીજી ઓક્ટોબરે શરૂ થશે : વ્યાજદર સંદર્ભે પાંચમીએ ફેંસલો

નવી દિલ્હી, તા. ૨૩ : જેની ઉત્સુકતાપૂર્વક શેરબજાર, ઉદ્યોગ જગતના લોકો રાહ જોઈ રહ્યા છે તે આરબીઆઈની નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક ત્રીજી ઓક્ટોબરથી શરૂ થશે. આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાની પોતાની ચોથી દ્વિમાસિક બેઠક ત્રીજી ઓક્ટોબરને શરૂ થશે અને વ્યાજદરમાં કોઈ ફેરફાર કરાશે કે કેમ તે સંદર્ભમાં નિર્ણય પાંચમી ઓકટોબરના દિવસે લેવામાં આવશે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆરના દર અને અન્ય બેન્કીંગ સાથે સંબંધિત પાસા ઉપર ચર્ચા કરવામાં આવશે. આરબીઆઈની પોલિસી સમીક્ષાના આડે ગણતરના દિવસો છે ત્યારે આને લઈને ભારતીય ઉદ્યોગ સંસ્થા સીઆઈઆઈના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેન્ક ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજદરમાં વધુ વધારો કરી શકે છે. દેશના ૪૦ ટકા નિષ્ણાતો આ મુજબનો અભિપ્રાય આપી રહ્યા છે. સીઆઈઆઈના જુલાઈ-સપ્ટેમ્બરની અવધિના આ સર્વેમાં જુદા જુદા કદ અને ક્ષેત્રની ૨૦૦ કંપનીઓના અર્થશાસ્ત્રીઓને આવરી લેવાયા હતા. બીસીઆઈના આંકડા દર્શાવે છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓના સારા દિવસોની આશા ઝડપથી પરત ફરે તેમ દેખાઈ રહ્યું છે. ૪૨ ટકા કંપનીઓનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આરબીઆઈ વ્યાજદરમાં વધુ વધારો કરી શકે છે. વ્યાજદરમાં ૦.૫ ટકાનો વધારો છેલ્લી બે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં કરવામાં આવ્યો હતો. લોન વધુ મોંઘી બને તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.

(7:33 pm IST)