Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

બ્લેક લિસ્ટ જાહેર કરવા તૈયારી

હવે એશિયા પેસેફિક પાકિસ્તાનને તમાચો મારશે

નવી દિલ્હી, તા.૨૩: ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા આકરા વલણનો સામનો કરી રહેલા પાકિસ્તાનને બીજો મોટો ઝટકો એશિયા-પેસેફિક ગ્રુપ(APG) તરફથી મળી શકે છે. ટેરર ફંડિંગ મામલે ૧૧માંથી ૧૦ મુદ્દા પર ફેલ થયેલા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. FATFની ઓસ્ટ્રેલિયના કેનબરામાં બેઠક યોજાઈ રહી છે. જયાં પાકિસ્તાનથી જોડાયેલ મ્યુચ્યુઅલ ઇવેલ્યુશન રિપોર્ટ(MER)રજૂ કરવામાં આવી શકે છે.

પાકિસ્તાને બુધવારે FATFને પોતાનો અહેવાલ સોંપ્યો છે. જેમાં ૨૭ મુદ્દાની કાર્યયોજનાનો ઉલ્લેખ છે. APG તરફથી પણ આ અહેવાલની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેમાં APGએ ઇસ્લામાબાદની અનેક મામલે ખામીઓ કાઢી છે. જેમાં મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાન દ્વારા લેવામાં આવતા પગલાઓમાં અનેક ખામીઓ દર્શાવાઈ છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ દાવો કે ૫૦ જેટલા મુદ્દે પાકિસ્તાનના પ્રયસાો બાદ સુધાર આવ્યો છે જેને આ પોકળ સાબિત કરે છે.

APGના ૯ દેશના ક્ષેત્રીય સંગઠનમાં પાકિસ્તાન ૪૦ જેટલા મુદ્દા પૈકી લગભગ ૩૬ મુદ્દા પર નિષ્ફળ નિવડ્યું છે. તો બીજા ૧૧ પ્રભાવશાળી મુદ્દે પણ ૧૦માં પાકિસ્તાન તરફથી લેવમાં આવેલા પગલા અસંતોષકારક છે. પાકિસ્તાનને MER અને FATF બંને મોરચે ખૂબ જ અસરકારક રીતે ટેરર ફંડિંગને રોકવા માટે પોતે કર્તવ્યનિષ્ઠ હોવાનું દર્શાવવું પડશે. આ અંગે ઓકટોબરમાં FATFના પૂર્ણ સત્રમાં પાકિસ્તાનના ભવિષ્ય અંગે અંતિમ સમીક્ષા કરવામાં આવી શકે છે.

અમેરિકા, ફ્રાંસ, જર્મની અને UK જેવા પ્રમુખ દેશોના દબાણ પછી FATF પાકિસ્તાનને જૂન ૨૦૧૮માં જ શંકાસ્પદ સૂચીમાં નાખી ચૂકયું છે. જયારે APG દ્વારા ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાન વિરુદ્ઘમાં નકારાત્મક તથ્યો સાંપડતા ઓકટોબર ૨૦૧૯થી નેગેટિવ લિસ્ટમાં રાખવામાં આવશે. આ રીતે જોતા આગામી સમયમાં પાકિસ્તાન માટે અનેક મુશ્કેલી વધી શકે છે. ત્યારે શકય છે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી શકે છે.

APG હાલ પાકિસ્તાનની સ્થિતિની છેલ્લા ૧૦ વર્ષની સમીક્ષા કરી રહ્યું છે. જો ડો. રાજા બાકીના નેતૃત્વવાળું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ એશિયા પેસિફિક ગ્રુપને આશ્વાસન આપવામાં સફળ નહીં રહે કે ટેરર ફંડિંગ બંધ કરવા માટે પાકિસ્તાન પ્રતિબદ્ઘ છે તો તેને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવી શકે છે.

(3:25 pm IST)