Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

દિલ્હીમાં રૂ.૧૩૧ કરોડના ખર્ચે ગુજરાત ભવનનું નિર્માણઃ બીજી સપ્ટેમ્બરે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે લોકાર્પણ

અમદાવાદ: રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, દિલ્હીમાંગુજરાત ભવનની વ્યવસ્થા વધારવી જરૂરી હતી તેથી‌ 131 કરોડના ખર્ચે નવું ભવન બનાવવામાં આવ્યું છે. તેનું નામ ગરવી ગુજરાત ભવન રહેશે. 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભવનનું લોકાર્પણ કરવામાં આવશે.

ભવનના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ગુજરાતની કળા-સંસ્કૃતિ, રીત રિવાજોનો પરિચય થાય, ગુજરાતના પ્રવાસનને વધુ વેગ મળે તે માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં વર્ષોથી ગુજરાત ભવન કાર્યરત છે. પરંતુ વધતી જતી જરૂરિયાતો અને નાગરિકોના ધસારાને પગલે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવ નિર્મિત ભવન માટે ગુજરાત સરકારની વિનંતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 7066 ચોરસ મીટર જમીન અકબર રોડ ઉપર ફાળવી હતી. જેની કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી.

કઈ કઈ સુવિધાઓ

20325 ચોરસ મીટર એરિયામાં બનાવવામાં આવેલું ગુજરાત ભવન અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે. જેમાં 19 સ્વીટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ સેન્ટર, 200 બેઠકની ક્ષમતા ધરાવતો હોલ, ચાર લોંજ, જીમનેશિયમ, યોગા સેન્ટર, ટેરેસ ગાર્ડન અને લાયબ્રેરી તથા 80 બેઠક વ્યવસ્થા સાથેનો કોન્ફરન્સ હોલ પણ છે.

(5:47 pm IST)