Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પૂરનો ખતરોઃ આગામી અઠવાડીયામાં પણ વરસાદ ત્રાટકશે

જન- જીવન અસ્તવ્યસ્તઃ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ પાકને ભારે નુકશાન : ૭'દિ વાદળા છવાયેલા રહેશેઃ આ વર્ષે સૌથી વધુ વરસાદનું અનુમાન

લખનૌઃ ઉત્તર પ્રદેશ હવે ભારે વરસાદથી ઉભા થયેલ પૂરનો સામનો કરી રહ્યુ છે. યુપીના ઈટાવા, ઝાંસી, કાનપુર, લખનઉ સહિત કેટલાકય જીલ્લાઓમાં જોરદાર વરસાદથી પુરનો ખતરો ઝળુંબી રહ્યો છે. બુધ- ગુરૂ થયેલ એકધારા વરસાદથી કેટલીક મુખ્ય નદીઓના જળસ્તરમાં ફેરફાર થયો છે. પણ કેટલાક જીલ્લાઓમાં પુરના પાણી તબાહી મચાવી રહ્યા છે.

યુપીના લખનૌ, અમેઠી, રાયબરેલી, અયોધ્યા, બલરામપુર તથા બહરાઈચ સહિતના જીલ્લાઓમાં ભારે વરસાદથી મકાનો તુટી પડેલ, વિજળી પડવાથી લગભગ ૧ ડઝન લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વરસાદથી ગરમીમાં છુટકારો જરૂર મળ્યો પણ પાણી ભરાઈ જવાના હિસાબે લોકોનું જીવન અસ્તવ્યવસ્ત થઈ ગયું છે. શહેરોના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરમાં જ કેદ થયા હતા.

ચંદ્રશેખર આઝાદ કૃષી અને પ્રોદ્યૌગીક યુનિ.ના હવામાન ખાતાના સીનીયર રીસર્ચર ફૈલો ડો.વિજય દુબેના જણાવ્યા અનુસાર આ અઠવાડીયે લખનૌ, કાનપુર અને આસપાસના કેટલાય શહેરોમાં જોરદાર વર્ષાની સંભાવના છે. આગામી ૭ દિવસ વાદળો છવાયેલા રહેશે. જયારે હવામાન ખાતા મુજબ કાનપુર, બાંદા, હરદોઈ, મહોબા, ચિત્રકુટ, કન્નૌજ, ફતેહપુર, જાબૌન, ઘાટમપુર, ઉન્નાવ વગેરે શહેરોમાં આગામી અઠવાડીયુ જોરદાર વરસાદની સંભાવના છે.

યુપીના અનેક શહેરોમાં બુધવારથી જ સતત વરસાદ પડી રહ્યો છે. તો કયાંક- કયાંક ગઈકાલથી શરૂ થયો છે. હવામાન ખાતાના અનુમાન મુજબ આ વર્ષે સૌથી વધુ વરસાદ માનવામાં આવી રહ્યો છે અને આગળ પણ આવી જ સ્થિતિ રહેશે. જયારે આંચલીક હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટર ગુપ્તાએ જણાવેલ કે મોનસુન ટ્રફ પ્રદેશની નજીકથી પસાર થઈ રહ્યુ છે. રાજધાની લખનૌની આસપાસ વરસાદ થઈ શકે છે.

હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ અઠવાડીયાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસનું તાપમાન ગુરૂતમ ૩૧ થી ૩૪ ડિગ્રી આસપાસ ભલે નોંધાયું હોય પણ યુપીમાં કટકે- કટકે ૬૦ મીમી વરસાદથી ૨૪ કલાકમાં પારો ૩૪ થી ૨૭ ડિગ્રી નજીક પહોંચ્યો છે. જે સાત ડિગ્રી આસપાસ નીચે ગયો છે.

ભારે વરસાદથી ગામડાઓના કાચા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખેડૂતોના તલ, મગ, અડદના પાક પાણીમાં ડુબી ગયા છે. જેથી પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની શકયતા છે.

(3:27 pm IST)