Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

૮૯માં ફરી બહુમતી ના મેળવી શકાય તો પણ રાજીવે સરકાર રચવા દાવો કરેલ નહિ

ટેલીકોમ ક્રાંતિ સર્જી : અણુ શકિત : અવકાશ અભિયાનો : મિસાઈલ ક્ષેત્ર સાથે પાણી-કૃષિ ક્ષેત્રે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતિ પર કહ્યું કે રાજીવ ગાંધીને પૂર્ણ બહુમતી મળી હતી પણ તેમણે તેનો ઉપયોગ ભયનું વાતાવરણ ઉભુ કરવામાં નહોતો કર્યો.

તેમણે કહ્યું કે રાજીવજીની સ્મૃતિ આજે પણ આપણા હૈયામાં છે. તેઓ ભારતને મજબુત, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની વાત કરતા હતા. રાજીવ ગાંધી એક એવા વડાપ્રધાન હતા જેમણે થોડા જ સમયમાં ભારતની એકતાની વાત કરીને દેશની બુનિયાદી સૂરત બદલવાનું કામ કરી બતાવ્યું. તેમણે કહ્યું કે આજે આપણે સૌ તેમની યાદમાં અહીં એકઠા થયા છીએ જેમને અઠ્ઠાવીસ વર્ષ પહેલા બર્બરતાથી આપણી પાસેથી છીનવી લેવાયા હતા, પણ આજે પણ તેમની યાદ આપણા દિલો દિમાગમાં છે.

૧૮ વર્ષના યુવાઓને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય તેમનો જ હતો. તેમણે દૂરસંચાર ક્રાંતિ કરવાનો સંકલ્પ અને થોડા જ સમયમાં તે કરી દેખાડયું. તેમણે ટેકનીકલ તાકાતનો ઉપયોગ ફકત પરમાણુ ઉર્જા, અંતરિક્ષ અને મિસાઈલમાં જ નહિ પણ સામાજીક સુધારાની ઝડપ વધારવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ પાણી અને કૃષિ ક્ષેત્રમાં પણ કર્યો.

સોનિયા ગાંધીએ કહ્યું કે ૧૯૮૯માં કોંગ્રેસ ફરીથી બહુમતી ન મેળવી શકી ત્યારે સૌથી મોટા રાજકીય પક્ષ હોવા છતા રાજીવે સરકાર રચવાનો દાવો નહોતો કર્યો. આ તેમનુ નૈતિક બળ, ઉદારતા અને ઈમાનદારી દર્શાવે છે. સોનિયાએ કહ્યુ કે આવુ આજે કોઈ ન કરી શકે જે રાજીવજીએ કર્યુ હતું.

(3:27 pm IST)