Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ રહેવાની વકી : નજર કેન્દ્રિત થઈ

એફએન્ડઓ રોલઓવર, ફેડરેટ સહિતના પરિબળો દિશા નક્કી કરશે : દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલને લઈને કારોબારી સાવધાન થયા : યુએસ ફેડના બુધવારના દિવસે જાહેર થનારા પરિણામો ઉપર પણ કારોબારીઓની નજર

મુંબઇ, તા.૨૩ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૨૪૯ પોઈન્ટનો મોટો કડાકો નોંધાયા બાદ આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં બજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એફએન્ડઓ રોલઓવર, ફેડ રેટના નિર્ણય અને અન્ય પરિબળોના લીધે શેરબજારમાં ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં છેલ્લા સપ્તાહમાં જંગી ઘટાડો થયો હતો. સતત ત્રીજા સપ્તાહમાં શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ ૧૨૪૯ પોઈન્ટ અથવા તો ૩.૨૮ ટકા ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી ૩૭૨ પોઈન્ટ અથવા ૩.૨૩ ટકા સુધી ઘટી ગયો હતો. શુક્રવારના દિવસે દલાલ સ્ટ્રીટમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. તે દિવસે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૨૦૨૪૩૩ કરોડનો કડાકો બોલી ગયો હતો. સપ્તાહના અંતમાં શેર મૂડીરોકાણકારોએ ૫૬૬૧૮૭ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. છેલ્લા સપ્તાહમાં મૂડીરોકાણકારોએ ૫૬૬૧૮૭ કરોડ રૂપિયાની જંગી રકમ ગુમાવી દીધા બાદ નવા સપ્તાહમાં વધુ ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલ વચ્ચે કારોબારી જોખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. એકબાજુ સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ ગુરૂવારે પૂર્ણ થશે. શુક્રવારના દિવસે મોટો કડાકો બોલાતા ફાઈનાન્સિયલ શેરોમાં અફડાતફડી રહી હતી. રોકાણકારો હવે વધુ સુરક્ષિત વિકલ્પોની દિશામાં ધ્યાન આપી રહ્યા છે. જેમાં બોન્ડ યિલ્ડનો સમાવેશ થાય છે. રાફેલ સોદાબાજીને લઈને કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આના કારણે ભાજપ સરકાર હાલમાં સંરક્ષણાત્મક મૂળમાં દેખાઈ રહી છે. વિરોધ પક્ષો દ્વારા રાફેલ ડીલના મુદ્દે મોદી પાસેથી સ્પષ્ટીકરણની માંગ કરાઈ રહ્યા છે. અલબત્ત, ફ્રાંન્સ સરકાર અને ડસોલ્ટ એવિએશન દ્વારા ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદેને એવા દાવાને રદિયો આપ્યો છે કે ભારત સરકારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ ડિફેન્સ કોન્ટ્રાક્ટમાં પાર્ટનર તરીકે પસંદ કર્યું હતું. કેન્દ્ર સરકારે આ આક્ષેપને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે રિલાયન્સ ડિફેન્સની પસંદગીમાં તેની કોઈ ભૂમિકા નથી. ઓલાંદે પોતે દુવિધાભરી સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. બીજી બાજુ અન્ય પરિબળો પણ દેખાઈ રહ્યા છે. જેના ભાગરૂપે બજારની દિશા નક્કી થશે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર નજર કેન્દ્રિત થઈ છે. ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય કરાશે. ફેડ દ્વારા ટાર્ગેટને હાંસલ કરવાની દિશામાં પહેલ કરવામાં આવી શકે છે. બજાર સાથે જોડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે ૨૫-૨૬મી સપ્ટેમ્બરની પોલિસી મિટીંગમાં યુએસ ફેડરલ દ્વારા રેટમાં વધારો કરવામાં આવી શકે છે. રેટમાં નજીવો વધારો અથવા તો ૧.૭૫ થી લઈને ૨ ટકા સુધીનો ઘટાડો વધારો કરવામાં આવી શકેછે.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઈને પણ ઉથલપાથલનો દોર છે. ઘરઆંગણે જે ઘટનાક્રમ ઉપર નજર રહેનાર છે તેમાં ગ્લોબલ માઇક્રો ડેટાની સાથે સાથે ફિઝકલ ડિફિસિટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટ ડેટા ઉપર નજર રહેશે. જે આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો જેવા પરીબળો પણ રહેશે. ઉપરાંત સેબી દ્વારા ભારત સ્થિત વિદેશીઓ દ્વારા વિદેશી રોકાણ ઉપર સુધારવામાં આવેલા નિયમોના પગલાંની અસર પણ શેરબજારમાં રહેશે.

(7:33 pm IST)