Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મચ ગયા શોર સારી નગરી રે, સારી નગરી રે… આયા બિરજકા બાકા સંભાલ તેરી ગગરી રે...

કૃષ્ણ તમને કોટીકોટી નમસ્કાર, તમને જાણે એનો બેડો પાર

કુછ પ લેના જીત નહીં, કુછ ખો દેના હાર નહીં, યહ તો કેવલ સમય કા પ્રભાવ હૈ, ક્યોકિં પરિવર્તન હી સમય કા સ્વભાવ હૈઃ કનૈયા કી મહિમા, કનૈયા કા પ્યાર, કનૈયા મેં શ્રધ્ધા, કનૈયા સે સંસાર, મુબારક હો આપકો જન્માષ્ટમીકા ત્યોહાર

રાજકોટમાં જશોદાના જાયાને વધાવવા વિવિધ વિસ્તારોમાં સોહમણા સુશોભન અને સર્જન કરાયા છે. પ્રથમ તસ્વીર પેડક રોડ પરની ૧-ગાંધીસ્મૃતિ સોસાયટીની છે. જયાં હાટકેશ ગ્રુપ દ્વારા છકડો-રીક્ષામાં કૃષ્ણની કૃતિ અને કુટિર સર્જાયેલ છે જીતેશ ભરવાડ,મોતી ભરવાડ, જયેશ ભરવાડ, ધર્મેશ ગોહેલ અજીત ભરવાડ કાર્યરત છે બીજી તસ્વીર ચંદ્રેશનગર મેઇન રોડ, ખીજડા સામેની ગોકુલ મિત્ર મંડળના સર્જનની છે. ત્યાં મથુરાની જેલ બનાવાયેલ છે બલદેવ ગ્રુપ, સુખદેવસિંહ ઝાલા, દિલીપસિંહ જાડેજા દિલીપ નંદાણીયા, યોગેશ ઘોડીયા, અજય બોરીચા, ગજેન્દ્રસિંહ ઝાલા વગેરેએ જહેમત ઉઠાવી છે. ત્રીજી તસ્વીર પેડક રોડ પરના બાલક હનુમાન મંદિર પાસેની છે. ત્યાં ૧૫ વર્ષથી જન્માષ્ટમીલક્ષી સુશોભન કરી ઉત્સવ ઉજવાય છે.  છેલ્લી તસ્વીરમાં શ્રી ખોડીયાર મિત્ર મંડળે ગ્રીનલેન્ડ ચોકડીના, બ્રીજ પાસે, બી.એમ.ડબલ્યુના શોરૂમ પાસે ગોકુળિયુ ગામ બનાવેલ છે. આયોજનમાં સંજય ચાવડા, જીતુ મકવાણા, સાગર પરમાર, નારણભાઇ રબારી, હરજીભાઇ સરવૈયા, રાજુ બોરીચા, સલીમભાઇ, પરેશ પરમાર વગેરેની જહેમત ઝબકી ઉઠી છે.

રંગાઇ ગયા રંગમા, શ્યામ તણા સંગમાં... ભારત ભૂમિમાં જન્મીને આરાધ્ય દેવ તરીકે પૂજાયેલા અખિલેશ્વર શ્રી કૃષ્ણના જન્મોત્સવની રળિયામણી ઘડી આવી પહોંચી છે. આવતી કાલે રવિવારે ગોકુળ આઠમના દિવસે વ્હાલથી વ્હાલાનો જન્મદિન ઉજવાશે. આ વખતે સોૈરાષ્ટ્રમાં વરસાદ સારો થઇ ગયો હોવાથી જન્માષ્ટમીની ઉજવણીએ વિશેષ ઉમંગ છે.

હજારો વર્ષ વીતી ગયા છતા આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ સોૈના પ્રિય રહયા છે. જન્મ ધારણ કર્યા'તે વખતથી જ તેઓ પડકારોનો સામનો કરતા રહયા હતા છતા સદા હસતા રહયા હતા. ગોપાલ , માધવ, મધુસુદન, યોગેશ્વર, અખિલેશ્વર,નંદલાલ, દેવકીનંદન, નિલુંજનાયક, મુરલીધર, બંસીધર, ગોવર્ધનધારી, રણછોડરાય વગેરે અનેક નામે તે ઓળખાય છે. કૃષ્ણને જગદ્ગુરૂ કહેવામાં આવે છે તેમનો જન્મદિન શ્રાવણવદ આઠમ જન્માષ્ટમી તરીકે ઉજવાય છેે  જન્માષ્ટમીની ઉજવણીમાં રાજકોટ હંમેશા બુલંદ સૂર પૂરાવે છે. વિશ્વહિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતી દ્વારા જન્માષ્ટમીની સવારે ભવ્ય ધર્મયાત્રા નીકળે છે. લાલાને વધાવવા ચોકે ચોકે શણગાર કરાયા છે. રોશનીનો ઝળહળાટ વ્યાપી ગયો છે. આ વખતે સમિતી જળ, ઝાડ અને સ્વચ્છતાને કેન્દ્રમાં રાખી ઉજવણી થઇ રહી છે.

માનવ જીવન એ મહાભારત છે, સંસાર એ કુરૂક્ષેત્ર છે, પરંતુ ધર્મનો રથ હોય, અભયનું કવચ હોય, શ્રદ્ધાની ઢાલ હોય, અનુભવની સેના હોય, આત્મવિશ્વાસના શસ્ત્ર હોય, ધર્મની ધજા હોય, અને સ્વયં શ્રી હરિ સારથિ હોય તો જીવનના વિષાદમાંથી પણ ગીતાનો મધુર સંવાદ પ્રગટે છે, જન્માષ્ટમી એટલેજીવનરથની લગામ શ્રી હરિને સોંપવાનું અમૃત ચોઘડિયું, આવો આ તિર્થક્ષણને વધાવીએ જેથી જીવન બનશે મધુવન વૃંદાવન..

શ્રી ભવ્ય શોભાયાત્રા પૂર્વ ધર્મસભા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૩ વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ૩૪મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. આગામી તા. ૨૪ને શનિવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે ૮ કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે ગુજરાત રત્ન શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ બિરાજશે. મુખ્ય વકતા સંઘના પ્રચારક તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઇ પ્રાસંગીક ઉદબોધન પાઠવશે. મહોત્સવ સમિતિના અધ્યક્ષની જવાબદારી શ્રી ધર્મેશભાઇ પટેલ નિભાવશે. ઉપરાંત કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળા ખાસ ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે તથા શોભાયાત્રામાં જોડાઇ નગરવાસીઓનું અભિવાદન ઝીલશે અને આ પર્વની શુભેચ્છા પાઠવશે. આ તકે દરેક ધર્મ, સંપ્રદાય, પંથના સંતો, મહંતો, ગુરૂ વિગેરે ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે.

જૈન સંત સુશાંતમુનિ  મહારાજ ધર્માધ્યક્ષ

આ વખતની શોભાયાત્રામાં ધર્માધ્યક્ષ પદે જૈનમુનિ ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ બિરાજમાન થશે. જૈન ધર્મના પૂ.જૈનમુનિ કે જેમણે ૬૩ વર્ષ સંયમ જીવનને અર્પણ કરી દીધા અને સમાજ કલ્યાણ માટે પગપાળા સમગ્ર ભારતના ૧૬ રાજયોમાં એક લાખ કિ.મી.થી વધુનો પગપાળા ઉગ્રવિહાર કરી સમાજના અનેક જૈન-અજૈન લોકોને પ્રેરણા આપી તેમનું જીવન સુધાર્યુ છે. એમના વિહાર દરમ્યાન આધ્યાત્મિક ધર્મ સંદેશ દ્વારા સાંશન અને સમાજની અનેકવિધિ કલ્યાણકારી યોજનાઓ પાર પાડી છે. ૪૫-૪૫ જેટલા પૂણ્ય આત્માઓને સંયમ જીવન અંગીકાર કરાવ્યાં છે. ધર્મ અને સમાજ માટે સંપૂર્ણ સમર્પિત  એવા આદરણીય જૈનમુનિ આ વખતની શોભાયાત્રાના ધર્માધ્યક્ષ પદે બિરાજવાના  છે.

આ શોભાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેશભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. તેઓ અનેક સામાજીક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સમાજ જીવનમાં લોકો માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં એમનો સિંહ ફાળો છે. આ અગાઉ પણ તેઓ જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ પદે સ્થાન શોભાવી ચુકયા છે.

આ વખતની ૩૪મી શોભાયાત્રાની આછેરી ઝલક જોઇએ તો રાજકોટના મવડી ચોક ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને પારૂલ ગાર્ડન રણછોડનગર આશ્રમ રોડ ખાતે સમાપન થશે.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નાના-મોટા વાહન, હજારો લોકો, સંસ્થાઓ, મંડળો, ગ્રુપ,શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યકરો જોડાશે. પોલીસ તંત્ર સમગ્ર રૂટમાં ટ્રાફીક સંચાલન અને સુરક્ષા પુરી પાડવાનું કાર્ય કરશે. શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાન દર્શનનો લાભ લેવા અબાલ-વૃધ્ધ,ભાઇઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.

શોભાયાત્રાની મોખરે કેસરી સાફાવાળા ૧૦૧ યુવાનો

યાત્રાની શરૂઆતમાં ૧૦૧ યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિફોર્મ સાથે ૧૫-તિરંગા સાથે રથયાત્રામાં જોડાશે. ખોડલધામના મુખ્ય રથ સહિતના અનેક ફલોટસ, સ્વામીનારાયણ મંદિર-રાજકોટ, બી.એ.પી.એસ.સરધારના ફલોટસ, બોલબાલા ટ્રસ્ટના અલગ-અલગ ફલોટ, રાધે-શ્યામ ગૌશાળાના ૧૧ ફલોટસ, રાજકોટ મહાજન પાંજરાપોળ, શ્રીજી ગૌશાળા, વેજીટેરીયન સોસાયટી સહિતની અનેક ગૌશાળાના ફલોટ શોભાયાત્રામાં જોડાશે. ૨૪ કિ.મી. જેટલા લાંબા રથયાત્રાના રૂટ પર જિલ્લા પંચાયત ચોક ખાતે જૈન સમાજના ચારેય ફીરકાઓ દ્વારા, સદર બજાર ખાતે મુસ્લીમ સમાજ દ્વારા, આમ્રપાલી ફાટક પાસે વોરા સમાજ દ્વારા એમ રૂટ પર અનેક સમાજ, જ્ઞાતિ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળતાભેર કરવામાં આવશે. અનેક મંડળો, સંસ્થા,ગ્રુપ દ્વારા શરબત, પાણી, ફરાળ, પ્રસાદી, ફળાહાર,છાશ સહિતનું વિતરણ કરવામાં આવશે.

શોભાયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હજારોની સંખ્યામાં રીક્ષામાં ઝંડીઓ લગાવવામાં આવી છે. ચોકે-ચોકે ધ્વજારોહણ અને લત્તે-લત્તે સુશોભનને આખરી ઓપ અપાઇ ચુકયો છે. અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ, યુવા સંગઠનો દ્વારા ફલોટ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.  શોભાયાત્રાના પ્રચાર અર્થે સમિતિ દ્વારા સ્ટીકર,બેગ, પેન,કીચન, પર્સ,  ધજા, પતાકા, બેનર સહિતનું અનેક સાહિત્ય મોટી સંખ્યામાં છાપવામાં આવ્યુ હતું. શોભાયાત્રા પ્રસંગે અનેક સંતો-મહંતો, સાધુઓ, સામાજીક, રાજકીય, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહેશે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

જન્માષ્ટમીનો પાવન પર્વ અને શ્રી કૃષ્ણના જીવનનો મહિમા

આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ એ અવતારો ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રી કૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રી કૃષ્ણનારૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો.

આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિતથયા હતા. તેમણે જે પણ કાર્યો કર્યા એ ઈતિહાસમાં મહત્વપૂર્ણ કાર્યો તરીકે ઓળખાયા. પૃથ્વી પર શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે. શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે. ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભગીવાળી સુંદર મૂર્તિઓ અને રંગીન આકર્ષક ફોટાઓ ભકિતભાવથી પૂજાય છે. મહાભારતના યુદ્ધ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને થયેલ સમ્મોહને દૂર કરીને એને યુદ્ધ માટે તૈયાર કરવા માટે તેમણે ગીતાનું જે જ્ઞાન આપ્યુ એ શ્રીમદ્દ ભગવદ્ ગીતા તરીકે વિશ્વમાં અમર થઈ ગયું.

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે. સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત બનાવીને વિશ્વને પીરસ્યુ છે. ગીતા એ જીવન યોગ છે. જીવનના મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે. જીવન કેમ જીવવું ? એની કળા ગીતા આપણને શીખવે છે. દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે. જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા કુરૂક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતા કરતા અર્જુનને નિમિત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે. 

સૌને જયશ્રી કૃષ્ણ.

આધિ, વ્યાધિ અને ઉપાધિ

ત્રણ પ્રકારના દુઃખ કયા છે ? આધિ, વ્યાધિ અને ઉપાધિ. અણધાર્યુ જે દુઃખ આવે જેમ કે બીમારી એ આધિ, કુદરતી કારણો એટલે કે ધરતીકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ એને વ્યાધિ કહેવાય અને ઉપાધિ એટલે હાથે કરીને વહોરી લીધેલી મુસીબત એ ઉપાધિ છે.

ભગવાન સમર્થ છે. આ ત્રણે પ્રકારનાં દુઃખોનો ભગવાન નાશ કરે છે. નાશ અને વિનાશમાં ભેદ છે. સંસ્કૃત ભાષા ખૂબ સુંદર ભાષા છે. એમાં આવા નાના-નાના શબ્દોના સુંદર અર્થ છે. નાશની આગળ 'વિ' ઉપસર્ગ લાગ્યો એટલે શબ્દ થયો વિનાશ.

નાશ કરવો એટલે દુઃખને કામચલાઉ દૂર કરવું. પરંતુ દુઃખને હંમેશાને માટે દૂર કરી દેવું એ દુઃખનો વિનાશ કહેવાય.

બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિ

આપણે ત્યાં ત્રણ શબ્દ છે બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિ. બ્રહ્મર્ષિ કોને કહેવાય ? બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય અને જીવન ઋષિ જેવું હોય એ બ્રહ્મઋષિ કહેવાય. પૂ. ડોંગરેજી મહારાજ બ્રહ્મર્ષિ કહેવાય. વિનોબા ભાવે બ્રહ્મર્ષિ હતા.

રાજર્ષિ કોણ છે ? રાજકારણમાં હોવા છતા જીવન ઋષિ જેવું અનાસકત હોય એ રાજર્ષિ છે. મહાત્મા ગાંધી રાજર્ષિ કહેવાય. એમનું જીવન ઋષિ જેવું હતું. સવારે ચાર વાગ્યે ઉઠવું, નિયમિત પ્રાર્થના કરવી, એક સાધુ સંન્યાસીને શરમાવે એવુ સરસ જીવન ગાંધીજીનું હતું. અંબરીષ રાજા હતા છતાં એ રાજર્ષિ કહેવાયા. રાજકારણમાં હોય છતાં જીવન ઋષિ જેવું હોય એ રાજર્ષિ.

ત્રીજો શબ્દ છે દેવર્ષિ. દેવોમાં જન્મ્યો હોય છતા જેનુ જીવન ઋષિ જેવું હોય એ દેવર્ષિ. નારદજી દેવ હતા પણ જીવન ઋષિ જેવું હતું.

લતા સુશોભનના વિશેષ આકર્ષણ

- શકિત યુવા ગ્રુપઃ સુરતના અગ્નિકાંડનું જીવંત નિદર્શન સ્થળઃ શકિત સોસાયટી, શેરી નં. ૪, શાળા નં. ૧૩ પાછળ બેડીપરા રોડ

- કનૈયા ગ્રુપઃ ઝુલો, કલમ ૩૭૦ નાબુદી અને ચંદ્રયાનની કૃતિ  સ્થળઃ સાંઈ મંદિર પાસે, પટેલવાડી સામે, બેડીપરા

- બાલક હનુમાન મંદિરઃ કૃષ્ણ જીવન આધારિત સુશોભન સ્થળઃ પેડક રોડ, પાણીના ઘોડા ચોક પાસે

- દ્વારકાધીશ ગ્રુપઃ ગોકુળ-મથુરાનું સર્જન સ્થળઃ આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ

- જય રોકડીયા મિત્ર મંડળઃ અમરનાથ ગુફા, હિંડોળો, કારાવાસ, ગોવર્ધન લીલા સ્થળઃ રોકડીયા ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, દોશી હોસ્પીટલ પાસે

- મચ્છો મિત્ર મંડળઃ શિવલીંગ, કૃષ્ણ જન્મોત્સવ સ્થળઃ સરકારી ગોડાઉન પાસે, પોપટપરા

- જય રામનાથ યુવા ગ્રુપઃ લાઈવ ડ્રમ સ્થળઃ કેવડાવાડી

- ક્રિષ્ના સોશ્યલ ગ્રુપઃ લાઈટીંગ ડ્રમ, રાસ-ગરબા, પ્રસાદ, મટકી ફોડ સ્થળઃ ગાયત્રીનગર મેઈન રોડ

- માખણચોર યુવા ગ્રુપઃ ગોકુળીયુ ગામ, બગીચો અને કૂવો સ્થળઃ ૨-શ્રીનાથજી સોસાયટી, મવડી મેઈન રોડ

- રાધેશ્યામ યુવા ગ્રુપઃ ૧૦૦ વર્ષ જૂનુ ગાડુ, કૃષ્ણ ઝૂલો, કેદારનાથ મંદિર સ્થળઃ ત્રિમૂર્તિ ચોક, ભગવતીપરા મેઈન રોડ

- જય ઠાકર ગ્રુપઃ મૂર્તિ પહાડ, રોશની, ડીજે ગીત-સંગીત  સ્થળઃ ભરવાડ ચોક, હિંગળાજનગર, અમીન માર્ગ

- જય મોરલીવાળા મિત્ર મંડળઃ જેલવાસ, ઝૂપડી  સ્થળઃ હનુમાન મઢી ચોક, રૈયા રોડ

 ઇશ્વર અનુપમ અવર્ણનીય

- ઇશ્વર એટલે એવું એક વર્તુળ, જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે, પણ જેનો પરિઘ  કયાંય હોતો નથી -સેટે આંગસ્ટાઇન

- નાસ્તિકને મન ઇશ્વર શૂન્ય છે, આસ્તિકને મન ઇશ્વર પૂર્ણ વિરામ છે -સ્વામી રામતીર્થ

- ઇશ્વર નિરાકાર છે, પરંતુ તેમાં ગુણ-કર્મ-સ્વભાવ અનંત છે -દયાનંદ સરસ્વતી

- ઇશ્વર એક જ છે, ભકતો જુદી જુદી રીતે તેને વર્ણવે છે   - ઉપનિષદો

- જયાં સુધી કામિની અને કંચનનો મોહ છુટતો નથી ત્યાં સુધી ઇશ્વરના દર્શન થઇ શકતા નથી -રામકૃષ્ણ પરમહંસ

- સુખ અને શાન્તિની ઇચ્છા હોય તો ઇશ્વરની પાસે રહો, જે માણસ પ્રાપ્ત વસ્તુથી સંતુષ્ટ રહે છે તથા પોતાના અંતરાત્મા અને વિવેકબુદ્ધિને પુછીને જ ડગલું ભરે છે, તે હંમેશા ઇશ્વરની પાસે જ રહે છે -ઓરેલિયસ

- જે પ્રભુની કૃપામાં સાચેસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત ્  વહેતી રહે છે. -શ્રી માતાજી

- પરમાત્મા હંમેશા દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે  તેને તે અવશ્ય આપે છે. -સ્વામી વિવેકાનંદ

- જયારે આપણે પરમાત્માની વ્યાખ્યા આપવાનો કે તેનું વર્ણન કરવાના પ્રયત્ન કરીએ છીએ ત્યારે ભાષા અને વિચાર બંને આપણને છોડી જાય છે, આપણે મૂર્ખ અને જંગલીની જેમ લાચાર બની જઇએ છીએ -એમર્સન

- લોકો વાતો તો એવી કરે છે કે જાણે તેઓ ઇશ્વરમાં વિશ્વાસ રાખે છે,પરંતુ જીવે છે એ રીતે કે જાણે ઇશ્વર છે જ નહિં. - એસ્ટ્રેજ

- પરમાત્માની શકિત અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે - મહાવીર સ્વામી

- પરમાત્મા જેના પર કૃપા કરવા ઇચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે  છે. રોગ, સાંસારિક,ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ,  આ સર્વ  ભકિતમાર્ગમાં  થનારી કસોટીઓ છે.  - ગોસ્વામી તુલસીદાસ

- ઇશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે. - સ્વામી દયાનંદજી

સત્ય એ જ પરમેશ્વર

-  સત્ય યશનું મૂળ છે. સત્ય વિશ્વાસનું કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે. સત્ય જ સિદ્વિનું સૌપાન છે. - ધર્મસંગ્રહ

- સત્ય પ્રભુનો આત્મા છે અને પ્રકાશ તેનો દેહ છે. - પાઇથાગોરસ

- સત્ય ચંદ્રમંડળથી પણ વધુ સૌમ્ય અને સૂર્યમંડળથી પણ વધુ તેજસ્વી છે. -મહાવીર સ્વામી

- સત્યની પ્રાપ્તિ શ્રદ્વાથી થાય છે.  -યુજુર્વેદ

- સત્યના ત્રણ ભાગ છેઃ પ્રથમ જિજ્ઞાસા જે તેનો ઉપભોગ છે. બીજુ જ્ઞાન, જે તેની ઉપસ્થિતિ છે અને ત્રીજુ વિશ્વાસ જે તેનો ઉપભોગ છે. -બેકન

- સત્ય કિરણોનું કિરણ, સૂર્યોનો સૂર્ય ચંદ્રમાઓનો ચન્દ્રમા અને નક્ષત્રોનું નક્ષત્ર છે. સત્ય બધાનું સારભુત તત્વ છે  - ડિકન્સ

- સત્યથી વધારે કોઇ ધર્મ નથી. સત્ય સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. -વેદ વ્યાસ

- સત્યનું રૂપ જ એવું છે કે તેની છબિ જોતાં જ તે મનને હરી લે છે - ડ્રાયડન

- જેવી રીતે સૂર્યનાં કિરણોને કોઇ પણ રીતે અપવિત્ર કરી શકાતાં નથી, તેવી જ રીતે સત્યને પણ બાહ્ય સ્પર્શથી અપવિત્ર કરી શકાતું નથી - મિલ્ટન

- માનવજાતિને સત્ય કોઇ શીખવી શકતું નથીઃતેની અનુભૂતિ તેની જાતે જ થાય છે. - જે.કૃષ્ણર્મતિ

- કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચું છે એ વાત મહત્વની છે.  - થોમસ હકસલે

-સત્ય માટે બધુ જ છોડી શકાય છે, પણ સત્યને કોઇ પણ ચીજ માટે છોડી શકાય નહિ, તેનું બલિદાન આપી શકાય નહિ.- સ્વામી વિવેકાનંદ

- સત્યનું સ્થાન હ્રદયમાં છે, મુખમાં નહિ. ફકત મુખમાંથી નીકળવાને કારણે કોઇ વાત સાચી બની જતી નથી. - શરદચંદ્ર

- સત્ય અને અસત્યની ટકકર પથ્થર અને માટીના ઘડાની અથડામણ જેવી છે. પથ્થર પર માટીનો ઘડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ઘડા પર પડે તો પણ ઘડો જ ફૂટે છે. - હિતોપદેશ

ધર્મયાત્રાનું વિશેષ આકર્ષણ

સંસ્થા

ફલોટનો વિષય

- જન્માષ્ટમી મહોત્સવ સમિતિ

મુખ્ય રથમાં સખા સાથે કાન

- હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ

 કલમ ૩૭૦ નાબુદી

- ખોડલધામ ટ્રસ્ટ

ખોડીયાર માતાજીનો રથ

- બજરંગ મિત્ર મંડળ

ગોવર્ધન પર્વત, જીવંતપાત્ર

- રોકડીયા મિત્ર મંડળ

તોપ દ્વારા પુષ્પવર્ષા

- એકતા મિત્ર મંડળ

રામ દરબારમાં જીવંત પાત્રો

- કુમકુમ ગ્રુપ

બેટી બચાવો - બેટી પઢાવો

- સીતારામ મિત્ર મંડળ

શિવ દ્વારા અસુરોનો નાશ

- સરસ્વતી શિશુ મંદિર

ચંદ્રયાનની કૃતિ

- નેપાળી એકતા સમાજ

નેપાળનુ શિવમંદિર

- મોજ ગ્રુપ

મંડપ શણગાર

- બજરંગ યુવક મંડળ

હિમાલય અને શિવલીંગ

- સત્ય હનુમાન યુવા ગ્રુપ

હિમાલય પર્વત

- યુનિટી મિલ્ક પ્રોડકટસ

ગાય - મટુકી સાથે કૃષ્ણ

- શ્યામ મહાદેવ ગ્રુપ

રાધા-કૃષ્ણનો હિંડોળો

- ક્રિષ્ના મિત્ર મંડળ

વૃંદાવન પર્વત

- રામકૃષ્ણ આશ્રમ

સ્વામી વિવેકાનંદની ધર્મસભા

- ક્રિષ્ના સેકન્ડરી સ્કૂલ

પૃથ્વી બચાવો સંદેશ

- આર્ય સમાજ

જીવંત યજ્ઞ

- શિવવંશ યુવા ગ્રુપ

માતાજીનો નવરંગ માંડવો

- જય રામનાથ યુવા ગ્રુપ

લાઈવ ડ્રમ પાર્ટી

(11:33 am IST)