Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

બ્રિટનની કોર્ટે નીરવ મોદીના રિમાન્ડ ૧૯ સપ્ટેમ્બર સુધી લંબાવ્યા

૪૮ વર્ષના મોદીની માર્ચમાં ધરપકડ કરાયા બાદ તેને સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડસવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે

લંડન તા ૨૩ :  પંજાબ નેશનલ બેન્કના લોન કોૈભાંડના ભાગેડુ આરોપી નીરવમોદીને મની લોન્ડરિંગ કેસમાં બ્રિટનની કોર્ટે વધુ એક ઝાટકો આપ્યો છે. કોર્ટે ગુરૂવારે સુનાવણી દરમિયાન નીરવ મોદીના રિમાન્ડ ૧૯ સપ્ટેમ્બર સુધી લંબાવ્યા છે. બ્રિટનની કોર્ટે રિમાન્ડ લંબાવતા નીરવ મોદીને વધુ સમય જેલમાં ગાળવો પડશે.

નીરવ મોદીને વોન્ડ્સવર્થ જેલમાંથી વેસ્ટમિનીસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં વીડીયોલિન્ક દ્વારા હાજર કરાયો હતો. ટૂંકી સુનાવણી દરમિયાન જજે નીરવ મોદીની કસ્ટડી વધુ એક મહિના માટે લંબાવી હતી.

૪૮ વર્ષના મોદીની માર્ચમાં ધરપકડ કરાયા બાદ તેને સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડસવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે આશરે બે અબજ ડોલરના પીએનબી કોૈભાંડમાં વોન્ટેડ આરોપી નીરવ મોદી લંડનમાં અદ્યતન જીવનશૈલી જીવી રહયો હતો. આ અંગેની જાણ થતાં લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જુલાઇમાં નીરવ મોદીની જામીન અરજી બ્રિટન હાઇકોર્ટે ફગાવી દીધી હતી, ત્યાર બાદ આ બીજી વખત કોર્ટ સમક્ષ તેને હાજર કરવામાં આવ્યો હતો.

(11:51 am IST)