Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

દસ સરકારી બેન્કોએ વર્ષમાં ૫૫૦૦ એટીએમ બંધ કર્યા

૬૦૦ બ્રાંચ પણ બંધ કરવામાં આવી ચુકી છે : જાહેર ક્ષેત્રની બેંકો પણ ખર્ચ ઘટાડવા માટેની દિશામાં છે

નવી દિલ્હી,તા. ૨૨ : જાહેર ક્ષેત્રની બેન્કો (પીએસબી) ખર્ચ ઘટાડવા માટે મોટા શહેરોમાં પોતાના એટીએમ અને બ્રાંચના શટર પાડી રહી છે. હકીકતમાં શહેરી ગ્રાહકો જોરદાર રીતે ઈન્ટરનેટ બેકિંગનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારી બેન્કોનું કહેવુ છે કે, આ જ કારણસર બ્રાંચ અને એટીએમ જેવા ફિઝિકલ ઈન્ફાસ્ટક્ચરને લગાવવા અને તેને જાળવવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેના ઉપર બ્રેકની સ્થિતિ રાખવામાં આવી રહી છે. દેશની ટોચની દસ સરકારી બેન્કો જેમની પાસે સૌૈથી વધારે બ્રાન્ચો પણ છે. તેમના દ્વારા એકદરે ૫૫૦૦ એટીએમ અને ૬૦૦ બ્રાંચ છેલ્લા એક વર્ષમાં બંધ કરી દેવામાં આવી છે. બેન્કોના ત્રિમાસિક પરિણામોના મુલ્યાંકન બાદ આ અંગેની માહિતી સપાટી પર આવી રહી છે.

સરકારી બેન્કો બેલેન્સસીટના ખર્ચને ઘટાડવાના પ્રયાસમાં છે. તેમનું કહેવુ છે કે, બેડ લોન અને સુસ્ત લોન ગ્રોથના કારણે તેમના નફાને અસર થઈ રહી છે. એસબીઆઈએ જુન ૨૦૧૮થી ૨૦૧૯ વચ્ચે હજુ સુધી ૪૨૦ બ્રાંચ અને ૭૬૮ એટીએમ બંધ કરી દીધા છે. જ્યારે વીજીયા અને દેના બેન્કને મિક્સ કરી લીધા બાદ બેન્ક ઓફ બરોડાએ ૪૦ બ્રાંચ અને ૨૭૪ એટીએમ બંધ કરી દીધા છે. બ્રાંચ અને એટીએમની સંખ્યા ઘટાડનાર અન્ય બેન્કોમાં પીએનબી, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેડા બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન ઓવરસિસ બેન્ક, યુનિયન બેન્ક અને અલ્હાબાદ બેન્કનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે, દસ પૈકી ૯ સરકારી બેન્કોએ એટીએમની સંખ્યા ઘટાડી છે. છ બેન્કોએ બ્રાંચની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

(8:40 am IST)