Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

આશા વચ્ચે સેંસેક્સ ફરીથી ૨૨૮ પોઇન્ટ સુધરીને બંધ

સેંસેક્સ રિકવર થઇ ૩૬૭૦૧ની સપાટી ઉપર : નિફ્ટી ૮૮ પોઇન્ટ સુધરીને ૧૦૮૨૯ની નવી સપાટીએ બંધ : પબ્લિક સેક્ટર બેંક-મેટલના શેરમાં જોરદાર લેવાલી

મુંબઈ, તા. ૨૩ : શેરબજારમાં ગુરુવારના દિવસે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને સેંસેક્સમાં ૫૮૭ પોઇન્ટનો મોટો કડાકો બોલાયા બાદ આજે સેંસેક્સમાં રિકવરી જોવા મળી હતી. સરકાર દ્વારા નવા પગલાની જાહેરાત વચ્ચે શેરબજારમાં રિકવરીનો માહોલ જામ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૨૮ પોઇન્ટ રિકવર થઇને ૩૬૭૦૧ની સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન મેટલ, પબ્લિક સેક્ટર બેંકના શેરમાં તેજી રહી હતી. વેદાંતા, યશ બેંક, ઓએનજીસી અને એમ એન્ડ એમના શેરમાં તેજી જામી હતી જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, પાવરગ્રીડ સહિતના શેરમાં મંદીનું મોજુ રહ્યું હતું. બ્રોડર નિફ્ટીમાં ૮૮ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૮૨૯ રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી દિવસની નીચી સપાટીથી ક્રમશઃ આશરે ૬૦૦ અને ૧૯૨ પોઇન્ટ ઉછળીને રહ્યા હતા. સપ્તાહ દરમિયાન સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં સતત બીજા સપ્તાહમાં મંદી રહી છે અને બે ટકાનો ઘટાડો રહ્યો છે.

      એફએમસીજી અને પ્રાઇવેટ બેંકોમાં મંદી રહી હતી. નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં સૌથી વધુ ૪.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૩.૩ ટકાનો ઉછાળો અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપના શેરમાં સારી સ્થિતિ રહી હતી. મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨૧ પોઇન્ટનો ઉછાળો +રહેતા તેની સપાટી ૧૩૨૦૨ રહી હતી જ્યારે સ્મોલકેપમાં સપાટી ૧૨૧૮૬ રહી હતી.  ભારે મંદી વચ્ચે ગઇકાલે બીએસઇની ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૫૮૭ પોઇન્ટ ઘટીને ૩૬૪૭૩ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજના ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૮૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૩૮ની નીચી સપાટી પર રહ્યો હતો.

     પાંચમી જુલાઈ બાદથી ૧૪.૭ લાખ કરોડ રૂપિયાની માર્કેટ મૂડી જતી રહી છે. કારોબારીઓ દ્વારા જંગી નાણા ગુમાવી દેવામાં આવ્યા છે. ગુરુવારના દિવસે વેચવાલી વચ્ચે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૨.૧ લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું હતું. એફપીઆઈ ટેક્સ અને ગ્લોબલ ટ્રેડ ચિંતાને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેના કારણે વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટાના જણાવ્યા મુજબ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૧-૧૬મી ઓગસ્ટના ગાળા દરમિયાન નેટ આધાર પર ૧૦૪૧૬.૨૫ કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કર્યું છે. કારોબારના અંતે સેેસેક્સ ૨૬૮ પોઇન્ટ ઘટીને ૩૭૦૬૦ની નીચી સપાટી પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ ખાતે નિફ્ટી ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૧૯ની સપાટી પર બંધ રહ્યો હતો.સુસ્ત થઈ રહેલી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી ઉદ્યોગજગતને કોઈ પણ પ્રકારની મદદ હજુ સુધી કરવામાં આવી નથી. જેથી બજારમાં નિરાશા જોવા મળી રહી છે.

(7:23 pm IST)